સંતાનોના મનમાં ગિલ્ટ ફીલ કરાવી દે છે માતા-પિતાની આ 5 વાતો, જીવનભર તેને ખૂંચ્યા કરે છે
Things You Should Never Say to Your Child: બાળપણમાં સાંભળેલી વાતો બાળકોના મન પર ઊંડી છાપ છોડી જાય છે. માતા-પિતા પોતાના બાળકોને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કરતી વખતે ક્યારેક એવી વાતો કહે છે જેનાથી બાળકોનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે. કેટલીકવાર અજાણતા બોલવામાં આવેલા કઠોર શબ્દો બાળકમાં અસુરક્ષા, ડર અને હીનતા લાવી શકે છે. જેના કારણે તેઓ મોટા થઈને અસહાય અનુભવે છે. આથી માતા-પિતાએ તેમના બાળકો સામે આ 5 વાતો ક્યારેય ન કરવી જોઈએ.
1. તારાથી કઈ નહી થાય, તું નકામો છે
આ શબ્દો બાળકના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે. જ્યારે માતા-પિતા તેમના બાળકને વારંવાર કહે છે કે 'તારાથી કઈ નહી થાય' અથવા 'તું નકામો છે', ત્યારે બાળક પોતાની ક્ષમતાને અન્ય લોકો કરતા ઓછી આંકવા લાગે છે. જેના કારણે તેની કારકિર્દી અને અંગત જીવન પર પણ અસર પડી શકે છે. બાળકને ઠપકો આપવાના બદલે તેને સાચી દિશા બતાવો અને બાળકને પોતાની ક્ષમતા ઓને ઓળખવામાં મદદ કરો.
2. તું હમેશા ભૂલો કરે છે
જો માતા-પિતા પોતાના બાળકને દરેક ભૂલ પર કહે છે કે તું હંમેશા ખોટો છે, તો બાળક પોતાના પરથી વિશ્વાસ ગુમાવવા લાગે છે. દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પરંતુ ભૂલોમાંથી શીખવું એ મહત્ત્વપૂર્ણ છે. બાળકોને ઠપકો આપવાને બદલે તેમને સમજાવો કે ભૂલ કરવી ખરાબ નથી, પરંતુ તેમાંથી શીખવું જરૂરી છે.
3. મેં કહ્યું છે એટલે આ કામ કરવું જ પડશે
જ્યારે માતાપિતા બાળક પાસે કોઈ કરવવા ઈચ્છે છે પરંતુ તેની પાછળ કોઈ કારણ આપતા નથી પરંતુ એવું કહે છે કે મેં કહ્યું છે એટલે આ કરવું જ પડશે એવું કહે છે તો તે બાળકની વિચારવાની અને સમજવાની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે. બાળકોને તેમના નિર્ણયો પાછળનું કારણ સમજાવવું મહત્ત્વપૂર્ણ છે જેથી તેઓ વસ્તુઓને તાર્કિક રીતે સમજી શકે અને તેમની વિચારસરણીનો વિકાસ કરી શકે.
4. જો આ તારા કરતા કેટલો સારો છે!
દરેક બાળક પોતાની આગવી વિશેષતાઓ સાથે જન્મે છે. જ્યારે માતા-પિતા બાળકની તુલના અન્ય કોઈ સાથે કરીને તેને નીચું બતાવે છે, ત્યારે તે બાળકના આત્મસન્માનને નબળું પાડે છે. દરેક બાળકની પોતાની ક્ષમતાઓ હોય છે, તેથી તેની અન્ય બાળક સાથે સરખામણી કરવાને બદલે તેને તેની શક્તિઓને વધારવામાં મદદ કરો.
5. તું મને બહુ હેરાન કરે છે
ઘણી વખત માતા-પિતા ગુસ્સામાં તેમના બાળકને કહે છે, 'તારા કારણે મારું જીવન મુશ્કેલ બની ગયું છે' અથવા 'તું મને ખૂબ પરેશાન કરે છે.' આ બાબતો બાળકના મનમાં અપરાધભાવ પેદા કરી શકે છે અને તે પોતાની જાતને બોજ સમજવા લાગે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ ધીરજ રાખવી જોઈએ અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ.