બાળકો માટે 4 કામ કરનારા પેરેન્ટ બને છે તેમના ફેવરિટ, બંને વચ્ચે સંબંધો થશે મજબૂત
Image:Freepik
નવી દિલ્હી,તા. 10 ફેબ્રુઆરી 2024,શનિવાર
આજકાલના ભાગદોડના જમાનામાં દરેક વ્યક્તિના લગભગ દરેક સંબંધ ઘટતા જઈ રહ્યાં છે. ટેક્નોલોજી સાથેનું કનેક્શન અને ટેક્નોલોજી થકી સંબંધોનું કનેક્શન આપણને અન્ય વ્યક્તિથી દૂર કરી રહ્યું છે. ઘટતા સંબંધોમાં એવું નથી કે પરિવારના દૂરના લોકો જ ઘટી રહ્યાં છે પરંતુ ભાઈના બહેન સાથેના, માતા-પિતા સાથે બાળકોના, મામા-ભાણાંના સંબંધોમાં પણ ઓટ આવી રહી છે. જોકે હજી પણ અનેક કુટુંબોમાં વાર-તહેવારે કે અમુક ચોક્કસ સમય પછી મેળમિળાપના કાર્યક્રમો ગોઠવાઈ રહ્યાં છે. મોંઘવારીની કાળજાળની સ્થિતિમાં ઘરમાં ઓછામાં ઓછા બે વ્યક્તિએ કમાવવું ફરજિયાત બન્યું છે. બાળકોના સારા ભવિષ્ય માટે માતા-પિતા આજકાલ પૈસા કમાવવામાં વધુ ધ્યાન આપતા હોવાથી કે અન્ય કામમાં વધુ વ્યસ્ત રહેતા હોવાથી પોતાના બાળકો સાથેનું કનેક્શન તૂટતું જોવા મળી રહ્યું છે.
આ અનન્ય સંબંધને જાળવવા મા-બાપે જ બાળકો સાથે અટેચ થવું પડશે. જો તમે તમારા બાળકની પ્રિય વ્યક્તિ બનવા માંગતા હો, તો તમારા બંનેએ એકબીજાને માન આપવું, વિશ્વાસ કરવો અને સમજણ કેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુટેવથી તમે તમારા બાળકને અહેસાસ કરાવી શકો છો કે તમે તેને પણ કેટલો પ્રેમ કરો છો અને તેમણે પણ કેવું વર્તન કરવું જોઈએ.
જો તમે પણ તમારા બાળકના ચહિતા વ્યક્તિ બનવા માંગતા હોવ અને તેની સાથે તમારા સંબંધને મજબૂત કરવા માંગો છો તો આ આર્ટિકલમાં અમે કેટલી સાદી-સરળ પદ્ધતિઓ સૂચવવા જઈ રહ્યાં છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ બાળકની નજીક રહેવા અને તેમને તમારો અહેસાસ કરાવવા, તમારા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા શું કરવું જોઈએ....
ક્વોલિટી સમય પસાર કરો :
આજકાલના આ એક નહિ પરંતુ દરેક સંબંધની જરૂરિયાત સમય છે. તમારા બાળક માટે દરરોજ પુરતો સમય કાઢો. તેની સાથે રમત રમો, વાતો કરો, ભણો, મસ્તી કરો. આમ દિવસ દરમિયામ અમુક ફિક્સડ સમય બાળકો સાથે કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓ કરો. તેના શોખમાં તમે રસ દાખવો અને તેના વિશે પૂછો, સમજો, વધુ માહિતી આપો, શીખવાડો. જ્યારે બાળક તેના વિચારો, લાગણીઓ અને ચિંતાઓ તમારી સમક્ષ વ્યક્ત કરે છે, ત્યારે તે અંગે કોઈ નક્કર સમજ ઉભી કર્યા વિના કે કોઈ નિર્ણય કર્યા વિના તેને સાંભળો. તેની લાગણીઓને તમારે સમજવી જોઈએ અને તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ. જરૂર પડ્યે તેને સપોર્ટ પણ કરો. પ્રેમથી માર્ગદર્શન પુરૂં પાડી સાચી દિશા દર્શાવો.
બાળકને મોટિવેટ કરો :
બાળકની સિદ્ધિ ભલે નાની હોય, તમારે તેના વખાણ કરવાના જ. આ ટેવથી બાળકનું આત્મસન્માન વધશે અને તમારા બંને વચ્ચેનો સંબંધ પણ મજબૂત થશે. દર અઠવાડિયે સાથે બેસીને કોઈક મૂવી-સીરિઝ, ઈન્ફોમેન્ટ્ શો જુઓ. સપ્તાહના અંતે રસોઇ કરો અથવા વર્ષમાં એકવાર મુસાફરી પર જાઓ. સાથે વિતાવેલો સમય તમારા બાળક સાથેનો તમારો સંબંધ મજબૂત કરશે. સમય પસાર કરવાની સાથે તેનું ઘડતર પણ કરવા રહો.
બાળકને તેની દ્રષ્ટિથી સમજો :
તમારે તમારા બાળકની સ્વતંત્રતાથી વિચલિત ન થાવ અને તેના અન્ય લોકો જેવો કેમ નથી વગેરે વગેરે નજરથી જોવાનું બોલવાનું ટાળો, જે છે જેવો છે આદર કરો. જો તેને યોગ્ય લાગે અને તેને બાહ્ય પક્ષકાર ન લાગો તેવી રીતે તેને નિર્ણય લેવામાં મદદ કરો અને તેની સલાહ અને પસંદગીઓ પણ પૂછો. મુશ્કેલ સમયમાં બાળક પ્રત્યે સહાનુભૂતિ રાખો અને તેને સમજવાનો પ્રયાસ કરો. બાળકને કહો કે તે તેની સમસ્યાઓ વિશે તમારી સાથે ખુલીને વાત કરી શકે છે. યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડો.
પ્રેમ વ્યકત કરો :
તમારે તમારા બાળક માટે સપોર્ટ સિસ્ટમ બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બાળક જ્યારે કોઈ સમસ્યાનો સામનો કરે ત્યારે તેને માર્ગદર્શન આપો, તે સફળતા પ્રાપ્ત કરે કે કોઈ કામ પાર પાડે તેને વધાવો, ઉજવણી કરો. તમારા સપોર્ટથી બાળક મજબૂત બનશે અને તમારી નજીક પણ આવશે. તમે તેને કોઈપણ શરત વિના પ્રેમ કરો છો તેવો આભાસ કરાવો. પુત્ર હોય કે પુત્રી તમે બંને લિંગને સમાન પ્રેમ કરો છો અને બંને પાસેથી સમાન અપેક્ષા રાખો છો. ભેદભાવ વિના પ્રેમ વરસાવતા રહો અને તેને તમારા પ્રેમ-કાળજીનો અહેસાસ કરાવો, તો તે તમારી વધુ નજીક આવશે.
સંબંધ વધુ મજબૂત બનશે :
જો ઉપરોકત નાની-સામાન્ય બાબતો પણ તમે તમારા બાળક માટે કરશો તો તેને અહેસાસ થશે કે તમે તેમના માટે સૌથી ખાસ છો અને જ્યારે પણ કોઈ મુશ્કેલી કે સમસ્યા આવશે તો તે તમારી તરફ સૌથી પહેલા દોડશે. આ રીતે તેના માતાપિતા બનવાની સાથે તમે તેના શ્રેષ્ઠ મિત્ર પણ બની શકશો, સપોર્ટ સિસ્ટમ SoS બનશો. આ સૂચનોનું અમલીકરણ કઈં મુશ્કેલ નથી. બસ તમારા તરફથી થોડા મેચ્યોર અભિગમ સાથેના પ્રયત્નો અને પ્રેમ-વ્હાલ વરસાવો, તમારૂં બાળક હંમેશા તમારો કંદોરો જ પકડીને આગળ વધશે.