મનભરીને ખાઓ આ 5 મીઠી વાનગી, જાણો ખાવાથી થતા લાભ વિશે
અમદાવાદ, 20 જૂન 2019, ગુરુવાર
આપણે ત્યાં મીઠાઈ નાસ્તામાં લેવાની પ્રથા પહેલાથી રહી છે. પરંતુ બદલતી જીવનશૈલીના કારણે લોકોને નાની ઉંમરમાં એટલી સમસ્યાઓ થઈ જાય છે કે તેઓ મીઠી વસ્તુઓ ખાવાથી દૂર રહે છે. ભોજનમાં નમક ન હોય તો ભોજન બેસ્વાદ લાગે છે તેમ ભોજનની થાળીમાં મીઠાઈ ન હોય તો ભોજન અધુરું હોય છે. બદલતી જીવનશૈલી અને તાણના કારણે અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે જેના કારણે આહારમાં ઘણા ફેરફાર કરવા પડે છે.
ભોજનમાંથી ઘી, તેલ અને મીઠાઈને દૂર કરી દેવા પડે છે. આજના સમયમાં નિયમિત રીતે મીઠાઈ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. શરીરને સ્વસ્થ્ય રાખવા માટે દરેક વસ્તુનું સંતુલિત માત્રામાં સેવન કરવું જોઈએ. જો કે મીઠાઈની વાત આવે તો એવી કેટલીક મીઠાઈ છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી. આ મીઠાઈ તમે મનભરીને ખાઈ શકો છો.
માલપુઆ
ઉત્તર ભારતમાં મનતી આ મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે. માલપુઆ આમ તો મેંદાના લોટમાંથી બને છે પરંતુ તેને ઘઉંના લોટમાંથી પણ બનાવી શકાય છે. તેને બનાવી અને ખાંડ અથવા ગોળની ચાસણીમાં રાખવામાં આવે છે જેથી તેમાં મીઠાસ આવે. માલપુઆની અંદર નાળિયેર, એલચી, વરીયાળી જેવી વસ્તુઓ ઉમેરી તેના સ્વાદમાં વધારો કરી શકાય છે.
દૂધીની ખીર
દૂધીની ખીરનું નામ આવે કે લોકોનું મોં બગડી જાય છે. પરંતુ દૂધી શરીરને ઠંડુ રાખે છે. મીઠું ખાવાના શોખીનોએ ડેઝર્ટમાં દૂધની ખીરનો પ્રયોગ કરવો જોઈએ. તેને ખાવાથી મીઠાઈની ખામી પૂરી થશે અને શરીરને લાભ પણ થશે.
ગુલકંદ શેક
ગરમી વધારે હોય ત્યારે કોફી, ચા પીવાને બદલે ગુલકંદ કે મેંગો શેક પીવું જોઈએ. ગલકંદ શેક બનાવો ત્યારે દૂધમાં ઉપરથી ખાંડ ઉમેરવાનું ટાળવું અને માત્ર ગુલકંદની મીઠાસને જ માણવી.
ફિરની
આ મીઠાઈ સ્વાદિષ્ટ અને પોષક પણ હોય છે. તેમાં પીસેલા ચોખાને દૂધમાં ઉકાળી પકાવવામાં આવે છે. તેમાં મીઠાસ માટે ખાંડ અથવા ગોળ ઉમેરી શકાય છે. તેમાં એવા તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્યને લાભ કરે છે.
ફ્રૂટ યોગર્ટ
આ એક પાવર પેક્ડ મીઠાઈ છે. તેને બનાવવા માટે દહીંને મલમલના કપડામાં બાંધી તેનું પાણી કાઢી નાંખવું ત્યારબાદ તેમાં મનપસંદ ફળ ઉમેરી અને તેને ઠંડુ કરી ઉપયોગમાં લેવું. મીઠાસ વધારવા માટે તેમાં મધ પણ ઉમેરી શકાય છે.