ફેશન જગતની પ્રસિદ્ધ ઈવેન્ટ મેટ ગાલામાં છવાઈ મૂળ ગુજરાતી મોના પટેલ, બટરફ્લાય લૂકની ચર્ચા
Met Gala 2024: સોશિયલ મીડિયામાં હાલ 'મેટ ગાલા 2024' ચર્ચામાં છે. આ ફેશન જગતની પ્રસિદ્ધ ઈવેન્ટોમાંની એક છે. દર વર્ષે આ શો આયોજન મે મહિનાના પહેલા સોમવારે 'MET MONDAY' તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકો આ ઈવેન્ટમાં આવનારી બોલિવૂડ અભિનેત્રીઓના લુકની રાહ જોઈ રહ્યા હતા જ્યારે કેટલાક લોકો આ કાર્પેટમાં કઈ બિઝનેસ સેલિબ્રિટી જોવા મળશે તે જોવા માટે ઉત્સાહિત હતા. આ વખતે આલિયા ભટ્ટ અને ઈશા અંબાણીની જેમ ગુજરાતની મોના પટેલનો જલવો જોવા મળ્યો હતો. મોના પટેલ વ્હાઈટ કાર્પેટ પર આવતા જ સૌ કોઈ દંગ રહી ગયા હતા. મોના પટેલના લુકમાં એવું તો શું ખાસ હતું કે તેની ચર્ચા થઈ રહી છે અને કોણ છે આ મોના પટેલ ચાલો જાણીએ વિસ્તારમાં......
કોણ છે મોના પટેલ?
ગુજરાતના વડોદરામાં રહેલી મોના પટેલ એક ભારતીય ફેશન એન્ટરપ્રિન્યોર, ઈનવેસ્ટર છે. મોનાએ પોતાનું સપનું પૂરું કરવા માટે દેશ છોડી દીધો હતો અને હવે તે ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓમાંથી એક છે. તેમની સ્ટાઈલ અને ફેશન દરેક કરતા અલગ હોય છે. તેથી જ આ મોટી ઈવેન્ટ્સમાં દરેક લોકો તેના લુકની આતુરતાથી રાહ જોતા હોય છે.
મોના પટેલ મિકેનિકલ બટરફ્લાય આઉટફિટમાં જોવા મળી
ગુજરાતી એન્ટરપ્રિન્યોર મોના પટેલ મેટ ગાલા 2024ના આ ભવ્ય ઈવેન્ટમાં કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટ પહેરવા માટે, તેણી (મોના)એ ઓફ વ્હાઇટ અને ગોલ્ડન રંગનો મિકેનિકલ બટરફ્લાય ડ્રેસ સ્ટાઈલ કર્યો હતો. જેને આઇરિસ વાન હર્પેન (Iris van Herpen) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ આઉટફિટ મેટ ગાલાની આ વર્ષની થીમ સાથે સારી રીતે મેચ થતો હતો. આ ડ્રેસની સૌથી ખાસ વાત કે જેણે દરેકનું દિલ જીતી લીધું તે મોનાના હાથ પરની બટરફ્લાય છે જેને કેસી કુરન (Casey Curran) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બટરફ્લાઈ મશીનની મદદથી ફરતું જોવા મળે છે.
ગાઉનને ફ્લેયર્ડ લુક આપવામાં આવ્યો
ગાઉનને યુનિક લુક આપવા માટે, તેમાં ફ્લેયર્ડ લૉન્ગ ટેલ લગાવવામાં આવી છે, જેનાથી તે પ્રિન્સેસ ગાઉન જેવો દેખાય છે. સાથે જ આગળના ભાગમાં યૂ ડિઝાઇન કટ આપવામાં આવ્યો છે. આ ગાઉન વધુ આકર્ષક લાગે છે. જ્વેલરીમાં, મોનાએ તેના કાનમાં ડાયમંડ સ્ટોનના ઈયરિંગ અને તેના હાથમાં હીરાની વીંટી પહેરી છે. હેરસ્ટાઇલને એક સરળ સ્લીક બન ક્રિએટ કરવામાં આવી છે. મેકઅપને ગ્લોસી ટચ આપવામાં આવ્યો છે. આ રીતે મોનાનો શાનદાર લુક જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોના પટેલ સિવાય અન્ય સેલેબ્સ પણ મેટ ગાલામાં જોવા મળ્યા છે. જેમના દેખાવ પણ ખૂબ જ આકર્ષક અને યૂનિક હતા. આ સિવાય તેમના આઉટફિટ્સ સ્ટાઇલિશ હોવાની સાથે સાથે એકદમ અલગ પણ હતા.
ઇવેન્ટની શરૂઆત કેવી રીતે થઈ?
મેટ ગાલા શો દર વર્ષે ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાય છે. ન્યુયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટને સમર્થન આપવા માટે આ એક ચેરિટેબલ ફેશન શો છે. આ ઈવેન્ટની શરૂઆત 1948માં સોસાયટી મિડનાઈટ સપર તરીકે થઈ હતી. પરંતુ આજે તે આખી દુનિયામાં જાણીતી થઈ ગઈ છે. આ ઈવેન્ટમાં દુનિયાભરના સેલેબ્સ ભાગ લે છે. આ દરમિયાન સેલેબ્સની અનોખી ફેશન પણ જોવા મળે છે.
મેટ ગાલાની થીમ કોણ નક્કી કરે છે?
મેટ ગાલાની દર વર્ષની થીમ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ સાથે સંકળાયેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે. દર વર્ષે તેની પેનલ મીટિંગ થાય છે જેમાં થીમ શું હોવી જોઈએ તે નક્કી કરવામાં આવે છે. જેમ કે આ વર્ષની થીમ સ્લીપિંગ બ્યુટીઝઃ રીવેકનિંગ ફેશન (Sleeping Beauties: Reawakening Fashion) હતી.