બાજવાની મહેશ્વરી સોસાયટીમાં ધોળે દહાડે ૧.૯૦ લાખની ચોરી
નાના ભાઇ મકાન બંધ કરીને નજીકમાં જ રહેતા મોટા ભાઇના ઘરે ગયા હતા
વડોદરા,બાજવાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા પ્રજ્ઞાા ચક્ષુના ઘરમાંથી ચોર ટોળકી ધોળે દહાડે ૧.૯૦ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
બાજવાની મહેશ્વરી સોસાયટીમાં રહેતા રાજેશભાઇ લુણારામ શાહ અને તેમનો નાનો ભાઇ રોહિત સંયુક્ત રીતે અનાજ કરિયાણાનો હોલસેલ વેપાર કરે છે. રોહિતભાઇને દશ વર્ષથી બંને આંખે દેખાતું નથી. અને તેમના પત્નીને દોઢ મહિના અગાઉ અકસ્માત થતા બંને હાથે અને પગે ફ્રેક્ચર હોવાથી તેઓ પથારીવશ છે. ગત તા.૧૦ મી એ રોહિતભાઇ તથા તેમના માતા તેઓનું ઘર બંધ કરીને પોણા અગિયાર વાગ્યે તેમની જ સોસાયટીમાં રહેતા મોટાભાઇ રાજેશભાઇના ઘરે ગયા હતા. સાંજ ેસાડા ચાર વાગ્યે રસ્તે જતા છોકરાઓએ રોહિતભાઇના ઘરના દરવાજા ખુલ્લા હોવાનું જણાવતા તેમના માતા અને રાજેશભાઇના પત્ની ત્યાં જોવા ગયા હતા. ચોર ટોળકી દુકાનની સિલક ૪૦ હજાર રોકડા, સોના ચાંદીના દાગીના તથા અન્ય રોકડ રકમ મળીને કુલ ૧.૯૦ લાખની મતા ચોરી ગઇ હતી.