યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટીના લગભગ ૧૦૦ ટકા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ
વડોદરાઃ કોરોનાકાળ બાદ એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની જોબ માર્કેટમાં ફરી એક વખત ડીમાન્ડ વધી ગઈ છે.૨૦૨૨-૨૩ની એમબીએની રેગ્યુલર બેચના વિદ્યાર્થીઓનુ લગભગ ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થયુ છે.આ બેચના ૮૯ પૈકી ૮૫ વિદ્યાર્થીઓને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં નોકરી મળી ચુકી છે.
મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન પ્રો.સુનિતા શર્માનુ કહેવુ છે કે, કોરોના પહેલા ફેકલ્ટીના એમબીએ વિદ્યાર્થીઓનુ ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થયુ હતુ અને ત્રણ વર્ષ બાદ ફરી વિદ્યાર્થીઓની ડીમાન્ડ વધી ગઈ છે.આ વર્ષ ૩૬ કંપનીઓ ફેકલ્ટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે આવી હતી.વિદ્યાર્થીઓને ઓછામાં ઓછુ ૪.૫ લાખ અને વધારેમાં વધારે ૧૩ લાખ રુપિયા પગાર પેકેજ ઓફર થયુ છે.સરેરાશ પગાર પેકેજ ૭.૦૬ લાખ રુપિયા થવા જાય છે.
તેમણે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને એચઆર, ઓપરેશન્સ, માર્કેટિંગ વિભાગોમાં કંપનીઓએ નોકરી આપી છે.પૂર્વ વિદ્યાર્થીઓએ પણ કેમ્પસ ઈન્ટરવ્યૂ થાય તે માટે ઘણી સહાયતા કરી છે.ઉપરાંત વિદ્યાર્થીઓની સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ માટે ૩૦ જેટલી ઈવેન્ટસ યોજવામાં આવી હતી.સાથે સાથે એમબીએના અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પર પણ ભાર મુકવામાં આવે છે.મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પ્રતિબધ્ધતાથી ટોચની કોર્પોરેટ કંપનીઓ ઘણી પ્રભાવિત છે.
૧૩ લાખનુ પગાર પેકેજ સ્વીકારનાર વિદ્યાર્થિનીને અન્ય એક કંપનીએ ૧૫ લાખનુ પેકેજ ઓફર કર્યુ હતુ પણ ફેકલ્ટીના નિયમ પ્રમાણે એક ઓફર સ્વીકાર્યા બાદ સ્ટુડન્ટ એ પછીની ઓફર સ્વીકારી શકતા નથી એટલે વિદ્યાર્થિનીએ ૧૫ લાખનુ પેકેજ જતુ કર્યુ હતુ.