Get The App

પૂર્વ રણજી ક્રિકેટર અને કોચના ઘરેથી ૧.૩૯ કરોડ રોકડા મળી આવતા ચકચાર

મહારાષ્ટ્રના બે યુવાનો પણ તેમના ઘરે હાજર હતા : ક્રિકેટ સટ્ટા કે અન્ય ગુનાઇત પ્રવૃત્તિના રૃપિયા હોવાની શંકા

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
પૂર્વ રણજી ક્રિકેટર અને કોચના ઘરેથી ૧.૩૯ કરોડ રોકડા મળી આવતા ચકચાર 1 - image

વડોદરા,પૂર્વ રણજી ક્રિકેટર તુષાર અરોઠેના ઘરેથી એસ.ઓ.જી.એ રોકડા ૧.૩૯ કરોડ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ રૃપિયા ક્રિકેટના સટ્ટાના હોવાની શંકા સેવાઇ રહી છે. જે અંગે  પોલીસે ઘનિષ્ઠ તપાસ  હાથ ધરી છે. જોકે,  હજી સુધી કોઇ ચોક્કસ ખુલાસો રૃપિયા અંગે થયો નથી. 

એસઓજીને માહિતી મળી હતી કે, અગાઉ ક્રિકેટ સટ્ટા અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપી રિશિ  અરોઠે ( રહે. જે - ૧ એપાર્ટમેન્ટ, રોઝરી સ્કૂલની સામે,પ્રતાપગંજ) ના ઘરે રૃપિયા ભરેલા થેલા આવ્યા છે. જેથી  પોલીસે તેના ઘરે જઇને તપાસ કરતા રિશિ  અરોઠે મળી આવ્યો નહતો. પરંતુ, તેના પિતા અને પૂર્વ રણજી ક્રિકેટર અને કોચ તુષાર ભાલચંદ્ર અરોઠે મળી આવ્યા હતા. તેમની પાસેના વાદળી થેલાની ચેન ખોલીને જોતા ૧.૦૧ કરોડ રોકડા મળી આવ્યા હતા. તેઓના અન્ય બે સાગરિતો વિક્રાંત એકનાથભાઇ રાયપતવાર ( રહે. આંબે ગાંવ પઠાર, પીજી હોસ્ટેલ, કાતરજ, પુણે, મહારાષ્ટ્ર મૂળ રહે. શીડકો, નાંદેડ, મહારાષ્ટ્ર) તથા અમિત છગનરાવ જળીત  (રહે. આંબે ગાંવ, પઠાર, પીજી હોસ્ટેલ, પૂણે, મહારાષ્ટ્ર મૂળ રહે. કોઠા ગામ, તા. કળંમ્બ, જિ.યાવતમાળ, મહારાષ્ટ્ર) પાસેથી  પણ  ૩૮ લાખ મળી આવ્યા હતા. જે રકમ બાબતે તુષાર અરોઠે સંતોષકારક ખુલાસો આપી નહીં શકતા પોલીસે રૃપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ રૃપિયા ક્રિકેટના સટ્ટા કે પછી છેતરપિંડીના હોવાની શંકાના આધારે  પોલીસે ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ  હાથ ધરી છે.


બેંગ્લોરથી રિશિએ આંગડિયા પેઢીમાં મોકલાવ્યા હતા

વડોદરા,૧.૩૯ કરોડ તુષાર આરોઠેના  પુત્ર  રિશિ અરોઠેએ મોકલાવ્યા હોવાની માહિતી પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળી છે. તે હાલમાં  બેંગ્લોરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો.  તેણે બેંગ્લોરથી આંગડિયા પેઢીમાં રૃપિયા મોકલાવ્યા હતા. મહારાષ્ટ્રના બે યુવકો રૃપિયાની ડિલીવરી લેવા માટે આવ્યા હતા. જોકે, તે સમયે જ  પોલીસની એન્ટ્રી  પડતા તેઓ પકડાઇ ગયા હતા.


.

મહારાષ્ટ્ર જઇને બે યુુવકો ૩૮ લાખનો હિસાબ કરવાના હતા

વડોદરાઅલકાપુરીમાં આવેલી  પી.એમ. આંગડિયા પેઢી મારફતે રિશિએ બેંગ્લોરથી મોકલાવેલા ૧.૩૯ કરોડ પૈકી ૩૮ કરોડ રૃપિયા મહારાષ્ટ્રના પૂણેથી આવેલા બે યુવકો લઇ જવાના હતા અને પૂણે જઇને હિસાબ કરવના હતા. પરંતુ, તેઓ ૩૮ કરોડ લઇને નીકળે તે પહેલા જ પોલીસે તેઓને ઝડપી લીધા હતા.  પોલીસે આંગડિયા પેઢીમાં પોલીસે તપાસ કરતા ૧.૩૯ કરોડ રૃપિયા જ બેંગ્લોરથી આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.


ચાર વર્ષ પહેલા અલકાપુરીમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતા તુષાર અરોઠે પકડાયો હતો

પોલીસે ૧૯ લોકોને  ક્રિકેટ મેચ પર એપ્લિકેશન મારફતે જુગાર રમતા ઝડપી પાડયા હતા

વડોદરા,અલકાપુરી શગુન  એક્ઝોટિકામાં આવેલા કેફે સ્ટોક એક્સચેન્જની બાજુના શેડમાં ડીસીબી  પોલીસે તા. ૦૧ - ૦૪ - ૨૦૧૯ ના રોજ રેડ પાડી હતી. કાફેના માલિક હેમાંગ પટેલ, નિશ્ચિય મીથા તથા તુષાર અરોઠે મોટા સ્ક્રીન પર લાઇવ મેચ દેખાડી કુશ દેસાઇ બહારથી કાફેમાં માણસો બોલાવી બાજુના શેડમાં ક્રિકેટ સટ્ટો  રમાડતો  હતો. સ્થળ પરથી કુલ ૧૯ લોકો દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબની ક્રિકેટ મેટ પ્રોજેક્ટર પર લાઇવ જોઇને અલગ - અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સટ્ટો રમતા હતા. તેઓ સટ્ટો બાબા નામના વ્યક્તિ પાસે લખાવતા હતા. પોલીસે રેડ દરમિયાન કુલ ૧૯ આરોપીઓને ઝડપી પાડી રોકડા ૪૫,૯૧૦, નવ વાહનો કિંમત રૃપિયા ૧૨.૮૫ લાખ, પ્રોજેક્ટર, સેટ ટોપ બોક્સ સહિત કુલ ૧૪.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.



૧.૩૯ કરોડનો કોયડો મેળવવા પોલીસે મહારાષ્ટ્ર તરફ તપાસનો દોર લંબાવ્યો

 વડોદરા,એસ.ઓ.જી.એ પૂર્વ રણજી ક્રિકેટર તુષાર અરોઠે પાસેથી કબજે કરેલા ૧.૩૯ કરોડ રૃપિયા હાલમાં સયાજીગંજ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે ત્રણેયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે, રિશિ આવ્યા પછી  તેની  પૂછપરછ કર્યા બાદ જ વધુ વિગતો જાણવા મળશે. પરંતુ, મહારાષ્ટ્રના યુવકો કોના કહેવાથી રૃપિયા લેવા આવ્યા હતા ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેઓ સયાજીગંજ વિસ્તારની જે હોટલમાં રોકાયા હતા. ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે રૃપિયાની તપાસ બાબતે મહારાષ્ટ્ર તરફ તપાસનો દોર લંબાવ્યો છે.


Google NewsGoogle News