Pregnancyમાં વાળની સમસ્યા સામાન્ય વાત છે, જાણો હેરકેરના ઘરેલૂ નૂસ્ખા વિશે..
- ગર્ભાવસ્થામાં હૉર્મોન્સ ચેન્જના કારણે કેટલાય શારીરિક ફેરફાર થતા હોય છે
નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
એક મહિલાના જીવનમાં ગર્ભાવસ્થાનો સમય કેટલાય પ્રકારના અનુભવથી ભરેલો હોય છે. શારીરિક ફેરફારની સાથે જ મા બનનાર મહિલા કેટલાય પ્રકારના ભાવાનાત્મક ફેરફારોમાંથી પસાર થતી હોય છે. પ્રેગનેન્સીમાં ત્વચા અને વાળ સંબંધિત કેટલીય સમસ્યાઓ થવી ખૂબ જ સામાન્ય વાત છે.
પ્રેગનેન્સીમાં થાય છે વાળ સંબંધિત કેટલીક સમસ્યાઓ
પ્રેગનેન્સી દરમિયાન હૉર્મોન્સના ઉતાર-ચઢાવ અને ફેરફારને કારણે વાળની પ્રાકૃતિક સાઇકલ બગડી જાય છે. તેના કારણે વાળ કેટલીયવાર શુષ્ક બની જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક મહિલાઓના વાળ ભરાવદાર થવા લાગે છે તો કેટલાકનું આખુ ટેક્સચર જ બદલાઇ જાય છે. હકીકતમાં ગર્ભાવસ્થાના હૉર્મોન હેર ફૉલિકલ્સનો આકાર બદલી નાંખે છે. જીવનના આ પડાવમાં પોતાની ત્વચા અથવા વાળ પર કંઇ પણ લગાવતા પહેલા તે વાતનું ધ્યાન રાખો કે તે કેમિકલ તમારા લોહીમાં પ્રવેશ કરીને બાળકને અસર કરી શકે છે. ડર્મટો સર્જન અને કૉસ્મેટિક ડર્મટોલિજિસ્ટ અનુસાર જાણો કે પ્રેગનેન્સી દરમિયાન કેવું હેર કેર રૂટીન અજમાવવું જોઇએ?
પ્રેગનેન્સી હેર કેર
દરેક ગર્ભવતી મહિલાઓએ પોતાના વાળનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તેની ઉપર કોઇ કેમિકલ લગાવવાથી અથવા કેમિકલ ટ્રીટમેન્ટ લેવાનું ટાળો. વાળના પ્રાકૃતિક ટેક્સચરને જાળવી રાખવા અને તેનું ખાસ ધ્યાન રાખવા માટે આ હેર કેર ટિપ્સ અજમાવી શકો છો.
1. પ્રેગનેન્સી દરમિયાન હેર સ્ટાઇલિંગને રોકી દો. તેનો અર્થ છે કે આ દરમિયાન વાળ પર ડાઇ લગાવવી, હાઇલાઇટ કરવી અને પર્મિંગ કરવાનું ટાળવું જોઇએ. વાળને કોઇ કેમિકલ પ્રક્રિયાથી સ્ટ્રેટ પણ ન કરાવશો. તમારા વાળ જેવા છે તેને તેવા જ રહેવા દો.
2. પોતાના વાળ અથવા માથાની ત્વચા પર કોઇ પણ કેમિકલ ન લગાવશો. ડિલીવરી પછી પણ થોડાક સમય સુધી આ પ્રકારની હેર ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળવું જોઇએ.
3. જો કોઇ હેર ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ જરૂરી છે તો વાળના ટિપ્સ પર હાઇલાઇટિંગ કરાવી લો અથવા પ્રાકૃતિક રીતે ડાઇ પણ કરી શકો છો.
4. શેમ્પૂ અને કન્ડીશનિંગના નિયમિત હેર કેર રૂટીનને યથાવત રાખી શકાય છે. જો કે, પોતાના ડૉક્ટર્સ પાસેથી શેમ્પૂના ઉપયોગ સંબંધિત મુદ્દાઓ પર સલાહ પણ લઇ શકો છો.
5. ભીનાં વાળને ઓળશો નહીં.
6. કોઇ પણ ટાઇટ હેર સ્ટાઇલ ન બનાવશો. વાળને ઢીલા જ બાંધો.
7. પોતાના વાળને નિયમિત રીતે સાફ કરો, ખાસ કરીને જો તમારા વાળનું ટેક્સચર ઑઇલી છે તો તેને સાફ રાખો.
હેરકેર માટે અજમાવો ઘરેલૂ નુસ્ખા
ગર્ભાવસ્થામાં કેમિકલ યુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાની જગ્યાએ વધારેમાં વધારે ઘરેલૂ નુસ્ખા જ અજમાવો. તમે આ ઘરેલૂ નુસ્ખાની મદદથી તમારા વાળનું ખાસ ધ્યાન રાખી શકો છો.
1. 4-5 ટેબલસ્પૂન એલોવેરા જેલમાં 2 ટેબલસ્પૂન એરંડાનું તેલ એટલે કે કેસ્ટર ઓઈલ અને 1 ટેબલસ્પૂન ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને પોતાના માથાથી લઇને વાળનાં ટિપ્સ સુધી લગાઓ અને 1 કલાક પછી શેમ્પૂ કરી લો. તેનાથી તમારા વાળ મજબૂત બનશે અને તેની ચમક પણ વધશે.
2. મેથીના થોડાક દાણા આખી રાત પાણીમાં પલાળીને રાખો. તેની પેસ્ટ બનાવીને વાળ પર લગાવો. સામાન્ય રીતે વાળ ધોઇ નાંખો. તેનાથી હેર ગ્રોથ વધશે અને માથમાં પણ ઠંડક રહેશે.
3. કેટલાક મીઠા લીમડાંનાં પાંદડાને નારિયેળના તેલમાં ઉકાળીને ઠંડાં કરી લો. વાળને શેમ્પૂ કરવાથી 1-3 કલાક પહેલા આ મિશ્રણને વાળમાં લગાવો.
4. તલના તેલમાં પોતાના પસંદગીના એસેન્શિયલ ઑઇલના 1-2 ટીપાં નાંખો. વાળ પર શેમ્પૂ કરતા પહેલા આ મિશ્રણથી વાળની મસાજ કરો. અલગ-અલગ એસેન્શિયલ ઓઇલ્સના પોતાના ફાયદા છે. લવેન્ડરથી વાળને લાંબા કરી શકાય છે, રોઝમેરીથી વાળ ઘટાદાર થાય છે અને દેવદારના લાકડાના તેલથી વાળ ખરવાની સમસ્યા ઘટાડી શકાય છે.
પ્રેગનેન્સી દરમિયાન મનને શાંત રાખો, કોઇ પણ પ્રકારનો તણાવ ન લેશો અને જીવનના દરેક નાના-મોટા ફેરફારને એન્જોય કરો. એક નિયમિત અને સ્વસ્થ દિનચર્યા અજમાવવાથી તમે ડિલીવરી પછી પણ સારુ ફીલ કરશો અને તમને પોતાના નોર્મલ કરવામાં વધુ મહેનત કરવી પડશે નહીં.