આગની જેમ વરસતી ગરમીમાં શરીરને હાઈડ્રેટેડ રાખવા પાંચ સ્વાદિષ્ટ શરબત કરશે મદદ
Image:Freepik
અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરમાં સૂર્યનારાયણ દેવ આકરો પ્રકોપ વરસાવી રહ્યાં છે. પર્યાવરણનું જતન ન કરતી માનવજાતને કુદરત આ ગરમીરૂપે સંકેત આપીને ચેતવી રહી છે પરંતુ આપણે હજી પણ ગ્રીન એન્વાયરમેન્ટ તરફ નથી વળી રહ્યાં અને રોજબરોજ હજારો લોકો ગરમી-આકરા તાપને કારણે મૂર્છિત થાય છે અને અમુક તો જીવ પણ ગુમાવી રહ્યાં છે. આ 45 ડિગ્રી આસપાસના પારાને તો એકાએક કાબૂ કરી શકતા નથી પરંતુ આપણા શરીરને આ પડકાર સામે લડવા માટે અને અંદરથી મજબૂત બનાવવા ખાન-પાનમાં તકેદારી રાખી શકીએ છીએ.
આ કાળઝાળ ગરમીમાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો દરેકને પરેશાન કરી રહ્યા છે. આવા આકરા તાપમાનમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુ ને વધુ પાણી પીવું એ જ એક શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ માત્ર પાણી પીને પણ કંટાળો આવવા લાગે છે.
પાણીને બદલે, તમે ઉનાળામાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ શરબતનો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો. આજે અમે તમને ઉનાળાની ગરમીથી બચાવવાની સાથે સ્વસ્થ પણ રાખે તેવા 5 સ્વાદિષ્ટ શરબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
1. આમ પન્ના :
આમ પન્ના એટલેકે કેરી પન્ના સૌથી લોકપ્રિય અને ફાયદાકારક શરબત છે. કેરીમાં વિટામિન C અને A ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આમ પન્ના બનાવવા માટે કાચી કેરીને છોલીને તેનો પલ્પ કાઢીને ફુદીનાના પાન સાથે પીસી લો. આ પેસ્ટને ખાંડ અને પાણીમાં મિક્સ કરીને ગાળી લો. આ શરબતને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થોડું કાળું મીઠું પણ ઉમેરી શકો છો.
2. કાકડીનો રસ :
કાકડીમાં 90% પાણી હોય છે, જે તેને ઉનાળામાં એક ઉત્તમ હાઇડ્રેટિંગ પીણું બનાવે છે. કાકડીનું શરબત શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે કાકડીને છોલીને તેના ટુકડા કરી લો. આ ટુકડાને ફુદીનાના પાન, લીંબુના રસ અને ખાંડ સાથે પીસી લો. ત્યારબાદ તેને ગાળી લો અને ઠંડુગાર કરીને પી લો.
3. તરબૂચનું શરબત :
તરબૂચ પણ ઉનાળાનું મનપસંદ ફળ છે. આ ફળમાં 92% પાણી હોય છે. તરબૂચનું શરબત શરીરને ઠંડુ રાખવામાં અને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. આ હેલ્થી એનર્જી ડ્રિંક બનાવવા માટે તરબૂચના પલ્પને ફુદીનાના પાન, લીંબુના રસ અને ખાંડ સાથે પીસી લો. બાદમાં તેને ગાળીને ઠંડુ કરીને પી લો.
4. જલજીરા :
જલજીરા એ પરંપરાગત ભારતીય પીણું છે. તે યોગ્ય પાચનશક્તિ જાળવવામાં અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ પીણું બનાવવા માટે જીરું, ફુદીનાના પાન, કોથમીર કે ફુદીનો, આદુનો ટુકડો અને થોડો ગોળ નાખીને પાણીમાં ઉકાળો. તેને ગાળીને ઠંડુ કરીને પી લો. આ સિવાય વધુ ખટમીઠું અને તેજ બનાવવા તેમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો.
5. છાશ :
છાશ-આ માત્ર નામ સાંભળીને જ સંતોષ વળે છે. છાશને તો ગુજરાતનું દેશી પાણી કે દેશી પીણું પણ કહી શકીએ છીએ. છાશ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ પ્રોબાયોટીક્સ પાચન પ્રક્રિયાને મજબૂત રાખે છે અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે બજારમાંથી હવે તો અવનવા અંદાજમાં આવતી મીઠી અથવા નમકીન છાશ ખરીદી શકો છો અથવા તમે દહીંને મસળીને ઘરે છાશ બનાવી તેમાં મીઠું અને ધાણાજીરૂં પાવડર ઉમેરીને ગરમીમાં ઠંકકનો અનેરો આનંદ માણી શકો છો.