વડોદરામાં રામ મંદિર માટે બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી તા.31 ની બપોરે અયોધ્યા રવાના કરાશે

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
વડોદરામાં રામ મંદિર માટે બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી તા.31 ની બપોરે અયોધ્યા રવાના કરાશે 1 - image


- ધાર્મિક વિધિ સાથે 108 ફૂટ લાંબા ટ્રેલર સ્વરૂપે રથમાં અગરબત્તી લઈ જવાશે

- અગરબત્તી પ્રજવલિત કર્યા બાદ 47 દિવસ અખંડ ચાલશે

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તા.22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે. આ અગરબત્તી તારીખ 31 ના રોજ બપોરે બે વાગ્યે વડોદરા દરજીપુરા પાંજરાપોળ થી અયોધ્યા રવાના કરાશે. 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો છે. તારીખ 31 ના રોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષા ભેર અયોધ્યા લઈ જવાશે. આશરે 1,200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે. આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડએ કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે. અગરબત્તી લોકાર્પણ પ્રસંગે તારીખ 30 ની રાત્રે 8 વાગે દરજીપુરા એરફોર્સ સામે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News