Get The App

કરજણના ખેડૂત સાથે જમીન વેચાણના નામે 1.19 કરોડની ઠગાઈ, વડોદરાના પતિ-પત્ની સહિત ત્રણ બેજાબાજો સામે ફરિયાદ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
કરજણના ખેડૂત સાથે જમીન વેચાણના નામે 1.19 કરોડની ઠગાઈ, વડોદરાના પતિ-પત્ની સહિત ત્રણ બેજાબાજો સામે ફરિયાદ 1 - image


Fraud Case in Vadodara : વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકામાં જમીનના સારા ભાવની લાલચ આપી વડોદરામાં દંપતી સહિત ત્રણ ભેજાબાજોએ પશુપાલક સાથે 1.19 કરોડની છેતરપિંડી કરી હતી.

 ડાહ્યાભાઇ રૂડાભાઇ ભરવાડ (રહે. જય સોમનાથ પાર્ક. જુની જીથરડી રોડ) એ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2020માં ભરથાણા ગામની સીમમાં આવેલી બિનખેતી જમીન શૌકતઅલી બાપુ પાસેથી વેચાણે રાખી હતી. ત્યારબાદ જમીનમાં પશુપાલન અને દૂધના ધંધા અર્થે બે તબેલા બનાવી પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

 ધંધામાં પહોંચી નહિ વળતા જમીન અને તબેલો વેચવા કાઢ્યો હતો. સપ્ટેમ્બર-2020 માં દિપકભાઇ પરશોત્તમભાઇ પટેલ (રહે. ગેલેક્ષી બંગ્લોઝ, વાસણા-ભાયલી રોડ) વડોદરા ભરથાણ આવ્યા હતા. તેઓ દેણા ગામે ભાડેથી ગીર ગાયોનો તબેલો ચલાવતો હતો. બાદમાં તેમણે મારો તબેલો, મકાન, જમીન જોઈ હતી. અને કુલ રૂ.2.35 કરોડમાં સોદો નક્કી થયો હતો. બેંક લોનના રૂ.1.03 કરોડ ચુકવવાના બાકી છે. જેથી વેચાણ દસ્તાવેજ પહેલા તે ચુકવી આપવાના રહેશે. અને બાકીના રૂ.1.31 કરોડ આપવાના રહેશે તેમ નક્કી થયું હતું.

 દિપકભાઇએ જણાવેલ કે, બેંકમાંથી તમારી પ્રોપર્ટી ખરીદવા માટેની લોન મુકી છે. આરટીજીએસ થકી તમારા રૂપિયા ચુકવી દઇશું. બાદમાં ટોકન પેટે રૂ. 51 હજાર આપ્યા હતા. જે બાદ અલગ અલગ રકમના ચેક આપવામાં આવ્યા હતા. જે પાસ થઇ ગયા હતા. દરમિયાન બેંકમાંથી લોન લેવાની હોવાથી જમીનના બાનાખત કરી આપવા માટે તેમણે જણાવ્યું હતું. અને બાનાખત કરાવી લીધા હતા. બાદમાં તેમની બેંક લોન ભરપાઇ કરવા નાણાંની જરૂરીયાત પ્રમાણે રૂ.1.03 કરોડ તેમના એકાઉન્ટમાં જમા કરાવવી દેવામાં આવ્યા હતા. બાદમાં બાકીના રૂ.1.25 કરોડની માંગણી કરતા પૈસા આપવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. ત્યાર બાદ રૂ.1.60 કરોડની કિંમતનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. તે સમયે દિપકભાઇએ અલગ અલગ બેંકના ચેક આપ્યા હતા. બાકીના રૂપીયા બાબતે પુછતા તેમણે કહ્યું કે, દસ્તાવેજમાં લખવા ખાતર લખેલ છે, અને અમે સમજુતી કરારમાં આ રકમ આવરી લઇએ છીએ, અને તમને ચેકો આપી દઇએ છીએ. બાદમાં તેમણે ઢોરો, ટ્રેક્ટર, ટ્રોલી-મશીન વેચી નાંખ્યા હતા.

 બાકીના પૈસા માંગતા કોઇ પણ સરખો જવાબ મળ્યો ન્હતો. અંતે તપાસ કરતા માલુમ પડ્યું કે, દિપકભાઇ તથા અન્યએ વેચાણ દસ્તાવેજના આધારે બેંકમાંથી રૂ.1.80 કરોડની લોન લીધી છે. જેના હપ્તા ન ભરતા બેંકે જમીન મકાનોનો કબજો મેળવી લીધો છે. ઉપરોક્ત બનાવ અંગે દિપકભાઇ પરશોત્તમભાઇ પટેલ, ભારતીબેન દિપકભાઇ પટેલ અને મિલન દિપકભાઇ પટેલ (ત્રણેય રહે. ગેલેક્ષી બંગ્લોઝ, ભાયલી રોડ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


Google NewsGoogle News