October Holiday Plan: ઓક્ટોબરમાં મળી રહી છે ઘણી બધી રજાઓ, આ તારીખોએ ફરવા જવાનો બનાવો પ્લાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર
તહેવારોની સીઝન આવી ગઈ છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત જ મહાત્મા ગાંધીની જયંતી પર રાષ્ટ્રીય પર્વથી થાય છે. આ દિવસે સરકારી રજા રહે છે. ઓક્ટોબર મહિનામાં પિતૃ પક્ષ, શારદીય નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરાનો તહેવાર પણ મનાવવામાં આવે છે.
આ મહિનામાં ઘણા બધા હિંદુ પર્વ છે. રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોના કારણે ઓક્ટોબર મહિનામાં ઘણી રજા હોય છે. બેન્ક સહિત ઘણી ઓફિસ આ અવસરે બંધ રહેશે. લાંબા સમયથી રજાની રાહ જોઈ રહ્યા હોવ તો આ મહિનો તમારા માટે કામનો છે. ઓક્ટોબર મહિનામાં મળી રહેલી રજાઓનો તમે ફાયદો ઉઠાવી શકો છો અને પરિવાર તેમજ મિત્રો સાથે સારો સમય પસાર કરી શકો છો. જો ઓક્ટોબર મહિનાની રજાઓમાં ફરવાની ઈચ્છા છે તો મહિનામાં કયો સમય ફરવા માટે સારો રહેશે, તે જાણી લો. લોન્ગ વીકેન્ડ અને રજાઓ અનુસાર સફરનું આયોજન સારી રીતે બનાવી શકો છો.
ઓક્ટોબર મહિનામાં કેટલી રજાઓ
મહિનાની શરૂઆત લોન્ગ વીકેન્ડથી થઈ રહી છે. 30 અને 1 ઓક્ટોબરે વીકેન્ડ છે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતી છે. દરમિયાન જો તમારી શનિવાર અને રવિવારે રજા રહે છે તો 3 દિવસનો લાંબો વીકેન્ડ ફરવા માટે મળી જશે. શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. 23 ઓક્ટોબરે મહાનવમી અને 24 ઓક્ટોબરે દશેરા છે. અમુક સ્થળોએ નવમી અને દશેરામાં બે દિવસની રજા રહેશે. અમુક સ્થળોએ માત્ર દશેરાની રજા રહેશે. મહિનાના અંતમાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર એકતા દિવસ મનાવવામાં આવે છે. ઘણા સ્થળોએ આ અવસરે રજા રહે છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવે છે. આ પાંચ રવિવારે પણ બેન્કની રજા રહે છે.
ઓક્ટોબરમાં રજાઓની યાદી
2 ઓક્ટોબર 2023- સોમવાર મહાત્મા ગાંધી જયંતી
14 ઓક્ટોબર 2023 - શનિવાર, સર્વપિતૃ અમાસ
18 ઓક્ટોબર 2023 - બુધવાર, કટિ બિહુ
21 ઓક્ટોબર 2023 - શનિવાર, દુર્ગા પૂજા (મહા સપ્તમી)
23 ઓક્ટોબર 2023- સોમવાર, દશેરા (મહાનવમી)/આયુધ પૂજા/દુર્ગા પૂજા/વિજય દશમી
24 ઓક્ટોબર 2023 - મંગળવાર, દશેરા, દુર્ગા પૂજા
25 ઓક્ટોબર 2023- બુધવાર, દુર્ગા પૂજા
26 ઓક્ટોબર 2023- ગુરૂવાર, દુર્ગા પૂજા, પરિગ્રહણ દિવસ
27 ઓક્ટોબર 2023- શુક્રવાર, દુર્ગા પૂજા
28 ઓક્ટોબર 2023- શનિવાર, લક્ષ્મી પૂજા
31 ઓક્ટોબર 2023 - મંગળવાર, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ
ઓક્ટોબરમાં ક્યારે ફરવા જઈ શકો છો
ઓક્ટોબર મહિનામાં મળનારી રજાઓનો આનંદ ઉઠાવવા માંગો છો અને ફરવાનું આયોજન છે તો મહિનાની શરૂઆતમાં લોન્ગ વીકેન્ડ ટ્રિપ પર જઈ શકો છો. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે શનિવાર-રવિવારની રજા છે. આ પ્રકારે તમને 3 દિવસની સતત રજા મળી શકે છે. 21-22 ઓક્ટોબરે વીકેન્ડ છે અને 24 એ દશેરાની રજા છે. દરમિયાન 23 ઓક્ટોબરની રજા લઈને તમે 4 દિવસ માટે ફરવા જઈ શકો છો.