સમયનો વેડફાટ કેવી રીતે અટકાવવો? ટાઈમ મેનેજમેન્ટની આ ટિપ્સ દરેક કાર્ય કરી દેશે સરળ
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 માર્ચ 2024 શનિવાર
સફળતા મેળવવા માટે લોકો રાત દિવસ આકરી મહેનત કરે છે. લક્ષ્ય પ્રાપ્તિ પ્રત્યે સતત પ્રયત્ન કરતા રહેવાથી સફળતા ટૂંક સમયમાં પ્રાપ્ત થાય છે. સફળતા પ્રાપ્ત કરવાના માર્ગમાં આપણી ઘણી ટેવો અવરોધરૂપ બની જાય છે. જેમાંથી એક છે સમયની બરબાદી. સમયનો યોગ્ય રીતે ઉપયોગ ન કરનાર લોકો ઘણીવખત બરબાદ થઈ જાય છે. ટાઈમ મેનેજમેન્ટ એક કળા છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઝડપથી સફળતા મેળવી શકાય છે. જીવનમાં આગળ રહેવા માટે સમયનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.
સમયનો વેડફાટ આ રીતે અટકાવો
કોઈપણ આયોજન વિના કામ કરવુ સમયની ખૂબ મોટી બરબાદી છે. આયોજન બનાવીને કામ કરવાથી સમયની બરબાદી બચી જાય છે. આ માટે એક અઠવાડિયુ, મહિનો કે આખા વર્ષનું આયોજન બનાવો અને તેના આધારે પોતાના નાના-નાના લક્ષ્ય નક્કી કરો. તેનાથી તમને યાદ રહેશે કે તમારે કોઈ કાર્યને ક્યારે પૂરુ કરવાનું છે.
તમારા કાર્યને પ્રાથમિકતાઓને આધારે વહેંચવાની આદત પાડો. પ્રાથમિકતાઓના આધારે કાર્ય કરવાથી તમે પોતાના સૌથી જરૂરી કાર્યને પહેલા કરી લો છો. તેનાથી તમારો સમય અને મહેનત બંને બચી જાય છે. પોતાની પ્રાથમિકતાઓની નિયમિતરીતે સમીક્ષા કરતા રહો. પ્રાથમિકતાઓના આધારે કામ કરવાથી તમે ફાલતુ કાર્ય કરવાથી બચી જાવ છો.
કોઈ પણ કાર્યને કરવા માટે વધુ સમય ના લો. પોતાના કાર્યને પુરુ કરવાની એક મર્યાદા નક્કી કરો અને તેને તે નક્કી સમયમાં જ પુરુ કરવાનો પ્રયત્ન કરો. તેનાથી કાર્ય સમયસર પુરુ થાય છે અને તમે સમયની બરબાદી કરવાથી બચી જાવ છો.
સવારે ઉઠીને સૌથી પહેલા પોતાના કાર્યોની એક યાદી બનાવો અને તે અનુસાર જ કામ કરો. લિસ્ટ બનાવીને કામ કરવાથી કામ જલ્દી અને સારી રીતે પૂરુ થઈ જાય છે. તેનાથી તમે એક કાર્યને ઝડપથી પૂરુ કરીને બીજુ કામ શરૂ કરી શકો છો. તેનાથી તમારુ લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત થવાની શક્યતા જ વધી જાય છે.
સેલ્ફ કેરની ટેવ પાડો. આ માટે પોતાના આરોગ્યનું ધ્યાન રાખો. સમયસર ઉઠો, નિયમિતરીતે એક્સરસાઈઝ કરો, સારુ ભોજન જમો અને પૂરતી ઊંઘ લો. સમયસર કામથી બ્રેક પણ લેતા રહો. તેનાથી તમારી એનર્જી જળવાઈ રહેશે અને પોતાના નક્કી સમય પર નક્કી કામ કરી શકશો.