કંપનીના એચ.આરને ટ્રેડિંગમાં કમાવવાની લાલચ આપીને 1.07 કરોડનો ચૂનો
સાયબર ગઠીયાઓનો આતંક યથાવત
ગઠીયાઓએ લિંક મોકલીને ગુ્રપમાં એડ કરાવી બેંક એકાઉન્ટમાંથી રૃપિયા ભરાવ્યા : સાયબર ક્રાઇમ પોલીસની તપાસ
ગાંધીનગર : હાલમાં સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે ગઠીયાઓએ અદાણી શાંતિગ્રામમાં અંબુજા સિમેન્ટ કંપનીના એચ આરને શેર બજારમાં ટ્રેડિંગ કરીને કમાવવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા ભરાવડાવીને કુલ ૧.૦૭ કરોડ રૃપિયાનો ચૂનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી રહી છે. જે સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ સાયબર ગઠિયાઓની શોધખોળ શરૃ કરવામાં આવી રહી છે.
હાલના ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ દ્વારા શિક્ષિત
વ્યક્તિઓને પણ નવી નવી લાલચો આપીને છેતરવામાં આવી રહ્યા છે. આંતરે દિવસે આ
પ્રકારની ઘટનાઓ બહાર આવતી હોવા છતાં લોકો સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ રહ્યા છે. આ વખતે
ગાંધીનગર શહેર નજીક આવેલા અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપનીના
એચ.આર અને સાતેજ ખાતે ગ્લોરી સુપર સીટીમાં રહેતા સુનીલ ગોવર્ધન સિંઘને નિશાન
બનાવ્યા છે. સુનિલભાઈના ફોન ઉપર ગત ૧૬ ફેબ્આરીના રોજ એક નોટિફિકેશન આવ્યું હતું અને વિદેશી કંપનીનો
ઇન્વેસ્ટમેન્ટ માટેનો વિડીયો દર્શાવવામાં આવ્યો હતો તેની સાથે એક લીંક પણ આવી હતી.
જેમાં તેમણે ક્લિક કરતા વોટ્સએપના અલગ અલગ ગ્પમાં એડ થયા હતા જ્યાં ઇન્વેસ્ટમેન્ટ
સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. જ્યાંથી ટેલિગ્રામની લીંકમાં જોડાયા હતા અને
જ્યાં ઇન્વેસ્ટમેન્ટ માટે તેમણે ફોર્મ ભર્યું હતું અને બેન્ક એકાઉન્ટ નંબર પણ
આપ્યા હતા. શરૃઆતમાં રૃપિયાનું રોકાણ કરતાં ૨૨,૦૦૦નો નફો થયો હતો જે પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી દીધો
હતો. જોકે તબક્કાવાર તેમણે ૧.૦૭,૭૬૦૦૦ રૃપિયાનું રોકાણ કર્યું હતું અને તેનો બે કરોડ
રૃપિયા જેટલો નફો દર્શાવતો હતો. જે તમામ રકમ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરતા તેમની
પાસેથી ૩૦ ટકા જેટલું કમિશન માગવામાં આવ્યું હતું. જેથી તેમણે છેતરાયાનો અહેસાસ
થયો હતો અને આ સંદર્ભે સાયબર ક્રાઇમ પેટ્રોલમાં ફરિયાદ કર્યા બાદ ગાંધીનગર રેન્જ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. હાલ પોલીસ દ્વારા ૧.૦૭ કરોડ
રૃપિયાની છેતરપિંડીમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.