જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, દેશના ટોપ-૧૦૦૦માં વડોદરાના નવ સ્ટુડન્ટસ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, દેશના ટોપ-૧૦૦૦માં વડોદરાના નવ સ્ટુડન્ટસ 1 - image

વડોદરાઃ આઈઆઈટી સહિત દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઈઈ એડવાન્સ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર થયુ છે.વડોદરાના નવ  સ્ટુડન્ટસે દેશના ટોપ-૧૦૦૦ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યુ છે.વડોદરાના પરિણામમાં બોયઝનો દબદબો જોવા મળ્યો છે.આ આઠ પૈકી એક પણ ગર્લ્સ નથી.વડોદરાના તમામ ટોપર્સને હવે આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા છે.ઉલ્લેખનીય છે કે, લગભગ બે લાખ વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી હતી અને તેમાં વડોદરાના લગભગ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.જેઈઈ એડવાન્સનુ પરિણામ જાહેર થયા બાદ હવે જનરલ કેટેગરી માટે ૧૦૯ માર્કસ, ઓબીસી કેટેગરી માટે ૯૮ માર્કસ અને એસટી-એસસી કેટેગરી માટે ૫૪ માર્કસનુ કટ ઓફ જાહેર કરાયુ છે.જે પ્રમાણે આઈઆઈટી સહિતની કોલેજોની ૧૪૦૦૦ જેટલી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

છેલ્લા બે મહિનામાં ૩૦ મોક ટેસ્ટ આપ્યા હતા 

સફળતા માટે ઘણા કારણો જવાબદાર હોય છે પણ સાતત્યપૂર્ણ રીતે સખત મહેનત બહુ જરુરી છે.મારુ મેઈન્સનુ પરિણામ પણ ૯૯.૯૯ પર્સેન્ટાઈલ આવ્યુ હતુ.રોજે રોજ જે પણ ક્લાસમાં ભણાવાતુ હતુ  તેનો ઘરે જઈને રોજ અભ્યાસ કરતો હતો.બે મહિનામાં મેં ૩૦ મોક ટેસ્ટ આપ્યા હતા.જેથી એડવાન્સની પરીક્ષા આપવાનો આત્મવિશ્વાસ વધ્યો હતો.માતા શિક્ષિકા છે અને પિતા બેન્કમાં નોકરી કરે છે.અભ્યાસ દરમિયાન મિત્રો સાથે વાતચીત કરીને કંટાળો દૂર કરતો હતો.

કાર્તિક સુલોચના બસંત, ૨૭૯ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૨૨૨

ઘરે પણ પરીક્ષા આપતો હોય તેવી ગંભીરતાથી વાંચતો હતો 

શિક્ષકોની સૂચનાઓને અનુસરીને ગંભીરતાથી અભ્યાસ કરવો જોઈએ.હું રોજ ઘરે પણ પરીક્ષા આપતો હોય તે રીતે જ વાંચવા બેસતો હતો.સફળતા માટે  સેલ્ફ મોટિવેશન જરુરી છે.મમ્મી-પપ્પા ડોકટરે છે પણ મને મેડિકલ કરતા એન્જિનિયરિંગ વધારે રસપ્રદ લાગ્યુ હતુ.જ્યાં સુધી એડવાન્સ પરીક્ષા પૂરી ના થઈ ત્યાં સુધી સોશિયલ મીડિયા સાઈટસ તરફ મેં જોયુ પણ નહોતુ.વાંચવાનો કંટાળો દૂર કરવા તબલા વગાડતો હતો.

પ્રચેત મિહિર પટેલ, ૨૭૧ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૩૧૨

સફળતામાં સૌથી મોટુ યોગદાન માતા-પિતાનું

મારી સફળતા પાછળ  મોટામાં મોટો હાથ  માતા-પિતાનો છે.મારુ ટાઈમ ટેબલ તેઓ જ સાચવતા હતા.વાંચવા માટે ઉઠાડવાથી માંડીને મારા ખાવા પીવાની તમામ કાળજી તેમણે રાખી હતી. કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનુ મારુ સ્વપ્ન સાકાર થશે તે વિચારીને ખુશ છું.મારા પિતા એન્જિનિયર છે.બે વર્ષ સુધી ટીવી, સોશિયલ મીડિયા, મિત્રોથી દૂર રહીને માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ.

વરુણ સુરેશભાઈ ભિમાણી, ૨૬૨ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૪૩૮

જોડિયા ભાઈએ નીટમાં સફળતા મેળવી 

રોજ આઠ કલાક વાંચતો હતો.સોશિયલ મીડિયાથી અંતર રાખ્યુ હતુ અને શિક્ષકો જે પણ સૂચના આપતા હતા તેનો અમલ કરતો હતો.મેં જેઈઈ એડવાન્સની અને મારા જોડિયા ભાઈ યુગ  મોદીએ નીટની પરીક્ષા આપી હતી.તેનો પણ સારો સ્કોર થયો હોવાથી તે મેડિકલમાં એડમિશન લઈને ડોકટર બનશે અને હું એન્જિનિયર બનીશ.

યશ વિજય મોદી, ૨૫૬ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૫૨૭

નાની-નાની ભૂલો ના થાય તે માટે પ્રેક્ટિસ કરી હતી 

મેં વિચાર્યુ હતુ તેનાથી સારુ પરિણામ આવ્યુ છે.અભ્યાસની તૈયારીમાં મેં સ્પીડ અને એક્યુરસી પર ફોકસ કર્યુ હતુ અને તેના કારણે પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં મને ઘણો ફાયદો થયો હતો.સાથે સાથે નાની-નાની ભૂલો ના થાય અને માર્કસ ના કપાય તે માટે પ્રેક્ટિસ કરી હતી.પિતા વ્યવસાય કરે છે અને માતા ગૃહિણી છે.

ઓમ ભાવેશભાઈ બાવિશી, ૨૫૦ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૬૧૬

શિક્ષક પિતાનું માર્ગદર્શન ઘણું કામ લાગ્યું

જે ભણાવાતુ હતુ તેનુ ઘરે આવીને એ જ  દિવસે રિવિઝન કરતો હતો.પિતા કેમેસ્ટ્રીના શિક્ષક હોવાથી તેમની મદદ અને માર્ગદર્શન બહુ કામ લાગ્યુ હતુ.ધો.૯માં હતો ત્યારથી જ મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનુ નક્કી કર્યુ હતુ.મારી તો બીજા વિદ્યાર્થીઓને પણ સલાહ છે કે, રોજે રોજનુ કામ રોજ કરીને કોઈ  પ્રકારનો બેકલોગ ના રાખો.વાંચવામાંથી સમય કાઢીને રોજ ચાલવા જતો હતો અને તેના કારણે શારીરિક રીતે ફિટ રહેવામાં ઘણી મદદ મળી હતી.

ક્રિશ રિતેશ શાહ, ૨૪૨ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૮૦૦

ભવિષ્યમાં ધો.૯ થી જેઈઈની તૈયારી કરવી પડશે

 જેઈઈ પરીક્ષામાં પણ સ્પર્ધા વધી ગઈ છે અને હવે એવુ લાગે છે કે, વિદ્યાર્થીઓએ ધો.૧૧થી નહીં પણ ધો.૯થી જ જેઈઈની તૈયારી ચાલુ કરી દેવી પડશે.મારા મતે પરીક્ષામાં સફળતા માટે જૂના પેપરોની પ્રેક્ટિસ સૌથી  મહત્વની છે.જેટલા વધારે પેપરો સોલ્વ કરવામાં આવે તેટલો પરીક્ષામાં ફાયદો થાય છે.મારા પિતા મિકેનિકલ એન્જિનિયર અને માતા યોગ શિક્ષક છે.

ધુ્રવ ગોહિલ, ૨૩૬ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૯૩૯

બે વર્ષ અભ્યાસ કરવા વડોદરા પસંદ કર્યુ

મોટાભાઈએ પણ જેઈઈ મેઈન અને એડવાન્સ પરીક્ષા આપી હતી અને તેમના તરફથી મને ઘણી મદદ મળી હતી.રોજ હું ત્રણ થી ચાર કલાક અભ્યાસ કરતો હતો.આમ તો હું નડિયાદનો છું પણ જેઈઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને બે વર્ષ માટે અભ્યાસ કરવા વડોદરા રહ્યો હતો.માતા પિતા ડોકટર છે.ધો ૧૦ના વેકેશનમાં મેં કેટલાક ઓનલાઈન કોર્સ કરીને  જેઈઈ માટે તૈયારી શરુ કરી દીધી હતી.

જય જિગર ઠક્કર, ૨૩૪ માર્કસ, ઓલ ઈન્ડિયા રેન્ક ૯૮૯


Google NewsGoogle News