આજકાલ ટ્રેન્ડમાં છે ‘પાન્ડા પેરેન્ટિંગ’, જાણો શું છે બાળકોને ઉછેરવાની આ અનોખી શૈલી
Panda Parenting: ‘પાન્ડા પેરેન્ટિંગ’ શબ્દો કદાચ તમારા માટે નવા હશે. બાળકોને ઉછેરવાની આ એક અનોખી શૈલી છે, જે છેલ્લા થોડા વર્ષોથી વ્યાપકપણે ચલણમાં આવી છે. ચાલો, જાણીએ કે શું છે પાન્ડા પેરેન્ટિંગ.
બાળ-ઉછેરનો અનોખો અભિગમ
પાન્ડા પેરેન્ટિંગ બાળક અને માતા-પિતા વચ્ચે ઉષ્માભર્યો, સમજણપૂર્વકનો અને સૌમ્ય સેતુ સાધવા પર ભાર મૂકતો અભિગમ છે. આ શૈલી સમજણ, સહાનુભૂતિ, સંવાદ અને ભાવનાત્મક બુદ્ધિ પર ભાર મૂકે છે. મુદ્દાઓ સવિસ્તાર સમજીએ.
1) બાળકની જિજ્ઞાસા એને જાતે જ સંતોષવા દો
એક બાળકને જાતભાતની જિજ્ઞાસાઓ થતી હોય છે. જિજ્ઞાસાવશ એ કોઈ સવાલ પૂછે તો એનો સીધે સીધો જવાબ આપી દેવાને બદલે માતાપિતાએ એને એ સવાલ બાબતે અમુક હિન્ટ જ આપવાની હોય છે અને પછી બાળકને એના સવાલનો જવાબ જાતે શોધવા માટે પ્રોત્સાહિત કરવાનું હોય છે. બિલકુલ એ જ રીતે જે રીતે એક પાન્ડા પોતાના નાનેરા બાળને પોતાની આસપાસના પર્યાવરણને સમજવા માટે છૂટું મૂકી દેતું હોય છે.
2) બાળકમાં સહાનુભૂતિ અને સમજણ વિકસાવો
માતાપિતાએ તેમના બાળકોની લાગણીઓ અને દૃષ્ટિકોણને સમજવાનો હોય છે. બાળક કોઈ ચીજ માટે જીદ પણ કરતું હોય તો એને વઢીને, મારીને કે ધમકાવીને એને શાંત કરી દેવાને બદલે એ ચીજ માટેની એની જીદનું કારણ જાણવાની કોશિશ માતાપિતાએ કરવાની હોય છે, અને પછી એની જીદ બાબતે એને સમજણ આપવાની હોય છે. બાળકની વાત સાંભળીને, એની લાગણીઓને માન આપીને સહાનુભૂતિથી એનો પ્રતિસાદ આપવાનો હોય છે. આમ કરવાથી બાળક લાગણીઓ વ્યક્ત કરતા શીખે છે અને માતાપિતા સાથે મજબૂત ભાવનાત્મક બુદ્ધિથી જોડાય છે.
3) સંવાદ કરો
મુદ્દો કોઈપણ હોય, માતાપિતા અને બાળક વચ્ચે સંવાદ થવો જોઈએ. બાળકે અનુભવેલ કોઈ મજાનો પ્રસંગ હોય કે પછી એની કોઈ સમસ્યા, માતાપિતાએ શાંતિથી એની વાત સાંભળીને એ મુદ્દે યથાયોગ્ય પ્રતિસાદ આપવાનો હોય છે. આમ કરવાથી બાળક કોઈપણ પ્રકારના ડર અને સંકોચ વિના માતાપિતા સાથે પોતાના વિચારો અને લાગણીઓ શેર કરવાનું શીખશે.
4) સકારાત્મક સજા આપો
બાળક છે તો તોફાન પણ કરશે, ભૂલ પણ કરશે અને ગેરવર્તણૂક પણ કરશે જ. એની ઉંમરમાં એમ કરવું સહજ છે. ચોવીસ કલાક ડાહ્યુ-ડમરું થઈને કોઈ બાળક બેસેલું ન રહી શકે. બાળકની ભૂલ બદલ એને માર મારવાની કે બીજી કોઈ સજા ન કરો એને સકારાત્મક સજા કરો. જેમ કે, કોઈ ભૂલ બદલ એને બગીચાના એક છોડને પાણી પાવાનું કામ સોંપો. પછી એવી ભૂલ ફરી ન કરવા માટે સમજાવો. બાળકની ગેરવર્તણૂકથી કોઈ વ્યક્તિને નુકસાન થયું હોય તો એ બાબતે પણ એને પ્રેમથી સમજાવો અને થયેલી ભૂલ એ ફરી નહીં કરે તો એ બદલ એને નાનકડું પણ ઇનામ આપવાનું વચન આપો. આ રીતે મળતી એકાદ પેન્સિલ કે ચોકલેટ જેવું ઇનામ પણ બાળકને બહુમૂલ્ય લાગશે, અને એનામાં ભૂલ ન કરવા માટેની સકારાત્મક સમજણનો વિકાસ થશે. આ પ્રકારની સફળતા એનો આત્મવિશ્વાસ પણ વધારશે અને એના આત્મસન્માનમાં પણ વધારો કરશે.
5) બાળકને સ્વતંત્રતા આપો
અમુક માતાપિતા બાળકની દરેક બાબતોમાં માથું મારતા હોય છે. બાળકે શું પહેરવું, શું ખાવું, કેવી રમતો રમવી, જેવા અનેક મુદ્દે માતાપિતા પોતાનું ધાર્યું કરાવતા હોય છે. એનાથી વિરુદ્ધ પાન્ડા પેરેન્ટિંગમાં બાળકને સ્વતંત્રતા આપવા પર ભાર મૂકાય છે જેથી બાળકમાં નિર્ણય લેવાની પરિપક્વતા આવે. બાળકને તેની ઉંમરને અનુરૂપ પસંદગી કરવા દો. જેમ કે, શોપિંગ કરતી વખતે એને એની પસંદની ચીજો ખરીદવા દો, માતાપિતા પોતાનું મંતવ્ય જરૂર આપે, પણ આખરી પસંદગી બાળકની હોવી જોઈએ. જે-તે વસ્તુ જો તમારા બજેટની બહાર જતી હોય તો બાળકને એ બાબતે સમજાવો, અને એને બીજી કોઈ ચીજ ખરીદવા માટે પ્રોત્સાહિત કરો. આમ કરવાથી બાળક નિર્ણય લેતું થશે, જે એને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.
આ પણ વાંચોઃ ટોયોટામાં જોવા મળશે Nvidiaનું સુપરકમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમ, હવે કાર્સની સેફ્ટી અને ઓટોમેશનમાં થશે ભરપૂર વધારો
6) બાળકને જવાબદારીઓ નિભાવવા દો
ઘણાં માતાપિતા પોતાના બાળકો પ્રત્યે એટલા ‘પ્રોટેક્ટિવ’ હોય છે કે એને કશું જ કામ કરવા નથી દેતા, બાળકના બધાં કામ પોતે જ કરી દે છે. આમ કરવું ખોટું છે. બાળકને એના શારીરિક બળ મુજબનું કામ કરવા દો. પછી એ શાકભાજીનો થેલો ઊંચકવાનો હોય, ઘરમાં કચરો વાળવાનો હોય કે પછી ગલીના નાકાની દુકાનમાંથી કોઈ ચીજ ખરીદી લાવવાની હોય. હા, એને બળજબરીપૂર્વક કામ ન કરાવો. પણ એની ઇચ્છા હોય તો એને જરૂર છૂટ આપો.
પેરેન્ટિંગની આ શૈલીને ‘પાન્ડા’નું નામ કેમ અપાયું?
પાન્ડાને આળસુ અને અણઘડ પ્રાણી ગણવામાં આવે છે, પરંતુ આ બાબતને ‘પાન્ડા પેરેન્ટિંગ’ સાથે કોઈ લેવાદેવા નથી. પાન્ડા સૌમ્ય જીવ છે. પાન્ડા પોતાના બચ્ચાંઓને પૂરી રીતે સહાયક બનતા હોય છે અને તેમનું પાલન-પોષણ પોતાના સ્વભાવની જેમ જ ખૂબ સૌમ્યતાથી કરતા હોય છે. પાન્ડાની જેમ જ માતાપિતાએ પણ પોતાના બાળક સાથે સૌમ્યતાથી વર્તવાનું હોય છે, તેમને હૂંફભર્યો, સલામત અને સમજણપૂર્વકનો માહોલ પ્રદાન કરવાનો હોય છે. બાળ-ઉછેરની ‘ટાઇગર પેરેન્ટિંગ’ (કે જેમાં બાળકોને કડક શિસ્તથી ઉછેરવામાં આવે છે, તેમની પાસે ઉચ્ચ અપેક્ષાઓ રાખવામાં આવે છે, અને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ અને કૌટુંબિક જવાબદારીઓ પર મજબૂત ભાર મૂકવામાં આવે છે) શૈલી જેવો કડક અભિગમ ‘પાન્ડા પેરેન્ટિંગ’માં રાખવાનો હોતો નથી, તેથી આ અનોખા અભિગમને પાન્ડાના નામ સાથે સાંકળી લેવાયું છે.