ઠંડીમાં વધુ પડતી ચા ની ચુસકી લેનારા ચેતી જજો,તમે આ બીમારીઓને આપી રહ્યાં છો આમંત્રણ
Image:Freepik
નવી મુંબઇ,તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર
જો દિવસની શરૂઆત ગરમ ચાના કપથી થાય છે, તો આનાથી સારું બીજું કંઈ નથી. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે હોય છે. મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે. આ ઠંડીની સિઝનમાં તો લોકોને ચા સિવાય બીજુ કંઇ દેખાતુ નથી ઠંડી દુર કરવાના નામે દિવસમાં ચાને પાણીની જેમ પીતા રહેતા હોય છે. ચા જેટલી સ્ટ્રોન્ગ તેટલી વધુ નુકસાન કરે છે. ચા ની લત ઘણા લોકોને હોય છે, પરંતૂ આ લતના કારણે લોકોને બીમારીઓ પણ થઇ શકે છે. દિવસભરમાં ઘણી વાર ચા પીનારાઓને સ્વાસ્થ્ય સંબંધીત કેટલીક સમસ્યાઓ થઇ શકે છે.
ચા પીવાના નુકશાન
નિષ્ણાતોના મતે, ચાની પત્તીમાં ટેનીન નામનું તત્વ જોવા મળે છે, જે શરીરમાં હાજર આયર્ન તત્વોને ચોંટી જાય છે અને તેને પાચન પ્રક્રિયામાંથી દૂર કરે છે. જેના કારણે એનિમિયાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી, જો તમે એનિમિયાથી પીડિત છો, તો તમારે ચા ટાળવી જોઈએ. જે લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે તેમના શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. ચામાં અન્ય ઘણા તત્વો પણ જોવા મળે છે, જેનું વધુ પ્રમાણ રોગોનું કારણ બની શકે છે.
વધુ પડતી ચા પીવાની આડ અસરો
1. વધુ પડતી ચા પીવાથી બેચેની અને થાક લાગે છે. ચાની પત્તીમાં જોવા મળતું કેફીન શરીરમાં બેચેની અને થાક વધારે છે.
2. ચાનું વધુ પડતું સેવન ઊંઘ પર અસર કરી શકે છે. કેફીનની વધુ માત્રા સમસ્યાઓનું કારણ બની શકે છે. અનિદ્રાથી પીડિત લોકોએ ચા ઓછી પીવી જોઈએ.
3. ચાની પત્તીમાં કેટલાક તત્વો પણ હોય છે જે ઉબકાનું કારણ બની શકે છે.
4. દિવસમાં ઘણી વખત ચા પીવાથી પણ પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે એસિડિટી અને ગેસની ફરિયાદ થઈ શકે છે.
5. ગર્ભવતી મહિલાઓએ ચાથી દૂર રહેવું જોઈએ. આ તેમના માટે ગંભીર રીતે નુકસાનકારક હોઈ શકે છે.