કડાણા ડેમમાંથી મહી નદીમાં ૧.૩૧ લાખ કયુસેક પાણી છોડાયું
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ૧૨૮ ગામોને સાવધ કર્યા
દીવડાકોલોની,કડાણા ડેમના ઉપરવાસમાં (રાજસ્થાન) મહી ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાછલા કેટલાક દીવસથી કડાણા ડેમમાંથી પાણી સતત મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ૪૧૮.૩ ફૂટ છે. કુલ ૧.૩૧ લાખ કયુસેક પાણી નદીમાં સવારથી છોડવામાં આવી રહ્યું છે.
રાજસ્થાન તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બાંસવાડાનો મહી બજાજ ડેમ ઓવરફલો થઇ ચુકયો છે, અને તેમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન કડાણા ડેમ હવે ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. છેલ્લા ચારદિવસથી ગુજરાતમાં ફરીથી વરસાદીમાહોલ છે. ઉપરવાસમાંથી ૧ લાખ કયુસેકથી વધુ પાણીની કડાણા ડેમના ઉપરવાસ વિસ્તારમાં આવક થતા ત્યાં પાણી ડેમમાં આવતા સપાટી ભયજનક સ્તર નજીક પહોંચી હતી.
જેથી ડેમમાંથી ૧.૩૧ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ ૪૧૮.૩ ફૂટ ભયજનક સ્તરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી ૪૧૯ ફૂટ છે.
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના નિચાણ વિસ્તારમાં ખાનપુર તાલુકાના ૯, લુણાવાડા તાલુકાના ૭૪, કડાણા તાલુકાના ૨૭, ગોધરાના ૬ અને શહેરા તાલુકાના ૧૨ મળી કુલ ૧૨૮ ગામોના નાગરિકોને સાવચેતીના પગલા લેવા સૂચના આપી એલર્ટ કરાયા છે.