શેરખીની જમીનનો દસ્તાવેજ કરી બે ભેજાબાજોની ૧.૭૬ કરોડની ઠગાઇ
શેરખીમાં રહેતા તેમજ જમીન દલાલી કરતા બે ભેજાબાજો પર વિશ્વાસ કર્યો અને બાદમાં બંનેએ છેતરપિંડી કરી
વડોદરા, તા.20 શેરખીની કિંમતી જમીન વેચાણ લેવાના બહાને શેરખીના બે ભેજાબાજોએ જમીન માલિક વૃદ્ધા સહિત ત્રણ મહિલાઓ સાથે પોણા બે કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હતી.
રાણીયા ગામમાં રહેતા ૭૧ વર્ષના જીલાબેન પુજાભાઇ ગોહિલે શેરખીમાં અલવાડુ ફળિયામાં રહેતા ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર અને બાપુનગર, શેરખીમાં રહેતા યોગેન્દ્રસિંહ જગદેવસિંહ રાઉલજી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શેરખીમાં ૪૨૪૯ ચો.મી. જમીન મારા પિતા પુજાભાઇ ગોહિલના નામે રેવન્યૂ રેકર્ડમાં નોંધાઇ હતી. મારા પિતા ૫૦ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હોવાથી વારસદારમાં મારુ તથા મારા ભાઇ ચંદુનું નામ દાખલ થયું હતું. મારા ભાઇનું ૧૦ વર્ષ પહેલાં મૃત્યુ થતાં તેના વારસદાર બે પુત્રી કપિલા અને લીલાના નામો રેવન્યૂ રેકર્ડમાં દાખલ થયા હતાં.
તા.૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ શેરખીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ અને અરવિંદભાઇ બંને મારી પાસે આવ્યા હતા અને જણાવેલ કે તમારી જમીનની દેખરેખ રાખનાર કોઇ નથી જેથી જો જમીન વેચાણ કરવા માંગતા હોય તો આપણાં જ ગામના ગજેન્દ્રસિંહ અને યોગેન્દ્રસિંહ જમીન વેચાણ લેવા તૈયાર છે. જેથી જમીન વેચાણ માટે અમે તૈયારી બતાવી હતી અને રૃા.૧.૯૩ કરોડમાં સોદો કરવાનું મૌખિક નક્કી થયું હતું. જમીન ખરીદનારા મારા પિયરના અને મને તેમના પર વિશ્વાસ હોવાથી આ અંગે કોઇ કરાર કર્યો ન હતો.
ત્રણ માસ બાદ યોગેન્દ્રએ બાનાખત કર્યું હતું અને બે-બે લાખના ચેક આપ્યા હતાં. થોડા સમય બાદ મને તેમજ મારા ભાઇની પુત્રીઓને શેરખી બોલાવ્યા હતા અને ગજેન્દ્રસિંહના નામે દસ્તાવેજ રૃા.૪૦ લાખનો કર્યો હતો. બાનાખત યોગેન્દ્રસિંહ તેમજ દસ્તાવેજ ગજેન્દ્રસિંહના નામે કરવા અંગે પૂછતાં અમે બંને ભાગીદાર છીએ તમે ચિંતા ના કરશો તેમજ રૃા.૪૦ લાખના દસ્તાવેજ અંગે પૂછતાં સરકારમાં મોટી રકમ ટેક્સમાં ચૂકવવી પડે એટલે આટલી રકમનો દસ્તાવેજ કર્યો છે પરંતુ તમને પૂરી રકમ મળી જશે તેમ કહ્યું હતું. જો કે બંનેએ આપેલા ચેકો પૈકી રૃા.૨૩.૩૩ લાખના ચેક બેલન્સ નહી હોવાથી બેંકમાંથી પરત ફર્યા હતાં. આમ દસ્તાવેજ કરવા માટે નક્કી કરેલી રકમ ના આપી ઠગાઇ કરી હતી.