શું તમે પેકેજ્ડ લોટનો કરો છો ઉપયોગ? તો જાણી લો તેના ગેરફાયદા
નવી મુંબઇ,તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર
ભારતમાં હવે તૈયાર લોટનું ચલણ વધી રહ્યું છે. એક સમય હતો જ્યાં ગામડા અને શહેરો બંને જગ્યાએ બારામાસી ઘઉં સહિતનું અનાજ-કઠોળ લોકો ઘરમાં ભરતા હતા પરંતુ હવે આધુનિક જગતની ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને તૈયાર ફૂડ કે ફૂડ પ્રોડક્ટની માંગ વધતી જ જઈ રહી છે. શહેરોમાં રહેતા લોકો હવે પેકેટ લોટનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ શું તમે જાણો છો કે પેકેટના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી આપણા શરીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક પ્રકારના નુકસાન થાય છે.
પેકેજ્ડ લોટના ગેરફાયદા :
વિદેશી ધરતીની માફક જ હવે ભારતના શહેરી વિસ્તારોમાં રહેતા લોકો તૈયાર પેકેટ લોટનો ઉપયોગ કરે છે પરંતુ સ્વાસ્થ્યને નુકસાનીની સાથે તે માનવ શરીરમાં સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનો પગપેસારો કરાવે છે. તો હવે સીધો સવાલ થાય કે કયો અને કેવો લોટ ખાવો જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય.
મેટ્રો શહેરોમાં રહેતા ઝડપી અને ઓછો સમય હોવાના દંભવાળી જીવનશૈલી સાથે જીવે છે તેથી તેઓ પેકેટ લોટનો વધુ ઉપયોગ કરે છે કે અમારી પાસે ઘઉં લેવા, તેને ઘરે કે બહાર દળાવવા માટે સમય નથી પરંતુ ખરી હકીકત એ છે કે અને તમને જાણીને આશ્ચર્યની થશે કે આ તૈયાર લોટની રોટલી વધારે ખાવ તો તે જ તાકાત માટે ખાવામાં આવતો આહાર તમને ધીરે-ધીરે બીમાર કરી શકે છે.
અનેક હેલ્થ એક્સપર્ટનો મત છે અને અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે તમે જે પ્રકારના પીસેલા અનાજ ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. બજારમાં મળતા લોટમાં અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. આ એડ-ઓન્સ અનાજમાંથી મળતા પોષક તત્વોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે.
બજારમાં મળતો લોટ એટલો ઝીણો-ઝીણો હોય છે કે તેમાંથી લગભગ તમામ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. આ લોટમાં જરાય ફાઈબર નથી હોતું. આવી સ્થિતિમાં પેકેજ્ડ રોટલી પચવી શરીર માટે ખૂબ મુશ્કેલ બને છે. લોટને સફેદ બનાવવા અને સારા દેખાવા માટે તેમાં નબળી ક્વોલિટીના ચોખાનો લોટ ઉમેરવામાં આવે છે. આટલું જ નહિ લોટ જલદી ન બગડે તેના માટે તેમાં કેમિકલ પણ ઉમેરવામાં આવે છે. પેકેજ્ડ લોટ ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે.
સરળ શબ્દોમાં વિકલ્પ કે આ સમસ્યાનું સમાધાન કહીએ તો તમારે તમારી હેલ્થ સાચવવા માટે સમયાંતરે લોટ બદલતા રહેવું જોઈએ. સાદા લોટને બદલે તમે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરી શકો છો. ધ્યાને રાખવા જેવી વાત એ છે કે શક્ય હોય ત્યાં સુધી પેકેટ બંધ લોટનો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમે દળણામાંથી કે મિલમાંથી લોટ લો છો તો વધુ સારી બાબત છે. આ સિવાય જે લોટમાં વધુ બ્રાન(ચોકર) હોય છે તે પેટ અને પાચન બંને માટે ખૂબ સારા છે. ફાઈબરથી ભરપૂર લોટ ખાવાથી સ્થૂળતા નિયંત્રણમાં રહે છે. ઘરે જ કે નજીકની ફ્લોર ફેક્ટરી, મિલ કે ઘંટીમાં લોટ દળાવવા જાવ તો ઘઉંના લોટમાં મકાઈ, જુવાર, રાગી, સોયાબીન અને ચણા મિક્સ કરીને પીસાવી દો. આ લોટ તમારા તમારા પેટ અને હેલ્થ માટે એકદમ બેસ્ટ રહેશે.