ધો.10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, પહેલા દિવસે હોલ ટિકિટના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને દોડધામ
image : Twitter
Gujarat Board Exam : વડોદરા સહિત રાજ્યમાં આજથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને આજે પહેલા જ દિવસે વડોદરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓેને હોલ ટિકિટના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો.
ધો.12ની પરીક્ષા શરુ થાય તે પહેલા કેટલાક વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, બે પેપરની પરીક્ષા માટે હોલ ટિકિટમાં બે સ્કૂલોનો ઉલ્લેખ કરાયો છે પણ કયા પેપર માટે કઈ સ્કૂલમાં પરીક્ષા આપવાની છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
જેના કારણે કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ જીવન સાધના સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને સ્કૂલમાં કહેવામાં આવ્યું હતું કે આજના પેપરની પરીક્ષા પોલોગ્રાઉન્ડ ખાતે બરોડા સ્કૂલમાં આપવાની છે.
વાલીઓએ કહ્યું હતું કે, પરીક્ષા ચાલુ થવાને થોડો જ સમય બાકી હતો અને અમારે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં દોડધામ કરવી પડી હતી. સારું હતું કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં એન્ટ્રી મળી હતી. હોલ ટિકિટમાં કયું પેપર કયાં આપવાનુ છે તેની સ્પષ્ટતા બરાબર થવી જોઈએ. આ રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થાય તે યોગ્ય નથી.