પંઢરપુર યાત્રાએ ગયેલા પરિવારના ઘરમાંથી રૂ.1.99 લાખ મતાની ચોરી
image : Freepik
વડોદરા,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર
ગોત્રી વિસ્તારમાં રહેતો પરિવાર મહારાષ્ટ્ર પંઢરપુર ખાતે યાત્રાએ ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીઓમાં મુકેલા 1.99 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મહિલાએ પરત આવી ચોરી થયાની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ ડુપ્લેક્ષમાં રહેતા ગીતાબેન પ્રુફલ ભાકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ મારા પતિ, અને સાસુ સસરા સાથે મહારાષ્ટ્ર પંઢરપુર યાત્રા કરવા 29 ડિસેમ્બરના રોજ અમારા ઘરને તાળુ માટે નીકળ્યા હતા. દરમિયાન તસ્કરોએ અમારા બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીઓમાં મુકેલાના સોના ચાંદીના દાગીના મળી 1.99 લાખની મત્તાની સાફસુફી કરીને પલાયન થઇ ગયા હતા. અમે 1 જાન્યુઆરીના રોજ વડોદરા પરત આવવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન પાડોશીનો મારા સસરા પર ફોન આવ્યો હતો અને તમારા ઘરનું તાળુ તુટેલુ છે. જેથી અમે તાત્કાલિક પરત ઘરે દોડી આવ્યા હતા અને અંદર જઇને તપાસ કરતા ઘર વખરી સહિતના સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. તિજોરીઓમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના ગાયબ હતા. ગોત્રી પોલીસે મહિલાની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરુ મેળવાની તજવીજ હાથ ધરી છે.