સગીરાના અપહરણ અને બળાત્કારના ગુનામાં ચાર આરોપીને 10 વર્ષની સખત કેદ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
સગીરાના અપહરણ અને બળાત્કારના ગુનામાં ચાર આરોપીને 10 વર્ષની સખત કેદ 1 - image


માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ

બળાત્કાર કરનાર આરોપી અને મદદગારી કરવા બદલ ત્રણને દોષી ઠેરવ્યા : ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજરનાર આરોપી અને તેને મદદ કરનાર ત્રણ સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ચાર આરોપીને ૧૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે જિલ્લાના માણસા તાલુકાના વિસ્તારમાં રહેતી સગીરાનું ગત ૨૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઇટાદરા ગામમાં રહેતા આરોપી બળવંત ગફુલભાઈ દંતાણી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી. આ સગીરાના લિવિંગ સર્ટીમાં પણ છેડછાડ કરીને બીજા અન્ય કોઈ સાથે લગ્ન કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે ગુનામાં ઇટાદરા ગામના હંસરાજ ગફુલભાઈ દંતાણી, ગફુલભાઈ બચુભાઈ દંતાણી, કડીના ચાંદરડા ગામમાં રહેતા સંજય જીવણભાઈ દંતાણી સામે તેણીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના ચારે આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદીની સજા ફટકારવામાં આવી હતી. એટલું જ નહીં ભોગ બનનારને ચાર લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News