લગ્ન બાદ મહિલાઓએ કયા ડોક્યુમેન્ટ્સમાં કરવો પડે છે ફેરફાર? નહીતર આવી શકે છે મુશ્કેલી

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
લગ્ન બાદ મહિલાઓએ કયા ડોક્યુમેન્ટ્સમાં કરવો પડે છે ફેરફાર? નહીતર આવી શકે છે મુશ્કેલી 1 - image


લગ્ન પછી જીવન બદલાઈ જાય છે અને ઘણી સ્ત્રીઓ માટે જીવન પરિવર્તનની સાથે નામમાં પણ બદલાવ આવે છે. લગ્ન બાદ અટક બદલવી કે ન બદલવી એ ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ જો તમે તમારી અટક બદલવાનું વિચારી રહ્યાં છો, તો તમારે તે મુજબ લીગલ અને ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ અપડેટ કરવાની જરૂર પડશે. તમારે શું કરવું જોઈએ તેના માટે અહીં એક ક્વિક ગાઈડ છે. 

નામમાં ફેરફાર

તમારું નામ ફેરફાર કરવાની બે રીત છે. એક તો રાજ્ય સરકારના ગેઝેટમાં નામ બદલવા માટે અરજી કરવી. જો તમારું નામ લગ્નને કારણે બદલાયું છે, તો તમે મેરેજ રજિસ્ટ્રારની ઑફિસમાં મેરેજ સર્ટિફિકેટ માટે પણ અરજી કરી શકો છો. મેરેજ સર્ટિફિકેટ તમને અન્ય લીગલ અને ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટમાં તમારું નવું નામ અપડેટ કરવામાં મદદ કરે છે. મેરેજ સર્ટિફિકેટ તમારા સુધી પહોંચવામાં સામાન્ય રીતે એક કે બે મહિનાનો સમય લાગે છે.

PAN કાર્ડ

આજકાલ PAN કાર્ડની કોપી આપ્યા વિના કોઈપણ નાણાકીય વ્યવહારો કરવા લગભગ અશક્ય છે. આથી એ સુનિશ્ચિત કરવાનું છે કે તમે તમારા પાન કાર્ડ પર વહેલી તકે અટક બદલી નાખો. 

નવું પાન કાર્ડ મેળવવાની પ્રોસેસ નવા કાર્ડ માટે અરજી કરવા જેવી જ છે, માત્ર એટલો જ તફાવત છે કે તમારે તમારો જૂનો કાર્ડ નંબર આપવો પડશે. તમારા નવા પાન કાર્ડમાં જૂનો નંબર હશે, પરંતુ નવા નામ સાથે.

પાન કાર્ડમાં નામ બદલવા માટે અરજી કરતી વખતે તમારે તમારું મેરેજ સર્ટિફિકેટ અથવા ઓફીશીયલ ગવર્મેન્ટ ગેઝેટની નકલ સબમિટ કરવી પડશે. PAN અપડેટ કરાવવા માટે જોઈન્ટ (જીવનસાથી સાથે) નોટરાઇઝ્ડ એફિડેવિટની નકલ પણ જોશે. તે પછી, ખાતરી કરો કે તમારા આવકવેરાના કાગળો પણ અપડેટ થાય છે.

બેંક એકાઉન્ટ

તમારા તમામ બેંક એકાઉન્ટને તમારી નવી અટક સાથે અપ-ટૂ-ડેટ કરવાના રહેશે. તેથી જો લગ્ન પછી નામ બદલવાની જરૂર હોય તો, બેંક રેકોર્ડ માટે લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.

સામાન્ય રીતે, મેરેજ સર્ટિફિકેટ અને જોઈન્ટ નોટરાઇઝ્ડ એફિડેવિટથી બેંકોમાં નામ બદલવાનું કામ થઈ જાય છે. નામ બદલવાની સાથે એડ્રેસમાં ફેરફારને પણ અપડેટ કરવું જરૂરી છે. જેના માટે બેંકમાં તમારા પતિના એડ્રેસ પ્રૂફ તેમજ તેમનો એક ફોટો બ્રાન્ચમાં જમા કરાવવાનો રહેશે.

આ નોટરાઇઝ્ડ એફિડેવિટમાં પહેલાની અટક, નવી બદલાયેલ અટક, તમારો ફોટો અને સહી તેમજ તમારા પતિની સહી જરૂર છે. સામાન્ય રીતે અન્ય ડોક્યુમેન્ટ પર અટક બદલવા માટે આ નોટરાઇઝ્ડ એફિડેવિટ અને મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે.

ક્રેડિટ રિપોર્ટ

તમારા ડીપોઝીટ એકાઉન્ટ તેમજ લોન એકાઉન્ટમાં નવી અટક અપડેટ થઈ જાય. જ્યાં સુધી ક્રેડિટ રિપોર્ટની વાત છે, આ એક એવું ડોક્યુમેન્ટ છે જ્યાં તમને તમારું નામ જાતે અપડેટ કરવાથી રાહત મળે છે. બેંક દ્વારા ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડને તમામ લોન ગ્રાહકો માટે દર મહિને નામ અને અડ્રેસ સહિત કસ્ટમર્સ ડેટાબેઝમાં કોઇપણ ફેરફારને રિફ્રેશ કરવામાં આવે છે.

પાસપોર્ટ

જો તમારી પાસે પહેલાથી જ પાસપોર્ટ છે અને લગ્ન પછીની તમારી નવી અટક અપડેટ કરવાની જરૂર છે, તો તમારે રિ-ઇશ્યૂ માટે અરજી કરવી પડશે. મેરેજ સર્ટિફિકેટની સાથે, તમારે તમાર જૂના પાસપોર્ટને તેની નકલ સાથે અને પતિના પાસપોર્ટની નકલ સાથે સબમિટ કરવાનો રહેશે.

અન્ય ડોક્યુમેન્ટ

અન્ય ડોક્યુમેન્ટ જ્યાં તમારે તમારી નવી અટક અપડેટ કરવાની જરૂર પડશે તે છે ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખ કાર્ડ, તેમજ જો વીમા પૉલિસીમાં તમે નોમિની છો તો પણ ફેરફાર કરાવવો જરૂરી છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર્સ જો તમારી માલિકીના હોય તો તેમાં પણ ફેરફાર કરવા જરૂરી છે. 


Google NewsGoogle News