એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૃ-ચિકન પાર્ટી કરતા ૧૦ વિદ્યાર્થીઓ ઓળખાયા
એમએમ હોલ, એમએ હોલ, એસપી હોલ અને કેએમ હોલના ૧૦ વિદ્યાર્થીઓની આજે ડિસિપ્લિનરી કમિટી પુછપરછ કરશે
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ દારૃ ચિકનની પાર્ટી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલામાં ૧૦ વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા છે અને પુછપરછ શરૃ કરી છે.
આ અંગે વાત કરતા ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યું હતું કે 'વાયરલ વીડિયો અંગે તપાસ શરૃ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આ વીડિયોમાં દેખાતા ૧૦ વિદ્યાર્થીઓની ઓળખ થઇ છે આ વિદ્યાર્થીઓ એમએમ હોલ, એમએ હોલ, એસપી હોલ અને કેએમ હોલના છે. આ ૧૦ વિદ્યાર્થીઓને મંગળવારે હોસ્ટેલ ડિસિપ્લિનરી કમિટી સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યુ છે. જો કે આ વીડિયો હાલનો છે કે જુનો છે તે હજુ જાણી શકાયુ નથી. કાલે સંબંધીત વિદ્યાર્થીઓની પુછપરછ બાદ જ વધુ વિગતો જાણી શકાશે'
ઉલ્લેખનીય છે કે ૨૦ દિવસ પહેલા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં ફ્રેશર્સ પાર્ટીમાં દારૃ પીવાતો હોવાની માહિતીના આધારે પોલીસ ફેકલ્ટી ઉપર દોડી ગઇ હતી જો કે માહિતી ખોટી નીકળી હતી અને ફેકલ્ટીમાં કોઇ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી નહતી. જ્યારે બે ત્રણ મહિના પહેલા જ યુનિવર્સિટી વિજિલન્સ ટીમે બાતમીના આધારે એલબીએસ બોયઝ હોસ્ટેલમાં રેડ કરી હતી અને રૃમ નં.૧૪માથી બે વિદ્યાર્થીઓને દારૃ પીતા પકડી પાડયા હતા જે બાદ બન્ને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી.
એમ.એમ.હોલમાં એકઠા થઇને દારૃ-ચિકન પાર્ટી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ રાજસ્થાની બાપુ લોબીના
યુનિવર્સિટીના સત્તાધિશો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'વાયરલ વીડિયોેની તપાસ કરતા જાણકારી મળી છે કે આ પાર્ટી એમ.એમ.હોલમાં થઇ હતી જ્યાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓ એકઠા થઇને આ પાર્ટી કરી રહ્યા હતા. આ ૧૦ વિદ્યાર્થીઓ રાજસ્થાની બાપુ લોબીના છે. ભૂતકાળમાં હોસ્ટેલમાં મારામારી સહિતના બનાવોમાં રાજસ્થાની બાપુ લોબી સક્રીય હોવાથી આ લોબીના વિદ્યાર્થીઓને અલગ અલગ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે પરંતુ અલગ અલગ હોસ્ટેલમાંથી મળીને ૧૦ વિદ્યાર્થીઓએ એમ.એમ.હોલમાં પાર્ટી કરી હતી.
કાલે કમિટી દ્વારા આ વિદ્યાર્થીઓનો ખુલાસો પુછવામાં આવશે અને દોષિત ઠરશે તો કડક પગલા લેવામા આવશે. ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના યુનિવર્સિટી પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે
એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલના ચિફ વોર્ડન વિજય પરમારે કહ્યું હતું કે 'હોસ્ટેલના નિયમ મુજબ કોઇ પણ પ્રકારનો નશાકારક પદાર્થનું સેવન હોસ્ટેલ કેમ્પસમાં થઇ શકે નહી એટલુ જ નહી આવો પદાર્થ સાથે રાખી પણ ના શકાય. કેમ્પસમાં રસોઇ બનાવવા પર પણ પ્રતિબંધ છે. દારૃ ચિકનની પાર્ટીમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ રેસ્ટિકેટ કરવામાં આવશે એટલુ જ નહી ડિસિપ્લિનરી કમિટીને જો લાગશે તો આ વિદ્યાર્થીઓ ઉપર એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે.