Get The App

MSUમાં 1.60 કરોડનું ભરતી કૌભાંડ આચરનાર ત્રિપુટીનો એક સાગરીત ઝડપાયોઃહોટલમાં એક્ઝામ લીધી

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
MSUમાં 1.60 કરોડનું ભરતી કૌભાંડ આચરનાર ત્રિપુટીનો એક સાગરીત ઝડપાયોઃહોટલમાં એક્ઝામ લીધી 1 - image

વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં દોઢ વર્ષ પહેલાં આચરવામાં આવેલા ભરતી કૌભાંડમાં ફરાર થયેલી કૌભાંડી ત્રિપુટી પૈકીના એક સાગરીતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી કિંજલ પટેલ નામની યુવતીનો એમ એસ યુનિમાં નોકરી અપાવતા શૈલેષ સોલંકી અને રાહુલ પટેલનો સંપર્ક થતાં તેણે એક્ઝામ સુપરવાઇઝર માટે રૃ.૧૧.૫૦ લાખ ચૂકવ્યા હતા.જેમાં મનિષ કટારા નામના ત્રીજો આરોપી પણ મેડિકલ ટેસ્ટ માટે જોડાયો હતો.પરંતુ ત્યારબાદ તેને નોકરી મળી નહતી અને ઠગ ત્રિપુટીએ આપેલા ચેક પણ બાઉન્સ થતાં મે-૨૦૨૩માં તેણે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની તપાસ દરમિયાન સમગ્ર ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને સુપરવાઇઝર,ક્લાર્ક,પ્યુન જેવી પોસ્ટ માટે શૈલેષ નાનજીભાઇ સોલંકી (અમરદીપ હેરિટેજ,ન્યુ કારેલીબાગ,વડોદરા),રાહુલ જગદિશચંદ્ર પટેલ(મોટી ખડકી,કલાલી ગામ, વડોદરા) અને મનિષ સકજીભાઇ કટારા (શીવમ એન્કલેવ,આસ્થા ડુપ્લેક્સ પાસે, દરબાર ચોકડી, માંજલપુર, વડોદરા) એ દાહોદ,ગાંધીનગર,અમદાવાદ,મહેસાણા જેવા સ્થળોના ૧૫ જેટલા ઉમેદવારો પાસેથી રૃ.૧.૬૭ કરોડ ખરીદી લીધા હોવાની વિગતો ખૂલી હતી.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાએ આ ગુનામાં દાહોદના છેતરપિંડીના ગુનામાં પકડાયેલા મનિષ કટારાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઠગ ત્રિપુટીએ હોટલમાં એક્ઝામ લીધી,ભરતી પ્રક્રિયામાં યુનિ.કેમ્પસનો ક્યાંય ઉપયોગ ના કર્યો છતાં કોઇને શંકા ના ગઇ

 યુનિ.માં નોકરી અપાવવાનું કૌભાંડ આચરનાર ઠગ ત્રિપુટીએ  ઇન્ટરવ્યૂ થી માંડીને ભરતી સુધીની પ્રક્રિયામાં કોઇ પણ સ્થળે યુનિવર્સિટી કેમ્પસનો ઉપયોગ કર્યો નહતો અને તેમ છતાં એક પણ ઉમેદવારને શંકા થઇ નહતી.

ઠગોએ ઉમેદવારોને વારંવાર વાયદા કરી ધક્કા ખવડાવતાં તેમણે નોકરી નહિ મળે  તો રૃપિયા પરત આપવા માટે દબાણ કર્યું હતું.જેથી ઠગોએ સ્પીપાની એક્ઝામ વગર કાંઇ નહિં થાય તેમ કહી સયાજીગંજની કોઇ  હોટલમાં એક્ઝામ પણ લીધી હતી.

વળી ઠગ ત્રિપુટીએ  ઇન્ટરવ્યૂ,જોઇનિંગ લેટર,આઇ કાર્ડ પણ આપ્યા હતા.જેથી કેટલાક ઉમેદવારો જોઇનિંગ લેટર લઇને યુનિ.માં પહોંચ્યા ત્યારે તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.ઠગ ટોળકીએ નિમણૂક પત્રો,આઇકાર્ડ જેવા દસ્તાવેજો ક્યાં પ્રિન્ટ કરાવ્યા હતા અને બીજા કોઇ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News