જાણો, આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ કેમ મનાવવામાં આવે છે?
- વિશ્વભરમાં દર વર્ષે 4 જૂનના દિવસે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 04 જૂન 2021, શુક્રવાર
આપણી આસપાસ કેટલીય ઘટનાઓ બનતી હોય છે પરંતુ તેમછતાં આપણે અમુક બાબતોથી અજાણ હોઇએ છીએ. નાની અમથી કોઇ બાબત અથવા મુશ્કેલી ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. બાળકો સાથે પણ ક્યારેક અજાણતા તો ક્યારેક જાણી જોઇને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જે તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે. આ પીડાઓને ધ્યાનમાં રાખતા દર વર્ષે 4 જૂનના દિવસને આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Innocent Children Victims of Aggression)તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો હેતુ બાળકો વિશે જાગરૂકતા વધારવાનો છે જે પીડિત છે, શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણનો શિકાર થયા છે.
આ દિવસ મનાવવા પાછળનું કારણ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 19 ઑગષ્ટ, 1982ના રોજ દર વર્ષે 4 જૂનના દિવસે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીજે મનાવવાનું જાહેર કર્યુ હતું,. આ દિવસની શરૂઆત 19 ઓગસ્ટ 1982ના રોજ થઇ હતી, જ્યારે ઇઝરાયેલની હિંસામાં પેલેસ્ટાઇન અને લેબનાનના બાળકો હિંસાનો શિકાર બન્યા હતા જેના કારણે અને પેલેસ્ટાઇને સંયુક્ત રાષ્ટ્રને આ સંદર્ભે પગલાં લેવા વિનંતી કરી હતી. આ હિંસાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 જૂનને ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન ઓફ એગ્રેશન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસનો હેતુ આક્રમણનો ભોગ બનેલા બાળકોને યૌન હિંસા, અપહરણથી બચાવવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્ધતાની ખાતરી કરે છે. સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકોની સલામતીમાં સુધારો લાવવાનો આ એક મોટો પ્રયાસ હતો.
બાળકોને તમામ પ્રકારની હિંસાથી બચાવવા માટે કડક નિયમો લાગુ કરવા પડશે
વર્ષ 1997માં મહાસભાએ બાળ અધિકારો પર 51/77 નો પ્રસ્તાવ સ્વીકાર્યો. જેમાં બાળ અધિકાર અને તેના વૈકલ્પિક પ્રોટોકોલના સંમેલન અને બાળ સંકલ્પોના વાર્ષિક અધિકારો સામેલ છે. તાજેતરના વર્ષોમાં કેટલાય સંઘર્ષ ક્ષેત્રોમાં બાળકો સામે હિંસા થવાની ઘટનામાં વધારો થયો છે. ઘર્ષણોથી પ્રભાવિત દેશ અને વિસ્તારમાં રહેતાં 250 મિલિયન બાળકોની સુરક્ષા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય માનવીય અને માનવ અધિકાર કાયદાને પ્રોત્સાહન આપવા માટે, બાળકોના અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદારીની ખાતરી કરવા માટે અને હિંસાથી બાળકોને બચાવવા માટે વધારે પ્રયત્નો કરવા જોઇએ.
બાળકો સામે થતી હિંસા
- વિશ્વભરમાં 1 અબજથી વધારે બાળકોને અસર કરે છે
- વિશ્વના 50 ટકા બાળકો દર વર્ષે હિંસાનો અનુભવ કરે છે.
- દર 5 મિનિટે વિશ્વમાં ક્યાંકને ક્યાંક એક બાળકનું હિંસાને કારણે મૃત્યુ થાય છે.
- 18 વર્ષની ઉંમર પહેલા 10માંથી એક બાળકનું યૌન શોષણ કરવામાં આવે છે.
- કોઇ પણ બાળક ઑનલાઇન હિંસાનો ભોગ બની શકે છે.
- વિશ્વભરમાં 246 મિલિયન બાળક દર વર્ષે શાળા સંબંધિત હિંસાનો ભોગ બને છે.
- દર ત્રણમાંથી એક વિદ્યાર્થીને તેમના સાથીઓ દ્વારા ધમકાવવામાં આવે છે અને દસમાંથી ઓછામાં ઓછું 1 બાળક સાઇબરબુલિંગનો શિકાર બને છે. (સંયુક્ત રાષ્ટ્રમ 2019ના એક રિપોર્ટ અનુસાર)
- 10માંથી 9 બાળકો એવા દેશોમાં રહે છે જ્યાં શારીરિક દંડ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી, 732 મિલિયન બાળકોને કાયદાકીય સંરક્ષણ વગર છોડી દેવામાં આવ્યા છે.
ભારતમાં બાળ સંરક્ષણ માટેના નિયમ
ભારતમાં પણ છેલ્લા કેટલાય વર્ષોમાં બાળ હિંસા અટકાવવા માટે કેટલાય કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સુઅલ ઑફ્ફેન્સેસ એક્ટ - પોક્સો એક્ટ અમલી કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ અલગ-અલગ ગુન્હામાં અલગ-અલગ સજાની જોગવાઓ છે. આ ઉપરાંત બાળ યૌન અપરાધ સંરક્ષણ નિયમ, 2020 જાગરૂકતા અને ક્ષમતા નિર્માણ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોને બાળકો માટે શૈક્ષણિક સામગ્રી અને પાઠ્યક્રમ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. બાળ યૌન અપરાધ સંરક્ષણ અધિનિયમમાં બાળકો સાથે થતી યૌન હિંસાને પણ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનામાં બાળકોને દરેક સ્તરે કઇ જરૂરી સહાયતા પૂરી પાડવાની છે તે પણ વિસ્તારથી આપવામાં આવ્યું છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલ જોગવાઇઓને પણ કઠોર કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 2030નો એજેન્ડા
આંતરરાષ્ટ્રીય સમુદાયે સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી 17 સતત વિકાસ લક્ષ્યોની ઐતિહાસિક યોજના શરૂ કરી છે જેનો હેતુ વર્ષ 2030 સુધી વધારે સંપન્ન, વધારે સમતાવાદી અને વધારે સંરક્ષિત વિશ્વનું નિર્માણ કરવાનો છે. નવા એજન્ડામાં પ્રથમ વખત બાળકો સામેની હિંસાના તમામ સ્વરૂપોને સમાપ્ત કરવા માટે એક વિશિષ્ટ લક્ષ્ય સામેલ છે, અને બાળકો સાથેનું ગેરવર્તન, અવગણના અને શોષણને સમાપ્ત કરવા માટે કેટલાય અન્ય હિંસા સંબંધિત લક્ષ્યોને મુખ્ય વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે.