ટાયર ફાટવાના કારણે વરરાજાની કારનો અકસ્માત, પાંચના નિધન: તમે પણ આવી ભૂલો કરતાં હોવ તો ચેતજો
Expressway Accidents: 20 એપ્રિલ શનિવારની રાત્રે ગ્રેટર નોઈડાના રહેવાસી સંતોષ પટેલના લગ્નની જાન નોઈડાથી નીકળી હતી. જે 21મી એપ્રિલે દેવરિયા પહોંચવાની હતી. પરંતુ યમુના એક્સપ્રેસ વે પર 21 એપ્રિલની સવારે જ વરરાજાની કારનું આગળનું ટાયર જોરદાર અવાજ સાથે ફાટ્યું અને કાર કાબૂ બહાર થઈ ગઈ હતી.
જેથી કાર ઘણી વખત પલટી મારીને ડિવાઈડર સાથે અથડાઈ અને એટલો ગંભીર અકસ્માત સર્જાયો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં વરરાજાના ભાઈ સહિત પાંચ લોકોના મોત થયા હતા. એક્સપ્રેસ વે પર કારના ટાયર ફાટવાની બાબતે લોકોનું ઘ્યાન ખેંચ્યું હતું. એવામાં તેનાથી કેવી રીતે બચી શકાય તે સમજવું મહત્ત્વપૂર્ણ છે.
કારના ટાયર કેમ ફાટે છે?
કારના ટાયરમાંથી દબાણયુક્ત હવા ઝડપથી બહાર નીકળી જતી હોવાથી ટાયર ફાટે છે. એ સિવાય ટાયરમાં છિદ્ર અથવા અમુક પ્રકારના લિકેજથી હવા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને સ્ટ્રક્ચર તૂટી જાય છે. જેથી વિસ્ફોટ સાથે ટાયર ફાટી જાય છે.
ટાયરના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચે તો
રસ્તા પર દોડતી કારનું ટાયર અચાનક કોઈ ખાડામાં જાય અથવા તો ખરાબ રસ્તો હોય તો પણ ટાયર ઘસાય છે. જેથી ટાયરના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચે છે.
તાપમાન વધતા
આ ઉપરાંત ઉનાળામાં ટાયરના તાપમાનમાં વધારો થતા પણ ટાયર ફાટે છે. આ સિવાય ઘર્ષણના કારણે પણ ટાયરના તાપમાનમાં વધારો થાય છે. તેથી પણ ટાયર ફાટવાની ઘટના વધી જતી હોય છે.
ઓછી હવા હોય તો
75 ટકા ટાયર ફાટવાના કેસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત દરમિયાન ટાયરમાં ઓછી હવા હોય છે. જેના કારણે ઘર્ષણ વધુ થાય છે. જેથી દબાણ અને રસ્તા પર થતા ઘર્ષણના કારણે ટાયર ગરમ થાય છે અને ફાટી જાય છે.
વધુ ઝડપ તેમજ ઓવરલોડિંગ
દરેક ટાયરની અલગ અલગ ગુણવતા પ્રમાણે તેની સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવે છે. તે સ્પીડ લિમીટથી સ્પીડ વધી જતા રસ્તા અને ટાયર વચ્ચેના ઘર્ષણ વધુ થાય છે અને ટાયર ફાટી જાય છે.
કારમાં કેપેસિટી કરતા વધુ લોકો જયારે બેસે છે અથવા સામાન ઓવર લોડ કરવામાં આવે છે ત્યારે પણ દબાણ વધી જતું હોય છે અને અકસ્માત સર્જાય છે.
કેવી રીતે બચી શકાય?
- હવા ભરતી વખતે ધ્યાન રાખવું. કારના મેન્યુઅલમાં આપેલા નિર્દેશ અનુસાર હવા ભરવી જોઈએ.
- જોઈ ટાયર વધુ પડતા ઘસાઈ ગયા હોય તો તેને તત્કાલીક બદલી નાખવા જોઈએ.
- ઓવરલોડિંગથી પણ બચવું જોઈએ.
- કારમાં હંમેશા સારી ક્વોલીટીના ટાયરનો જ ઉપયોગ કરવો. તેમજ કારમાં ટાયર બદલી વખતે કાર ઉત્પાદકોની માર્ગદર્શિકાને ખાસ અનુસરવી જોઈએ.
- લાંબા અંતરની મુસાફરી અને એક્સપ્રેસવે જેવા રસ્તાની સ્થિતિ માટે કારમાં નાઈટ્રોજન હવાનો ઉપયોગ કરવો. જે કારના ટાયરનું તાપમાન ઓછું રાખવામાં મદદ કરે છે.