વતન ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૯૦ લાખની ચોરી
બેડરૃમની બારીના સળિયા કાપીને ચોર ટોળકી ઘરમાં ઘુસી
વડોદરા,ઘર બંધ કરીને વતન ગયેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળી ૧.૯૦ લાખની મતા ચોરી ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કરજણના ધાનેરા ગામે રહેતા રાજેન્દ્રસિંહ દોલતસિંહ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં સ્થાયી થયા છે. તેઓ પરિવાર સાથે માંજલપુર વુડ વિલા સોસાયટી પાસે શ્રી અંબે એંકલવમાં રહે છે. તેઓ નિઝામપુરાની એફ.ડી.બી. ફાઇનાન્સમાં નોકરી કરે છે. ગત તા.૨૧ મી એ તેઓ પરિવાર સાથે વતન ગયા હતા. બીજે દિવસે રાતે તેઓ વડોદરા પરત આવ્યા હતા. તાળું ખોલીને અંદર જઇને જોયું તો સામાન વેરવિખેર હાલતમાં હતો. ઘરમાં જઇને તપાસ કરતા બેડરૃમની બારી ખુલ્લી હતી અને લોખંડના સળિયા એક બાજુથી કાપીને વાળી દીધા હતા. મકાનના પાછળના ભાગેથી અંદર આવવાનો દરવાજો ખુલ્લો હતો. જેથી, ચોરી કરીને આરોપીઓ પાછળના દરવાજાથી બહાર નીકળ્યા હોવાની શક્યતા છે. ચોર ટોળકી ઘરમાંથી અંદાજે ૭ તોલા વજનના સોનાના દાગીના તેમજ રોકડા ૩,૫૦૦ મળી કુલ રૃપિયા ૧.૯૦ લાખની મતા લઇ ગઇ હતી.