હોળી ધૂળેટી પર્વમાં વડોદરા એસટી ડિવિઝન દ્વારા વધારાની 100 બસો દોડાવાશે
વડોદરાઃ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે શહેરમાંથી દર વર્ષે હજારો લોકો પોતાના વતન જતા હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ વડોદરા એસટી ડિવિઝન વધારાની બસો દોડાવશે.
હોળી ધૂળેટી પર્વ નિમિત્તે મુસાફરોને વધારે સુવિધા મળે તે માટે તા.૧૯ થી તા.૨૫ માર્ચ સુધી વડોદરા વિભાગના તમામ ડેપો પરથી વધારાની બસોનુ સંચાલન કરવામાં આવશે.મળતી જાણકારી પ્રમાણે આ એક સપ્તાહ દરમિયાન રોજ વધારાની ૧૦૦ બસો અલગ અલગ રુટ પર દોડાવાશે.વડોદરા ડિવિઝનમાં સામેલ વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, ડભોઈ, કરજણ, પાદરા તથા વાઘોડિયા ડેપોને વધારાની બસો ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રહેતા હજારો શ્રમજીવીઓ હોળી ધૂળેટી પર્વ માટે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જેવા જિલ્લાઓમાં પોતાના વતન ભણી રવાના થતા હોય છે.હોળી ધૂળેટી પર્વના કારણે આ રુટ પર તો વધારાની એસટી બસો પણ ઓછી પડે તેવી ભીડ થતી હોય છે.જેના કારણે મુસાફરોની હેરફેર કરતા ખાનગી વાહન ચાલકોને લોકોને લૂંટવાનો મોકો મળી જતો હોય છે.