વર્ષ 2025માં ભારતીયો ક્યાં કરશે પ્રવાસ, જાણો નવા વર્ષના ટોપ 7 ટ્રાવેલ ટ્રેન્ડ
Travel Trends : કોવિડ-19ના કપરા કાળ પછી દુનિયાભરના લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે, એમાંનું એક તે પ્રવાસ પ્રત્યેનું વલણ. લોકોનો ઝુકાવ હવે પ્રવાસ તરફ વધ્યો છે, અને ભારતીયો પણ એમાંથી બાકાત નથી. ‘કાલ કોણે જોઈ?’ એવા વિચાર સાથે ભારતીયોની પ્રવાસભૂખ ઊઘડી છે. ‘જે છે એ આજ છે’ને હિસાબે લોકો હવે દેશ અને દુનિયા જોઈ, ફરી, માણી લેવામાં માને છે. વર્ષ 2024 પૂરું થવામાં છે ત્યારે અત્યારથી જ આગામી વર્ષ 2025માં કયા પ્રકારના ટ્રાવેલ ટ્રેન્ડ જોવા મળશે, એની અટકળો થવા લાગી છે. ચાલો, આપણે પણ એક ઝલક મેળવીએ આવનારા વર્ષના ટ્રાવેલ ટ્રેન્ડની.
ભારતીય પ્રવાસીઓ સંદર્ભે થયો રસપ્રદ સર્વે
બ્રિટનની એક જાણીતી ટ્રાવેલ કંપની ‘સ્કાય સ્કેનર’ દ્વારા તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ બાબતે એક મજાનો સર્વે થયો હતો, જેનું પરિણામ ભારતીયોનું પ્રવાસ બાબતે બદલાઈ રહેલું વલણ દર્શાવે છે.
સર્વેના તારણોમાં ઉભરી આવ્યા નવા ટ્રેન્ડ
1) સ્પોર્ટ્સ ટુરિઝમનો વધી રહેલો ક્રેઝ : છેલ્લા દસેક વર્ષોમાં રમતજગતનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી જેવી લગભગ તમામ જાણીતી રમતોની લીગ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. મહિલાઓની રમતને પણ મોટી માત્રામાં દર્શકો મળી રહ્યા છે. રમતોત્સવોના ટીવી અને ઈન્ટરનેટ પ્રસારણમાં ભરપૂર કમાણી થઈ રહી છે. અને એ સાથે જ સ્પોર્ટ્સ ટુરિઝમનો ક્રેઝ પણ વધી ગયો છે. જે દેશ, જે શહેરમાં અમુક-તમુક ટુર્નામેન્ટ યોજાતી હોય ત્યાં જઈને રમતસ્પર્ધા જોવા માટે સ્પોર્ટ્સ રસિયાઓ ધસારો કરે છે, જેને લીધે જે-તે સ્થળની ઈકોનોમિને જબરદસ્ત આર્થિક ફાયદો થાય છે. તેથી જ તો હવે રમતોત્સવોના આયોજન મેળવવા માટે દેશો વચ્ચે હોડ જામે છે. સ્કાય સ્કેનરના સર્વેમાં સામેલ થયેલા ભારતીયો પૈકીના 53 % પ્રવાસ-શોખીનોએ સ્પોર્ટ્સ ટુરિઝમ બાબતે ઉત્સાહ બતાવ્યો છે.
2) કળા તરફ વધતો ઝુકાવ : સોશિયલ મીડિયાને પ્રતાપે દુનિયાભરની કળાઓથી ભારતીયો પરિચિત થઈ રહ્યા છે, જેને લીધે આર્ટ તરફ લોકોનો રસ વધ્યો છે. પરિણામે પ્રસિદ્ધ આર્ટ ગેલેરીઓ અને જાણીતા સંગ્રહાલયો તરફ પ્રવાસીઓ આકર્ષાઈ રહ્યા છે. જે-તે પ્રવાસન સ્થળે કળા સંબંધિત શું જોવા જેવું છે, એની પૃચ્છા પ્રવાસ-શોખીનો અગાઉથી જ કરવા માંડ્યા છે. સર્વેમાં ભાગ લેનાર લોકો પૈકીના 79 % આ પ્રકારનો ‘આર્ટ ઓરિએન્ટેડ’ પ્રવાસ કરવા ઈચ્છુક છે.
3) જોવું છે તારામઢ્યું આકાશ : શહેરમાં તો પ્રદૂષણને લીધે આકાશમાં તારાઓ જોવા મળતા જ નથી, તેથી શહેરીજનો હવે પ્રદૂષણરહિત ગ્રામ્ય વિસ્તારોમાં જઈને તારાજડિત આસમાન જોવા તરફ વળ્યા છે. રાતના સમયે ખુલ્લા આકાશ નીચે પડીને ટમટમતા તારલા જોવાની ઈચ્છા શહેરી પ્રવાસ-શોખીનોએ સર્વેમાં વ્યક્ત કરી છે. 53 % લોકો ખુલ્લા આકાશ નીચે સૂઈને ગ્રહો-નક્ષત્રો જોવા ઈચ્છે છે. 56 % લોકોએ નાઈટ ફોટોગ્રાફીમાં રસ દાખવ્યો છે.
4) નોર્ધન લાઇટ્સ પણ છે લિસ્ટમાં : પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જોવા મળતી નોર્ધન લાઇટ્સ (અરોરા બોરિઆલિસ) પણ ભારતીય પ્રવાસીઓને આકર્ષે છે. નોર્વે સહિતના સ્કેન્ડિનેવિઅન દેશોના રાત્રિ આકાશમાં જોવા મળતી ઝળહળતી રંગોળી એવી ‘નોર્ધન લાઈટ્સ’ 44 % ભારતીય પ્રવાસીઓ માટે બકેટ-લિસ્ટ આઈટમ બની ગઈ છે.
5) ચેરી બ્લોસમ જોવા જાપાન જવું છે : ભારતીયો હંમેશથી બગીચા-પ્રેમી રહ્યા છે. દેશના પ્રત્યેક શહેરમાં ઓછામાં ઓછો એક ગાર્ડન તો હોય જ છે. દૂર નહીં જવાય તો કમસેકમ શહેરના બગીચામાં જઈને આનંદ માણવાનું તો આપણે નથી જ ચૂકતા. સર્વેમાં ભાગ લેનાર પૈકીના 90 % ભારતીયોએ એમને ગાર્ડન ગમતાં હોવાનું કહ્યું છે. 56 % પ્રવાસીઓએ તેઓ ચેરી બ્લોસમની મોસમનો અનુભવ કરવા જાપાન જવા આતુર હોવાનું કહ્યું છે.
6) સ્વાસ્થ્ય સંબંધિત પ્રવાસન : સ્વાસ્થ્યવર્ધક પ્રવાસન પણ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સર્વેમાં ભાગ લેનાર 70 % લોકો તેમનું સ્વાસ્થ્ય સુધરે એવા પ્રકૃતિથી ભરપૂર સ્થળોએ પ્રવાસ જવા ઈચ્છુક છે.
7) Gen Z નું પ્રવાસન-વલણ આગવું : સર્વેમાં સામેલ Gen Z ટ્રાવેલર્સનું વલણ એકદમ અલગ જોવા મળ્યું છે. Gen Z પેઢીના 57 % પ્રવાસ-શોખીનો તેઓ જે વિડીયો ગેમ્સ રમે છે એમાં બતાવાયેલા સ્થળોએ ફરવા જવા માંગે છે.
આ સ્થળો ભારતીયોની પહેલી પસંદ છે
2025ના ટ્રેડિંગ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સની વાત કરીએ તો, ભારતીયો ઓછા પ્રચલિત સ્થળોએ ફરવા જવા ઈચ્છે છે. દુબઈ, સિંગાપોર, હોંગકોંગ અને થાઇલેન્ડ જેવા ચવાઈ ગયેલા સ્થળોને બદલે ભારતીય પ્રવાસીઓએ મધ્ય એશિયાના અઝરબૈઝાન અને કઝાખસ્તાન જેવા દેશો પર પસંદગી ઉતારી છે. અઝરબૈઝાનનું ‘બાકુ’ અને કઝાખસ્તાનના ‘અલ્માટી’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતીયોના બકેટ લિસ્ટમાં ત્યારબાદ જે આંતરરાષ્ટ્રીય સ્થળો આવે છે એ છે મલેશિયાનું ‘લેંગકાવી’ અને ઇન્ડોનેશિયાનું ‘જકાર્તા’.
ભારતના સ્થળોની વાત કરીએ તો મેઘાલયનું પાટનગર ‘શિલોંગ’ પહેલા નંબરે આવ્યું છે. 2025 માં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓએ લીલાછમ લેન્ડસ્કેપ્સ ધરાવતા આ હિલ સ્ટેશને જવાની ઈચ્છા જતાવી છે.
આ પરિબળ નક્કી કરે છે પ્રવાસન સ્થળો
ઉપરોક્ત સર્વેમાં એ હકીકત પણ સામે આવી છે કે મોટાભાગના ભારતીયો હવાઈયાત્રાના ભાડાને આધારે એમનું પ્રવાસન સ્થળ નક્કી કરે છે. અઝરબૈઝાન અને કઝાખસ્તાન જેવા દેશોએ વધુ માત્રામાં ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે વિમાન ટિકિટોના દરમાં ઘટાડો કર્યો છે, જેને લીધે પણ એ દેશના ટ્રાવેલ ડેસ્ટિનેશન ભારતીયોના લિસ્ટમાં ટોચ પર આવ્યા છે.
હવે પ્રવાસ એટલે ફક્ત ધાર્મિક યાત્રા નહીં
એક જમાનો હતો જ્યારે ભારતીયો માટે પ્રવાસ એટલે ધાર્મિક સ્થળોની યાત્રા. જાણીતા યાત્રાધામોએ જવાનું, પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરવાના, દાનપુણ્ય-શ્રાદ્ધ કરવાનું અને પાછા ઘેર. ભારતીયોનો પ્રવાસ આટલા પૂરતો મર્યાદિત હતો. હજુ પણ આ રીતે પ્રવાસ થાય છે ખરો, પણ એ ઉપરાંત પણ ભારતીયોની પ્રવાસ-ક્ષિતિજો વિસ્તરી છે. ઉપરોક્ત સર્વેના પરિણામ એનું પ્રતિબિંબ છે.