ટીબીના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ૧ વર્ષની બાળકીનો જીવ બચ્યો

ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી પણ કોઇ ફરક ના પડતા પરિવારજનો બાળકીને સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ટીબીના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ૧ વર્ષની બાળકીનો જીવ બચ્યો 1 - image

વડોદરા,જંબુસર ગામની એક વર્ષની બાળકી શ્વાસ અને તાવની તકલીફ સાથે એક મહિના પહેલા સયાજી  હોસ્પિટલમાં દાખલ થઇ હતી. પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ દ્વારા સચોટ નિદાન કરી ટ્રીટમેન્ટ શરૃ કરવામાં આવતા બાળકી મોતના મુખમાંથી બહાર આવી હતી. એક મહિનાની સારવાર પછી બાળકીને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

સયાજી હોસ્પિટલના સૂત્રો  પાસેથી મળતી માહિતી મુજબ, જંબુસર ગામની એક વર્ષની બાળકી ગત ૨૮ મી ઓગસ્ટે શ્વાસ અને તાવની તકલીફ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. આ અગાઉ ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવી હતી. પરંતુ, બાળકીની તબિયતમાં કોઇ ફરક પડયો નહતો. બાળકીને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. જેથી, તેને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવી હતી. પિડિયાટ્રિક વિભાગના વડા ડો. ઓમપ્રકાશ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, નિદાન દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાળકીને હૃદયની આસપાસના પેરિ કાર્ડિયમની ચારે બાજુ ઇન્ફેક્શનના કારણે પરૃં ભરાયું હતું. અલ્ટ્રા સાઉન્ડના ગાઇડન્સથી હૃદયની આજુબાજુ ભરાયેલા પરૃને ઇન્જેક્ટ કરીને બહાર કાઢવામાં આવ્યું હતું.

બાળકીને ટીબી તથા સેફાયલો કોકસના બેક્ટેરિયાના કારણે પરૃં ભરાયું હોવાનું  નિદાન થયું હતું. ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ શરૃ કરાઇ  હતી. અને બાળકીને ૧૦ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બે વખત બાળકીના હૃદયમાંથી પરૃં કાઢવામાં આવ્યું હતું. એક મહિનાની ટ્રીટમેન્ટ પછી બાળકી સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે, સીએમ સેતુ અંતર્ગત સયાજી  હોસ્પિટલમાં રાખવામાં આવેલા પિડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટના કારણે બાળકીની સારવારમાં મદદ મળી હતી.


Google NewsGoogle News