New Year 2024 : નવા વર્ષને યાદગાર બનાવવા પહોંચી જાવ આ સ્થળો પર

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
New Year 2024 : નવા વર્ષને યાદગાર બનાવવા પહોંચી જાવ આ સ્થળો પર 1 - image

પાર્ટીના માહોલ વચ્ચે પણ સંસ્કૃતિ અને પરંપરાનું અલગ જ મહત્ત્વ ધરાવતા આ સ્થળોએ ઉજવણી માણવાનો અનુભવ વિશેષ અને યાદગાર થઈ રહે છે. કુટુંબ કે મિત્રો સાથે હોઈએ ત્યારે કોઈ પણ સ્થળે વીતાવેલી એક-એક ક્ષણ યાદગાર સાબિત થઈ શકે છે. એમાં પણ જો એવા સ્થળે હોઈએ જ્યાં આહ્લાદક વાતાવરણ, સંસ્કૃતિ અને પરંપરાનો સુસંગત મેળ, પાર્ટીના માહોલમાં મોટેથી વાગતું સંગીત અને એના પર થીરકવાનું આપમેળે જ થતા આકર્ષણનો ઉમેરો થાય તો ચોક્કસપણે એ વેકેશનને વાગોળવામાં પણ અનોખું મનોરંજન મળી રહે. ગુજરાતીઓ માટે દુનિયાના જુદા-જુદા સ્થળે થેપલા-છૂંદો ખાવાનો જે મોહ છે એને કદાચ કોઈ ઓવરટેક કરી શકે એમ નથી. નવા વર્ષ સાથે આપણે દૂર-દૂર સુધી કોઈ લેવા-દેવા નથી, પણ આ સમયનો ફાયદો ઉઠાવવામાં આપણે પાછળ નથી રહેતા. આ કારણે જ જ્યારે પણ ન્યુ યર કે ક્રિસમસમાં ફરવા જવાની યોજના કરો ત્યારે પાર્ટીના વાતાવરણની સાથે-સાથે સંસ્કૃતિ અને પરંપરાની દ્રષ્ટિએ પણ અનોખી ઉજવણી કરતા આ સ્થળોની મુલાકાત લેવાનો લ્હાવો અનોખો જ રહી જશે.

લંડન : 

બ્રિટનની રાજધાની લંડન પરંપરાગત અને આધુનિકતા બન્નેની દ્રષ્ટિએ વિશ્વના સૌથી આકર્ષક સ્થળોમાંનું એક છે. આ શહેરનો કલા સાથેનો સંબંધ ઘણો જૂનો છે અને ન્યુ યરના સેલિબ્રેશનમાં સંગીત અને સ્ટ્રીટ પ્લેની અવિરત લ્હાણી આ શહેરના ચોક્કસ સ્થળોએ જોવા મળે છે. એમાં પણ અમુક થિયેટર-ગુ્રપ અને પર્ફોર્મર તો દર વર્ષના કાર્યક્રમો માટે યાદગાર બની ગયા છે. શહેરની થેમ્સ નદી પાસે જુદા-જુદા કોસ્ચ્યુમ પહેરીને આ કલાકારો પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. આ ઉપરાંત સ્ટ્રીટ પ્લેમાં લંડનના ભવ્ય ઇતિહાસ અને લોકમાન્યતાઓ પર પર્ફોર્મન્સ આપવામાં આવે છે. મહિનાઓની મહેનત બાદ સફળતાપૂર્વક એને પાર પાડતા કલાકારોના અભિનયને જોવો એ અનુભવ ક્યારેક મળે એવો અને જેના નસીબમાં હોય એને મળે છે. આ ઉપરાંત લંડન આઇ અને થેમ્સ નદી નજીકના વિસ્તારોમાં શોપિંગપ્રેમીઓ માટે જન્નત જોવા મળે છે. ફુટબોલપ્રેમીઓએ પણ આ સમયે ફક્ત બ્રિટનમાં જ હોવું જોઈએ. ૨૬ ડિસેમ્બર બોક્સિંગ ડેથી બીજી જાન્યુઆરી સુધીના સમયમાં સમગ્ર દેશના ફુટબોલરસિકોને અઠવાડિયા સુધી સતત રમાતી મેચો મજા અપાવે છે.

લાસ વેગસ :

વિશ્વભરમાં પાર્ટીની રાજધાની તરીકે ગણાતા લાસ વેગસ માટેની પ્રચલિત વાતો તો ઘણી છે, પણ શરીરમાં એડ્રેનાલિનનું લેવલ ક્યાં સુધી પહોંચી શકે છે એનો પ્રયોગ કરવો હોય તો લાસ વેગસ સિવાયની કોઈ જગ્યા યોગ્ય ન ગણી શકાય. વિશ્વભરની સૌથી મોટી હોટેલ, કસિનો અને રેસ્ટોરાં ધરાવતી લાસ વેગસ સ્ટ્રિપ તમારા જીવનની સર્વોત્તમ પાર્ટીને ઝાંખી પાડી દેશે. ફાયરવર્ક્સ, લાઇટ અને સાઉન્ડ શો તથા ખાનગી પાર્ટીઓ તો લાસ વેગસ સ્ટ્રિપની ઓળખ છે. એમાં પણ ક્રિસમસની રજાઓ શરૂ થાય ત્યારથી તો આ સ્થળના પાર્ટીમીટરનો કાંટો પરાકાષ્ટાથી પણ આગળ પહોંચી ગયો હોય છે. આ કારણે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચના કલાકારો આ સ્થળે કરોડો રૂપિયા લઈને પર્ફોર્મન્સ આપે છે. આ કારણે જ વર્ષ દરમિયાન પણ ઝુમવાના મિજાજમાં રહેતું લાસ વેગસ ૩૧ ડિસેમ્બરે સૌથી વધુ જીવંત થઈ જાય છે. હોલીવુડના જાણીતા સેલિબ્રિટીને રંગમાં જોવા હોય તો આ સ્થળે જ પહોંચી જવું.

પેરિસ :

બ્રિટન કે અમેરિકા કરતા ફ્રાન્સમાં ક્રિસમસ અને ન્યુ યર મનાવવાની પરંપરા ઘણી અલગ છે. ૩૧મી ડિસેમ્બરને સમગ્ર ફ્રાન્સમાં લા સેન્ટ-સિલ્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને એની ઉજવણી પરંપરાગત ઢબથી ફીસ્ટના આયોજનથી થાય છે. આ દિવસની વિશેષ ફીસ્ટને લે રેવેલિયોન દ સેન્ટ-સિલ્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્ચ વાઇન કે શેમ્પેન સાથે ડિનર અને ડાન્સ પાર્ટીનો લ્હાવો કુટુંબ અને મિત્રો સાથે લોકો માણે છે. જોકે પેરિસ વિશ્વનું ફેશન કેપિટલ હોવાથી ટ્રેડિશનલ ફ્રેન્ચ ઉપરાંત અન્ય થીમ સાથેની પાર્ટીનું પણ આયોજન થાય છે. ન્યુ યરના દિવસે પશ્ચિમના દેશોમાં મિસલ ટોની નીચે કિસ કરવાની પ્રથાનું ઉદ્ગમ સ્થાન ફ્રાન્સ છે.

લેપલેન્ડ (ફિનલેન્ડ) :

ફિનલેન્ડમાં આર્કટિક સર્કલ પર આવેલું લેપલેન્ડ 'હોમ ઓફ સાન્તા ક્લોઝ' તરીકે ઓળખવામાં આવે છે. આ જાદુઈ જગ્યાએ ક્રિસમસ અને ન્યુ યરના સમયે બરફવર્ષાનું પ્રમાણ ઘણું હોય છે. ખૂબ જ ઠંડા પ્રદેશમાં સ્કિઇંગ અને સ્નોરેસ જેવા સ્પોર્ટ્સનો લ્હાવો માણી શકાય છે. રેન્ડિયર સ્લે પરની સવારીમાં ઘણા ખ્રિસ્તીઓ માટે ફાધર ક્રિસમસની મુલાકાત એડ્વેન્ચરની હાઇટ ગણી શકાય. આ વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને અત્યંત શાંત વાતાવરણને માણવાથી જે અનેરો આનંદ મળે છે એ આ પ્રદેશની મુલાકાતના અનુભવ બાદ પણ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.

ન્યુયોર્ક :

આખા વર્ષમાં કદાચ ભલે ક્યારેય ટાઇમ્સ સ્ક્વેરનું નામ સાંભળ્યું ન હોય, પણ ૩૧મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ ટાઇમ્સ સ્ક્વેર જેવો માહોલ દુનિયામાં બીજે ક્યાંય નહીં ઊભો થતો હોય. લગભગ દસ લાખ જેટલા લોકો શેરીમાં ઉતરીને નવું વર્ષ તેમની આંખોની સામે આવતા જુએ છે. એક બિલ્ડિંગ પર રહેલા ટાઇમ બોલને અમુક ફીટ નીચે લાવવાની 'ટાઇમ્સ સ્ક્વેર બોલ ડ્રોપ'ની પ્રથા કદાચ વિશ્વના સૌથી પ્રખ્યાત ન્યુ યર સેલિબ્રેશન તરીકે ગણાય છે.

એડિનબરો (સ્કોટલેન્ડ) :

સ્કોટલેન્ડમાં વર્ષના છેલ્લા દિવસને હોગમેનાય તરીકે ઓળખવામાં આવે છે અને આ શબ્દ સ્કોટિશ સેલિબ્રેશનના પર્યાય તરીકે હવે પ્રસ્થાપિત થયો છે. જોકે અહીંયા સેલિબ્રેશન ફક્ત ૩૧મી રાતનું જ નથી હોતું. સવારોસવાર અહીંયા ઉજવણી થાય છે. બીજી જાન્યુઆરીએ સ્કોટલેન્ડમાં બેન્ક હોલિડે હોવાથી અમુક જગ્યાએ તો ૩૧મી રાતથી શરૂ થયેલી ઉજવણી બીજી જાન્યુઆરી સુધી ચાલે છે. અહીં 'ફાયરબોલ સ્વિંગિંગ'ની પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. લોકો જૂના ન્યુઝપેપર કે સૂકા જ્વલનશીલ પદાર્થોને ચિકન વાયરમાં ભરી બોલ બનાવે છે. રાતના બાર વાગ્યાની આસપાસ આ બોલને મશાલમાં સળગાવી માણસો એને માથાની ફરતે ફેરવે છે. એબરડીનના સ્ટોનહેવનમાં આ ઉજવણી થાય છે. ઇવેન્ટ પૂરી થાય ત્યારે પણ જે બોલમાં આગ હોય એને હાર્બર પર અલગ સ્થાન આપવામાં આવે છે.

બ્રાઝિલ :

બ્રાઝિલની મોટા ભાગની વસ્તી ખ્રિસ્તીઓની છે અને કાર્નિવલ્સ આ દેશ વડે જ સૌથી વધુ પ્રખ્યાત છે. નવું વર્ષ પણ દેશની જે ઓળખાણ છે એ રીતે જ જુદા-જુદા રંગના કોસ્ચ્યુમ અને ડેકોરેશન સાથે પ્રાદેશિક ડાન્સ-સંગીત વડે થાય છે. જોકે પ્રેસેપિયો નામની પ્રથા ફક્ત આ દેશમાં જ ઉજવાય છે. શેરીઓ પર દેશનું આ પરંપરાગત સરઘસ નીકળે છે અને હજારો લોકો એમાં જોડાતા હોય છે. જોકે આ પ્રેસેપિયો તો ડિસેમ્બરની શરૂઆતથી ઉજવવાના શરૂ થઈ ગયા હોય છે. ચર્ચ, ઘર કે સ્ટોરમાં એનું આયોજન થાય છે. જોકે જ્યારે શેરીઓમાં એની ઉજવણી થાય ત્યારે પર્યટકો અને નાગરિકો એમાં જોડાય છે.

વેન્કુવર (કેનેડા) :

કેનેડાના પશ્ચિમમાં આવેલા રાજ્ય બ્રિટિશ કોલમ્બિયામાં લોકો હોંશભેર એવી ઉજવણી કરે જેના માટે હિમ્મત અને જુસ્સાની ભારોભાર જરૂર પડે. ઉત્તર ધુ્રવથી ખૂબ જ નજીક હોવાથી અહીંયા તાપમાન ખૂબ જ નીચા હોય છે અને બીચ ધરાવતા શહેરોમાં પણ અમુક સમય દરમિયાન ઠંડીને લીધે દરિયામાં ન્હાવાની હિમ્મત નથી કરતા હોતા. જોકે ન્યુ .યરની આસપાસ અસહ્ય ઠંડું પાણી હોવા છતાં પણ દર વર્ષે 'પોલર બેઅર સ્વિમ્સ' કે 'પોલર બેઅર પ્લન્જિસ' જેવી ઇવેન્ટનું આયોજન થાય છે. બર્ફીલા ઠંડા પાણીમાં પ્રતિયોગીઓ ન્હાવાનો અખતરો કરે છે. વેન્કુવરના પોલર બેઅર સ્વિમ ક્લબમાં દર વર્ષે એકથી બે હજાર પ્રતિયોગીઓ ભાગ લે છે. 'ખતરોં કે ખિલાડી' હોવાનું ગર્વ અનુભવતા લોકો અહીંયા અચૂક રજિસ્ટ્રેશન કરાવતા હોય છે.

બર્લિન :

જર્મનીના પાટનગર બર્લિનનો ઇતિહાસ ઘણો રક્તરંજિત છે. જોકે પૂર્વ અને પશ્ચિમ જર્મની જ્યારે એક થયા ત્યારે બર્લિનની દીવાલને પાડી નાખવામાં આવી હતી એ ઘટનાને નવા વર્ષની આગલી રાતે લોકો ઉજવે છે. શહેરના અનેક રહેવાસી તોડી પડાયેલી બર્લિન વોલના કાટમાળને પાર્ટીનું સ્થળ બનાવે છેે. ભૂતકાળને વાગોળી અને ભવિષ્યને આવકારવાના પ્રતીક સ્વરૂપે લોકો ડ્રિન્ક્સ અને ડાન્સ વડે નવા વર્ષમાં પ્રવેશે છે.

વિયેના (ઓસ્ટ્રિયા) :

વિશ્વના સૌથી ગ્રાન્ડ સેલિબ્રેશનમાંનું એક ઓસ્ટ્રિયાના વિયેનામાં થાય છે. બોલ ડાન્સની સીઝન અહીંયા આ સમય દરમિયાન શરૂ જ થઈ હોય છે. લે ગ્રાન્ડ બોલ નામની ઇવેન્ટ ૩૧મીએ રાત્રે યોજાય છે. રાજવી, ગ્લેમરસ અને ઝાકઝમાળથી ભરેલી આ ઇવેન્ટમાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ સહિત યુરોપના મોટા માથા હાજરી આપે છે. ઓસ્ટ્રિયાનું સ્થાનિક સંગીત અને ક્લાસિકલ ડાન્સ આ ઇવેન્ટનું આકર્ષણ હોય છે. આ જગ્યાએ માણેલી રાત્રિ વાર્તામાં વાંચેલી કે ફિલ્મોમાં જોયેલી ભવ્યતાને યથાર્થ પુરવાર કરે એ પ્રકારની હોય છે.

ઇબિઝા :

સ્પેનના દક્ષિણમાં આવેલો આ નાનકડો ટાપુ બીચ પાર્ટીઓ માટે ખૂબ જ પ્રચલિત થયો છે. એમાં પણ ૩૧મી ડિસેમ્બરની રાત્રે યોજાતી પાર્ટીઓને સત્તાવાર 'વાઇલ્ડેસ્ટ ડાન્સ પાર્ટી' તરીકે ઓળખવામાં આવે છે. એક રાત માટે પોતાના તમામ બંધનો દૂર કરીને ફક્ત એ ક્ષણોને માણવી હોય તો આ સ્થળ સિવાય કોઈ યોગ્ય પસંદગી નથી. આ ટાપુ પર અનેક નાઇટક્લબ્સ આવેલા છે. સામાન્ય કે અમીર વર્ગ બન્ને માટેના ક્લબ્સમાં પાર્ટી માણી શકાય. આ ઉપરાંત યોટ પાર્ટીનું ચલણ પણ અહીંયા એટલું જ પ્રચલિત છે.


Google NewsGoogle News