International Yoga Day 2021: વર્ક ફ્રૉમ હોમના ટેન્શનને દૂર કરવા માટે કરો આ 3 યોગાસન
નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર
કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરે લોકોને પરેશાન કરી દીધા હતા. જો કે હવે ધીમે ધીમે કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તેમછતાં લોકોના મનમાં ટેન્શનનું વાતાવરણ યથાવત છે. સંક્રમણ ફેલાય નહીં તેના માટે ડૉક્ટર્સ લોકોને વેક્સીન લગાવવા, ટ્રિપલ લેયરનું માસ્ક પહેરવા, હાથને સારી રીતે સેનિટાઇઝ કરવાનું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા માટે કહી રહ્યા છે. ત્યારે લોકોમાં તણાવનું સ્તર ઘણું વધી રહ્યું છે. કોરોનાને લઇને લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં સ્ટ્રેસ લેવલને ઘટાડવું સૌથી જરૂરી બની ગયુ છે.. ઘરની ચાર દીવાલમાં તણાવને ઘટાડવાની સૌથી બેસ્ટ રીત છે યોગ. કેટલાક યોગાસન એવા છે જેનો અભ્યાસ કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટાડી શકાય છે. જાણો, સ્ટ્રેસ લેવલ ઘટાડતા કેટલાક યોગાસન વિશે...
ગરૂડાસન
મગજને એક જગ્યાએ કેન્દ્રિત કરવા અને સ્ટ્રેસ લેવલને ઓછું કરવાથી સૌથી સરળ પદ્ધતિ છે ગરૂડાસનનો અભ્યાસ કરવો. અન્ય શબ્દોમાં ગરૂડાસનને ઇગલ પોઝ કહેવામાં આવે છે. જે લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે તે લોકો માટે આ યોગાસન ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનો અભ્યાસ કરવાથી શરીરનું જકડન દૂર થઇ શકે છે. નિયમિત રીતે તેનો અભ્યાસ કરવાથી મગજને શાંતિ મળે છે.
બદ્ધ કોણાસન
જ્યારે કોઇ વ્યક્તિને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને સામે કોઇ વિકલ્પ ન જોવા મળે તેવી સ્થિતિમાં બદ્ધ કોણાસનનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. બદ્ધ કોણાસનને બટરફ્લાઇ પોઝ અથવા કોબ્લર પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી કમર, ઘુંટણોની નસ ખુલે છે અને મગજનું ધ્યાન કેન્દ્રિત કરવાની ઊર્જા પ્રાપ્ત થાય છે. યોગના આસનમાં તમે ધીમે-ધીમે શ્વાસ અંદર લેતાં રહો અને છોડરા રહેવાથી મન શાંત થાય છે.
સુપ્ત કોણાસન
વર્ક ફ્રૉમ હોમ કરવાને કારણે મોટાભાગના લોકો એક જ જગ્યા પર કલાકો સુધી બેસી રહે છે. સતત એક જ જગ્યા પર બેસવાથી શારીરિક અને માનસિક તણાવ થવા લાગે છે. એવામાં સુપ્ત કોણાસન તમારી ઘણી મદદ કરશે. સુપ્ત કોણાસનાનો અભ્યાસ કરવાથી પગનો દુખાવામાં રાહત મળે છે. આ સાથે જ આ થાકને દૂર કરવામાં પણ સહાયક માનવામાં આવે છે.