માતરના રતનપુરમાં બંધ મકાનમાંથી રૂપિયા 1.93 લાખની મત્તા ચોરાઈ
તસ્કરો કબાટનું લોક ખોલીને દાગીના લઈ ગયા
પતિ ગુજરી ગયા હોવાથી વિધવા જેઠાણીને ત્યાં ગયા હતા ઃ જાણભેદૂએ તસ્કરી કરી હોવાની શંકા
નડિયાદ: માતર તાલુકાના રતનપુર મુખીની ખડકીમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો લાકડાના કબાટમાંથી સોના- ચાંદીના દાગીના કિંમત રૂ.૧,૯૨,૫૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ સંદર્ભે વિધવા મહિલાએ માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માતર તાલુકાના રતનપુર મુખીની ખડકીમાં રહેતા અઝીઝન બાનુ ઈમ્તિયાઝખાન પઠાણના પતિ ઈમ્તિયાઝ ખાન પઠાણ તા.૨૧/૩/૨૪ના રોજ ગુજરી ગયા હોવાથી, તેઓને કોઈ સંતાન ન હોવાથી અઝીઝનબાનુ સાડા ચાર મહિના કરવા માટે મકાનને તાળું મારી પોતાના જેઠાણીને ત્યાં રહેતા હતા. આ દરમિયાન બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો લાકડાનું કબાટનું લોક ખોલી તેમાં મુકેલો અઢી તોલાનો સોનાનો હાર, સોનાની વીંટીઓ સહિત ૮૮૦ ગ્રામ સોના ચાંદીના દાગીના કિંમત રૂ.૧,૯૨,૫૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ ચોરી કોઈ જાણ ભેદુ બંધ મકાનમાંથી તાળું તોડયા વગર ચોરી કરી ગયો હોવાની સંભાવના છે. આ બનાવ સંદર્ભે અઝીઝનબાનુ ઈમ્તિયાઝ ખાન પઠાણે માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.