Health Tips: શિયાળામાં ઓછો સૂર્યપ્રકાશ નીકળે છે તો Vitamin Dની ઉણપ કેવી રીતે પૂરી કરવી ?
Image: Freepik
નવી દિલ્હી,તા. 5 જાન્યુઆરી 2024, શુક્રવાર
વિટામિન ડી માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં આ વિટામિનની ઉણપથી ઘણી આડઅસર થઈ શકે છે. શરીરને યોગ્ય રીતે કામકાજ કરતું રાખવા માટે ઘણા મિનરલ્સ સહિત વિટામિન અને પ્રોટીનની પૂરતી માત્રા જરૂરી છે. આમાંના કેટલાક પોષક તત્વો ખોરાક દ્વારા અને કેટલાક પર્યાવરણમાંથી અથવા પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી શરીરને મળે છે. તેમાંથી જ એક Vitamin D છે. આ ખૂબ જ જરૂરી પોષક તત્વ છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. જોકે શિયાળામાં ઓછા સૂર્યપ્રકાશને કારણે શરીરને વિટામિન ડીની પૂરતી માત્રા મળતી નથી. આવી સ્થિતિમાં આવો જાણીએ કે કેવી રીતે સૂર્યપ્રકાશ સિવાયપણ વિટામિન ડીની ઉણપને પૂરી કરી શકાય છે.
Vitamin D કેટલું મહત્વનું ?
વિટામિન ડી શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. વિટામિન ડી3નું મહત્તમ ઉત્પાદન સૂર્યના કિરણોમાંથી થાય છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો શરીરના 25% ભાગને 8 થી 10 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો વિટામિન ડીની ઉણપ દૂર થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ આસાનીથી મળી રહે છે પરંતુ શિયાળામાં અનેક દિવસો સુધી સૂર્યપ્રકાશ ન હોય ત્યારે સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં વિટામિન ડીની ઉણપને અમુક આહાર દ્વારા પૂરી કરી શકાય છે.
કયા આહાર Vitamin Dની ઉણપને પૂરી કરી શકે ?
માછલી-ઈંડા :
અમુક પ્રકારની માછલીઓમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તેમને ખાવાથી વિટામિન ડીની જરૂરિયાતો પૂરી કરી શકાય છે. માછલી ઉપરાંત ઇંડાની જરદીમાં વિટામિન ડી જોવા મળે છે. ઇંડાની જરદી એ પ્રોટીન અને વિટામિન્સ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો સાથે વિટામિન ડીનો મોટો સ્ત્રોત છે. શિયાળામાં તેને ખાવાથી વિટામિન ડી મળી શકે છે.
મશરૂમ :
શાકાહારી લોકો વિટામિન ડીનો પુરવઠો મેળવવા માટે મશરૂમનું સેવન કરી શકે છે. મશરૂમમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં સેલેનિયમ, વિટામિન સી અને ફોલેટ મળી શકે છે. 100 ગ્રામ મશરૂમમાં જ 7IU વિટામિન ડી જોવા મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.
ફળો-શાકભાજી :
નારંગી અને કેળામાં વિટામિન ડી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત પાલક, કોબી, સોયાબીન, કઠોળ અને અમુક પ્રકારના ડ્રાયફ્રુટ્સ દ્વારા પણ આ વિટામિન-ડીની ઉણપને દૂર કરી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શિયાળામાં શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળતા રહે છે.