સગીરાનુ અપહરણ કરી મોત નિપજાવનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા
ચિલોડા પંથકના ગામમાંથી બે વર્ષ અગાઉ
દશેલાના યુવાને સગીરા સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતુંઃસ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : આરોપીને રૃપિયા ૧૪ હજારનો દંડ
ગાંધીનગર : ચિલોડા પંથકના ગામમાં રહેતી સગીરાનું અપહરણ કરીને તેની સાથે કેનાલમાં કૂદી જનાર આરોપી યુવાન બચી ગયો હતો પરંતુ સગીરાનું મોત થયું હતું.જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને આઇપીસી ૩૦૫ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ
દશેલા ગામમાં રહેતા આરોપી મહેશ કચરાભાઈ ઠાકોર દ્વારા આ પંથકમાં રહેતી સગીરાનુ
અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેણીને બાઈક ઉપર દહેગામ હરસોલી તોતળા
માતાના મંદિર નજીક આવેલી નર્મદા કેનાલમાં લઈ જઈને તેણી સાથે કેનાલમાં કૂદી ગયો
હતો. જોકે આજુબાજુમાંથી પસાર થતા લોકોએ યુવાન મહેશને બચાવી લીધો હતો. જ્યારે
સગીરાનું મોત થયું હતું. જે સંદર્ભે તેના પિતા દ્વારા ચિલોડા પોલીસ મથકમાં આરોપી
સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરીને આ ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં
રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ
સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ
સુનિલ.એસ.પંડયા દ્વારા અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે
રજૂઆત કરી હતી કે, ભોગ
બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો
આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જેના પગલે આરોપીને
કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ
દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મહેશ કચરાભાઈ ઠાકોરને આઇપીસીની કલમ ૩૦૫ મુજબ ૧૦
વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો અને કુલ ૧૪ હજાર રૃપિયા દંડ ભરવા
પણ આદેશ કરવામાં આવ્યો હતો.