ઉપરવાસથી આવક વધતા નર્મદા ડેમના ૧૦ ગેટ ખોલાયા
વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ૨૫ ગામના લોકોને સાવધ કરાયા
રાજપીપળા,ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે નર્મદા ડેમના ૧૦ દરવાજા ૧.૯૦ મીટર ખોલાયા છે, જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૧,૭૦,૦૦૦ ક્યુસેક પાણી વહે છે. નદી તળ વિદ્યુત મથકનાં ૬ મશીનોનું ૪૫૦૦૦ ક્યુસેક અને બંધનાં દરવાજા ખોલતા તેનું ૧.૨૫ લાખ મળી કુલ ૧,૭૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર, તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ, તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
ડેમની જળસપાટી ૬ સેમી ઘટી છે. સાંજે સપાટી ૧૩૪.૬૦ મીટર નોંધાઇ હતી.
ઉપરવાસમાંથી ૧૮૫૯૮૧ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.