ટાઈટ જીન્સ પહેરતા યુવાનો આટલું ધ્યાન રાખો
- કેમ કે એનાથી પુરુષોની ફળદ્રુપતા ઘટી જાય છે. ખૂબ ગરમ પાણીથી નાહવાને કારણે તેમ જ ખોળામાં રાખીને લેપટોપનો ઉપયોગ કરવાને લીધે પણ પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે
નવી દિલ્હી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સે છેલ્લાં દસ વર્ષ દરમિયાન નોર્થ ઇન્ડિયાના પુરુષોની પ્રજનન ક્ષમતાનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્રણ દાયકા પૂર્વે ભારતીય પુરુષોના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા મિલીલિટર દીઠ છ કરોડ હતી એ હવે ઘટીને માંડ બે કરોડ થઈ ગઈ છે. આધુનિક જીવનશૈલીને કારણે વૃષણને સામાન્ય કરતાં વધુ ગરમી મળતી હોવાને લીધે શુક્રજંતુઓની સંખ્યામાં કડાકો બોલી ગયો છે.
લાઈફસ્ટાઈલ કેમ નડતરરૂપ બને?
પુરુષના શરીરનું સરેરાશ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે શુક્રજંતુ પેદા કરતા વૃષણનું ટેમ્પરેચર એના કરતાં ત્રણ ડિગ્રી ઓછું હોય છે. વૃષણની કોથળીમાં શુક્રાણુના ઉત્પાદન માટે આ તાપમાન આદર્શ ગણાય છે. આ ટેમ્પરેચર એક ડિગ્રી પણ વધે ત્યારે શુક્રજંતુનું ઉત્પાદન ૧૪ ટકા જેટલું ઘટી જાય છે. છેલ્લાં થોડાં વર્ષથી યુવાનો તેમ જ આધેડ પુરુષોમાં ટાઈટ જીન્સ પહેરવાનું ચલણ વધ્યું છે. સ્કિનટાઈટ ડેનિમ ટ્રાઉઝર્સ પહેરવાને કારણે વૃષ્ણ પર દબાણ આવે છે અને એ શરીરના અંદરના ભાગમાં ધકેલાય છે, જ્યાં ટેમ્પરેચર વધારે હોય છે. આ તાપમાનમાં વધારો થવાથી શુક્રાણુની ઉત્પાદકતા ઘટે છે.
એકદમ બળબળતા ગરમ પાણીથી નાહવાથી અથવા બાથટબમાં કે સોનામાં લાંબો સમય રહેવાને લીધે પણ પુરુષોમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા સર્જાય છે. આ સિવાય સતત લેપટોપનો ઉપયોગ કરતાં રહેવાથી પણ ફળદ્રુપતા ઘટે છે. જાંઘને એકબીજી સાથે ભીડીને લાંબો સમય બેસી રહેવાથી વૃષ્ણનું તાપમાન બે ડિગ્રી જેટલું વધી જાય છે. વેલ્ડર્સ, ડાયર્સ, બ્લાસ્ટ ફર્નેસ વર્કર્સ, સિમેન્ટ અને સ્ટીલ ફેકટરીમાં કામ કરતા કામદારો તેમજ ગાર્ડન કે ખેતરમાં લાંબો સમય કામ કરવાથી જંતુનાશક દવાઓના સંપર્કમાં આવતા પુરુષોની પણ ફળદ્રુપતા ઘટવાની શકયતા રહે છે.
ઇન્ફર્ટિલિટી શું છે?
કુદરતી રીતે બાળક પેદા કરવાની અક્ષમતા એટલે ઇન્ફર્ટિલિટી. ઇન્ફર્ટિલિટીની સમસ્યા સ્ત્રી અને પુરુષ બન્નેમાં હોય છે. કોઈ પણ પ્રકારનાં ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વિના સ્ત્રી અને પુરુષ બાર મહિના સુધી સમાગમ કર્યા પછી પણ સ્ત્રી ગર્ભધારણ ન કરે તો મહદ અંશે સ્ત્રી કે પુરુષ બેમાંથી એક જણની પ્રજનનક્ષમતામાં કચાશ હોઈ શકે, જેને ઇન્ફર્ટિલિટી કહેવાય.
પુરુષની ઇન્ફર્ટિલિટીનાં કારણો
પુરુષના વીર્યસ્ખલનમાં અવરેજ પાંચ કરોડ શુક્રાણુઓ નીકળે છે. આ શુક્રજંતુઓ સ્ત્રીબીજને મળવા રીતસર રેસ લગાવે છે અને આ રેસમાં સોથી હેલ્ધી અને જોરાવર શુક્રાણુ સ્ત્રીબીજને ફલિત કરે છે શુક્રજંતુઓની સંખ્યા ઘટી જતાં ફલીકરણની શક્યતા પણ ખાસ્સી એવી ઓછી થઈ જાય છે. સંખ્યાના સાથે ક્યારેક શુક્રજંતુઓની ગતિ પણ ઘટી જાય છે. આ સ્થિતિ મેલ ઇન્ફર્લિટી ગણાય છે.
સામાન્ય રીતે ડાયાબિટીઝ તથા થાઈરોઈડ જેવી બીમારી, ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન તેમજ સ્મોકિંગને કારણે પુરુષોમાં ઇન્ફર્ટિલિટી જોવા મળે છે. ઘણીવાર વારસાગત ખામી કે હોર્મોનના પ્રોબ્લેમને લીધે ક્ષતિયુક્ત શુક્રાણુઓ પેદા થાય છે, જે ઇન્ફર્ટિલિટીની સમસ્યા સર્જે છે.
નિવારણ કેવી રીતે થાય?
પુરુષોમાં ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ નિવારવા આટલું કરો :
ડ્રગ્સ, સ્ટેરોઇડ્સ અને આલ્કોહોલનું સેવન તથા સ્મોકિંગ ટાળો.
વધુપડતી એકસરસાઈઝન કરો. બહુ ગરમ પાણીથી નાહવાનું તેમજ લાંબો સમય સોનાબાથ લેવાનું ટાળો.
ખૂબ ટાઈટ જીન્સ કે અંડરવેર ન પહેરો.
લેપટોપ લાંબો સમય ચાલુ રહે તો એની અંદર ૭૦ ડિગ્રી સેલ્સિયસ ગરમી પેદા થાય છે. આથી ખોળામાં રાખી લેપટોપનો ઝાઝો ઉપયોગ ન કરો.
પર્યાપ્ત માત્રામાં ફોલિક એસિડ, વિટામિન સી, ઝિન્ક, મેગ્નેશિયમ, સેલેનિયમ તથા આયર્ન હોય એવો ખોરાક લેવો.
ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ
મોટા ભાગના ઇન્ફર્ટિલિટી કેસોમાં ઔષધોપચાર કે સર્જરી દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ પ્રકારની સારવારથી શુક્રાણુઓની સંખ્યામાં, શુક્રજંતુની ગતિમાં વધારો ન થાય એવા સંજોગોમાં કૃત્રિમ ગર્ભાધાન પધ્ધતિનો આશરો લેવામાં આવે છે. આ પદ્ધતિમાં પુરુષના વીર્યનું લેબરેટરીમાં ટેસ્ટિંગ કર્યા બાદ એમાંથી એક હેલ્ધી શુક્રાણુ પસંદ કરીને એને ડાયરેક્ટ સ્ત્રીબીજ સાથે ફલિત કરવામાં આવે છે.