વાસી ભાતમાંથી બનતા હેર માસ્કથી મેળવો સિલ્કી અને શાઇની વાળ...!
- જાણો, હેર માસ્ક બનાવવા માટે વાસી ભાતનો ઉપયોગ કેવી રીતે કરશો?
નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર
રાંધેલો ભાત (Rice) વધે ત્યારે મોટાભાગના લોકો તેને ફેંકી દે છે. કારણ કે વાસી થઇ ગયા બાદ તે ખાવા યોગ્ય તો રહેતો નથી. એટલે આ વધેલો બેકાર ભાત કોઇ કામનો રહેતો નથી. પરંતુ વાસી ભાતને ફેંકવાની જગ્યાએ જો તમે પોતાની હેર બ્યૂટી વધારવા માટે તેનો ઉપયોગ કરશો તો તેનાથી બેકાર ભાત ઉપયોગી બનશે અને ઘરે બેઠા તમે વાળ સિલ્કી અને શાઇની બનાવી શકશો. તેનાથી તમારા ગૂંચાઇ ગયેલા અને ફ્રિઝી વાળને મેનેજ કરવું ખૂબ જ સરળ બની જશે. આ સાથે જ વાળને પોષણ પણ ભરપૂર મળશે. હવે તમને થતું હશે કે આ કેવી રીતે શક્ય બનશે? તો જાણો કે વાસી ભાતનો તમે તમારા વાળને સિલ્કી અને શાઇની બનાવવા માટે કેવી રીતે ઉપયોગમાં લઇ શકશો...
આ રીતે તૈયાર કરો વાસી ભાતનું હેર માસ્ક
હેર માસ્ક બનાવવા માટે તમને આ સામગ્રીની જરૂર પડશે, તેમાં ચોખા(ભાત), ઈંડાંનો સફેદ ભાગ, નારિયેળનું દૂધ અને ઑલિવ ઓઇલ સામેલ છે. હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા તમે ચાર-પાંચ મોટી ચમચી વાસી ભાત લો. તેમાં બે મોટી ચમચી નારિયેળનું દૂધ મિક્સ કરો, એક ઈંડાંની સફેદી અને એક મોટી ચમચી ઑલિવ ઑઇલ પણ મિક્સ કરી લો. આ બધુ મિક્સ કરીને મિક્સીમાં દળીને પેસ્ટ તૈયાર કરી લો. જો તમે ઈંડાંને નાંખીને મિક્સર નથી કરવા ઇચ્છતા તો ઈંડાંની સફેદી સિવાયની સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લો અને ત્યારબાદ આ મિશ્રણમાં ઈંડાંની સફેદી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને હેર માસ્કની જેમ પોતાના વાળમાં લગાઓ. આ માસ્કને લગભગ એક કલાક સુધી વાળમાં લગાવી રાખો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઇ નાંખો.
જાણો, આ હેર માસ્કથી વાળને શું ફાયદા થશે?
વાળમાં આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી અને શાઇની બને છે. વાળમાં ગૂંચ થવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને વાળને મેનેજ કરવા ખૂબ જ સરળ બની જાય છે. થોડાક સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળ સ્ટ્રેટ બની જાય છે અને તમે તેમાં અલગ-અલગ હેર સ્ટાઇલ કરી શકો છો. આ સાથે જ આ હેર માસ્ક લગાવવાથી તમારા વાળ સૂર્યના હાનિકારક કિરણો અને પોલ્યુશનની સામે પણ રક્ષણ મેળવી શકે છે. વાળનું તૂટવા-ખરવાનું પણ ઓછું થઇ જાય છે અને આ હેર માસ્ક લગાવવાથી વાળને પોષણ પણ મળે છે. કોઇ પણ ટિપ્સ અજમાવતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ.