મકાન વેચાણના આવેલા ૧.૭૫ કરોડ વ્હાઇટ કરાવવા આપ્યા અને ઠગ ટોળકી રૃપિયા લઇને ફરાર
ઠગ ટોળકીએ એકાઉન્ટ નંબર લઇ કીધું, થોડીવારમાં તમારા એકાઉન્ટમાં આર.ટી.જી.એસ.થી રૃપિયા આવી જશે
વડોદરા,મુંબઇની ખાનગી કંપનીના મેનેજરને ૧.૭૫કરોડ રૃપિયા વ્હાઇટ કરી આપવાના બહાને વડોદરા બોલાવી ઠગ ટોળકી રૃપિયા પડાવીને ફરાર થઇ ગઇ હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કર્ણાટકના બેંગલોર ખાતે રહેતા મનસુરઅલી જાફરઅલી પઠાણ હાલમાં ઇસ્ટ મુંબઇના વડાલા ખાતે રહે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મુંબઇ ખાતે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં આવેલી મેલોટ ટેકનોલોજી પ્રા.લિ.માં મેનેજર તરીકે નોકરી કરૃં છું. મેં કર્ણાટકનું મારૃં મકાન ૧.૭૫ કરોડમાં વેચ્યું હતું. જે રૃપિયા વ્હાઇટ કરવાના હતા. મેં મારા મિત્ર વિમલકુમાર કાંતિલાલ પટેલ ( રહે. આનંદ બંગલો, કરમસદ, આણંદ) ને વાત કરતા તેણે જણાવ્યું હતું કે, તું વડોદરા આવી જા. વડોદરામાં મારો એક મિત્ર છે. જે કોઇપણ બેન્કમાં રૃપિયા ભરી વ્હાઇટ કરાવી આપશે. જેથી, હું ૨૭ મી તારીખે વડોદરા આવી અલકાપુરી વિશ્વાસ કોલોનીમાં હોટલ ફેરીફીલ્ડ બાય મેરિયટમાં રોકાયો હતો. ૧.૭૫ કરોડ રૃપિયા મેં બેંગ્લોરથી ડી.કે. આંગડિયામાં રૃપિયા મોકલ્યા હતા. જે રૃપિયા ૨૮ મી તારીખે વડોદરા આવી ગયા હતા.મેં મારા મિત્ર વિમલ પટેલને કોલ કરતા તે પોતાના મિત્ર દર્શનસિંહ રાજપૂતને કોલ કર્યો હતો. દર્શન આવ્યા પછી થોડીવારમાં તેના મિત્રો ચિરાગ રતિલાલ શાહ ( રહે.કાંદીવલી ઇસ્ટ મુંબઇ) તથા ઘનશ્યામ ચીમનભાઇ પટેલ (રહે. હરિકૃષ્ણ ડૂપ્લેક્સ, દરબાર ચોકડી, માંજલપુર) આવ્યા હતા. દર્શને કહ્યું કે, ચિરાગ અને ઘનશ્યામભાઇ તમારૃં કામ કરી આપશે. ચિરાગના કહેવાથી અમે વડસર પાર્ક પેરેડાઇઝ ખાતે આદિત્ય ફાઇનાન્સના બોર્ડ લગાવેલી ઓફિસમાં ગયા હતા. ત્યાં ચિરાગે અમારી ઓળખાણ ઇકબાલ ( રહે. સુરત ) સાથે કરાવી હતી. ઇકબાલ અમને તેની ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં રાહુલ ઉર્ફે રૃહુલ ખત્રી ( રહે. તાંદલજા) પ્રકાશ બૈસ્ય ( રહે. સુરત) તથા જીજ્ઞોશ રમણલાલ સોની (રહે. પરિશ્રમ ડૂપ્લેક્સ, નોવિનો તરસાલી રોડ) પણ હતા.ઇકબાલ અને રાહુલે રૃપિયાની ગણતરી કરી હતી. ત્યારબાદ મેં તેઓને મારૃં નામ તથા બેન્ક એકાઉન્ટ આપ્યો હતો. ચિરાગ શાહે કહ્યું કે, ફિઝિક્સ વાલા પ્રા.લિ.ના એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં રૃપિયા આવી જશે. અમે કેબિનની બહાર બેઠા હતા. થોડીવાર પછી સલામતીનું બહાનું કાઢી તેઓ રૃપિયા નીચે ગોડાઉનમાં મૂકવા બે વ્યક્તિઓને મોકલ્યા હતા. ત્યારબાદ આરોપીઓ રૃપિયા લઇને ફરાર થઇ ગયા હતા.
ઓફિસ બંધ કરવાનો સમય થઇ ગયો છે, તમે બહાર નીકળો
વડોદરા,ફરિયાદી મનસુરઅલીએ કહ્યું હતું કે, સાંજે પાંચ વાગ્યે ઓફિસના બે વ્યક્તિઓએ આવીને કહ્યું કે, તમે ઓફિસની બહાર નીકળો અમારે ઓફિસ બંધ કરવી છે. પરંતુ, મેં કહ્યું કે, હજી અમારા રૃપિયા આવ્યા નથી. અમે જવાના નથી.
દરમિયાન ઇકબાલે કોલ કરીને કહ્યું કે, આર.ટી.જી.એસ.માં કોઇ પ્રોબ્લેમ આવે છે. પેમેન્ટ આવતું નથી. સયાજીગંજ સયાજી હોટલની બહાર આવી તમારા રૃપિયા લઇ જાવ. અમે સયાજી હોટલની બહાર ગયા ત્યારે ત્યાં કોઇ હાજર નહતું. ઇકબાલને કોલ કરતા તેના બંને નંબર બંધ આવતા હતા.