Healthy Bones: વધતી ઉંમર સાથે હાડકાં અને સાંધાઓની મજબૂતાઈ કેવી રીતે જાળવવી જોઈએ?
નવી મુંબઇ,તા. 27 જાન્યુઆરી
2024,શનિવાર
વધતી જતી ઉંમર સાથે આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ખાસ કરીને માણસની શક્તિ અને તાકાતમાં ઘણી નબળાઈ આવે છે. હાડકા અને સાંધા નબળા પડવા તેમાં મોખરે હોય છે. હાડકાની ઘનતા ઘટતા ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધે છે, જે હાડકાંને પાતળા બનાવે છે અને ફ્રેક્ચરની શક્યતા વધારે છે. પરંતુ આપ ગભરાશો નહીં! કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ અપનાવીને તમારા હાડકાં અને સાંધાને સ્વસ્થ અને મજબૂત રાખી શકો છો. તો આવો આજે આ લેખમાં જાણીએ આ સરળ ટિપ્સ...
તમારી લાઈફસ્ટાઈલમાં નીચે દર્શાવેલ નાના-મોટા ફેરફારો અપનાવીને તમે વૃદ્ધાવસ્થામાં પણ તમારા હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવી શકો છો અને યાદ રાખો કે જેટલું તમારૂં શરીર મજબૂત હશે તેટલું જ તમે સ્વ-નિર્ભર રહેશો અને તમારા જીવનની દરેક ક્ષણને કોઈપણ સમસ્યા વિના હસતાં-હસતાં જીવી શકો.
કેલ્શિયમ અને વિટામિન Dની યોગ્ય માત્રા :
કેલ્શિયમ અને વિટામિન ડી હાડકા માટે ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે વિટામિન ડી શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. ડેરી પ્રોડક્ટો, લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને સોયા પ્રોડક્ટો કેલ્શિયમના સારા સ્ત્રોત છે. તે જ સમયે વિટામિન ડી માટે તમારે સૂર્યપ્રકાશના સંપર્કમાં સતત રહેવું જોઈએ અથવા યોગ્ય માત્રામાં જરૂર પુરતા સપ્લીમેન્ટ લેવા જોઈએ.
નિયમિત કસરત :
હાડકાં અને સાંધાઓ માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૉકિંગ, સ્વિમિંગ, જોગિંગ અથવા યોગ હાડકાની ઘનતામાં વધારો કરે છે અને સાંધાઓની લવચીકતા જાળવી રાખે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ કસરત કરો.
તંદુરસ્ત વજન જાળવો :
વધારે વજન હોવાને કારણે સાંધા પર વધારાનું દબાણ પડે છે, જેનાથી દુખાવો અને સોજો આવી શકે છે. તંદુરસ્ત વજન તમારા હાડકાં અને સાંધા બંને માટે ફાયદાકારક છે. તમારૂં યોગ્ય વજન કેટલું હોવું જોઈએ તે વિશે તમારા ડૉક્ટરની સલાહ લો અને તે મુજબ ડાયેટ પ્લાન બનાવો.
ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો :
ધૂમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલના સેવનથી હાડકાની તાકાત પર ખરાબ અસર પડે છે. આ આદતો હાડકાની ઘનતા ઘટાડે છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધારે છે. તેથી આ વ્યસનોથી દૂર રહો એ જ હાડકાં અને સાંધાઓ માટે શ્રેષ્ઠ ઉપહાર હશે.
પૂરતી ઊંઘ લો :
સારી ઊંઘ તમારા હાડકાં અને સાંધાઓ સહિત તમારા આખા શરીર માટે ફાયદાકારક છે. ઊંઘ દરમિયાન શરીર હાડકાની પેશીઓનું સમારકામ કરે છે. તેથી દરરોજ રાત્રે 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો.