આણંદના લીઝધારકોનું વડોદરામાં ગેરકાયદે ખનન મહી નદીમાં રેતીનું ગેરકાયદે ખનન કરતી ૧૦ યાંત્રિકબોટ કબજે કરાઇ
સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરાતા તંત્ર દ્વારા કાર્યવાહી ઃ લીઝધારકોને મોટો દંડ કરાશે
વડોદરા, તા.5 સાવલી તાલુકામાં મહી નદીમાં નાવડીઓ નાંખી બિન્ધાસ્ત રેતીખનન કરતાં રેતી માફિયાઓ વિરુધ્ધ ખાણખનિજ વિભાગે કાર્યવાહી કરી ૧૦ યાંત્રિક નાવડીઓ જપ્ત કરી મોટી રકમનો દંડ કરવાની તૈયારી શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં રેતીખનન માટે ફાળવવામાં આવેલી લીઝો દ્વારા બોટ મૂકી રેતીખનન કરવા પ્રતિબંધ છે પરંતુ આણંદ જિલ્લાના લીઝધારકો યાંત્રિકબોટ છેક નદીમાં અંદર ઉતારી મોટાપાયે રેતીખનન કરતાં નદીમાં મોટા ખાડા પડી ગયા છે. આણંદ જિલ્લાના લીઝધારકો દ્વારા મહી નદીમાં બોટ ઉતારી તેને છેક વડોદરા જિલ્લાની હદમાં પણ લાવવામાં આવી હતી.
આણંદ જિલ્લાના લીઝધારકોની આ દાદાગીરી અંગે સ્થાનિક રહીશો દ્વારા ખાણખનિજ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેના પગલે ખાણખનિજની એક ટીમ સાવલી તાલુકાના નટવરનગર, બહિદ્રા અને ભાદરવા પાસેથી પસાર થતી મહી નદી પર પહોંચી ગઇ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જ અનેક બોટ નદીમાં વચ્ચે ઉતારી તેના દ્વારા રેતી ઉલેચવામાં આવતી હોવાનું જણાયું હતું. ખાણખનિજ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના લીઝધારકોની આવી ૧૦ યાંત્રિકબોટો કબજે કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કેે કુલ રૃા.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ફાળવેલ લીઝ કરતાં વધારાની જગ્યા પર રેતીખનન ગેરકાયદે કરવા અંગે નોટિસો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.