Get The App

પૉર્ટેબલ કે સ્પ્લિટ, ઘર માટે કયું AC વધારે સારું? જાણો બંનેના ફાયદા અને નુકસાન

Updated: May 24th, 2024


Google NewsGoogle News
પૉર્ટેબલ કે સ્પ્લિટ, ઘર માટે કયું AC વધારે સારું? જાણો બંનેના ફાયદા અને નુકસાન 1 - image


Image:FreePik 

Portbale vs Split AC: ગરમીનો પારો હાલ અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં ત્રાહિમામ પોકારી રહ્યો છે. સતત વધી રહેલા પારા અને હીટવેવને કારણે ઘરની બહાર નીકળવું જ નહિ પરંતુ ઘરની અંદર પણ રહેવું હવે મુશ્કેલ બની રહ્યું છે. તંત્ર દ્વારા પણ લોકોને શક્ય તેટલું વધુ ઘર અને ઓફિસની અંદર રહેવા માટે સલાહ અપાઈ રહી છે. આ અસહ્ય ગરમી સામે હાલ રક્ષણનો એકમાત્ર ઉપાય બચ્યો છે અને તે છે AC. પંખા તો છોડો પણ કૂલર હાલ કામ નથી કરી રહ્યાં. આ આકરા તાપથી બચવા માટે શું તમે પણ તમારા ઘર, ઓફિસ કે દુકાન માટે AC ખરીદવાનું વિચારી રહ્યા છો ? જો હા તો સૌથી પહેલો સવાલ તમને થશે કે કયું એસી લેવું જોઈએ ? બજેટ અને અન્ય બાબતો સંદર્ભે કયું એસી લેવું સલાહભર્યું છે ? આજે આ અહેવાલમાં અમે તમને કયું એસી શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મદદ કરીશું. આજે અમે તમારી જરૂરિયાતો અનુસાર તમારે કયું AC ખરીદવું શ્રેષ્ઠ રહેશે તે અંગે ચર્ચા કરીશું.

સૌથી મહત્વનો સવાલ એ થશે કે એસીના પ્રકાર કેટલા છે અને તે અલગ કઈ રીતે પડે છે ? તમને જણાવી દઈએ કે સ્પ્લિટ અને પૉર્ટેબલ આ બંને એસીના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. આ અંગેનો ખ્યાલ સમજીએ.

રૂમ કેટલો મોટો છે ? 

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમે જે સ્થળ માટે AC ખરીદી રહ્યા છો તે જગ્યા કેટલી મોટી છે. એટલે કે રૂમની સાઈઝ શું છે. જો તમારો રૂમ 20 ચોરસ મીટરથી મોટો છે તો પૉર્ટેબલ એસી તમારા માટે સારો વિકલ્પ નથી. આમ સ્પ્લિટ એસી ખરીદવું જ એ એક સમજદાર નિર્ણય હશે. 

AC માટે ફ્લોર પર કેટલી જગ્યા ? 

પૉર્ટેબલ AC માટે ફ્લોર પર અમુક સ્પેસ હોવી જરૂરી છે એટલેકે જો તમારી પાસે પૂરતી જમીનની જગ્યા છે તો સરળતાથી નિર્ણય લઈ શકશો કે કયું AC ખરીદવું જોઈએ. જો ફ્લોર સ્પેસ ઓછી હશે તો પૉર્ટેબલ એસી લગાવવામાં મુશ્કેલી પડશે એટલેકે આવી સ્થિતિમાં વોલ માઉન્ટ સ્પ્લિટ એસી ખરીદવું તમારા માટે વધુ સારો વિકલ્પ રહેશે.

કેટલું પાવરફુલ AC લેવું?

એર કન્ડીશનિંગ યુનિટ ભારતમાં ટનની ક્ષમતા પ્રમાણે વેચાય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો ટનની ક્ષમતા જેટલી વધુ હશે તેટલી વધુ ઠંડક અને મોટી જગ્યા માટે હિતાવહ રહેશે. જોકે જેટલું ધી નાખશો જેટલું સ્વાદિષ્ટ બનશે તેવી જ રીતે જેમ-જેમ ACના ટનની ક્ષમતા વધે છે તેમ ACની કિંમત પણ વધે છે. ભારતમાં 0.8, 1, 1.5, 1.8, 2 ટન AC સામાન્ય રીતે બજારમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે. 

ગરમ હવા બહાર ફેંકવા બારી કે દરવાજો જરૂરી?

જો તમે પૉર્ટેબલ એર કંડિશનર ખરીદવા માંગતા હોવ તો ગરમ હવા બહાર કાઢવા માટે યુનિટ માટે બારી કે દરવાજો હોવો જરૂરી છે. સામે પક્ષે વોલ માઉન્ટેડ સ્પ્લિટ એસી માટે આ આવશ્યક નથી અને દિવાલમાં એક નાનું કાણું પાડીને પાઇપને બહાર કાઢીને આઉટડોર યુનિટ સાથે જોડવામાં આવે છે.

શું તમને ઠંડક અને ગરમી બંને ફેસિલિટી જોઇએ છે? 

રસપ્રદ વાત આપને જણાવી દઈકે કેટલાક સ્પ્લિટ એર કંડિશનર હીટિંગ અને કૂલિંગ બંને ઓફર કરે છે. જો તમને ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમી મેળવવા માંગતા હોવ તો સ્પ્લિટ એસી શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ જો તમે ભાડાના મકાન અથવા પીજીમાં રહો છો અને ACને વારંવાર ઈન્સટોલ અને અનઈનસ્ટોલ કરાવવા માંગતા નથી, તેનો ખર્ચો ઉઠાવવા માંગતા નથી તો પૉર્ટેબલ એસી તમારા માટે સારો વિકલ્પ રહેશે.


Google NewsGoogle News