તમને સતત થાક લાગે છે? તો શરીરમાં 3 વિટામિનની હોય શકે છે ઉણપ, જાણો કયા કયા
Vitamin Deficiency Causes Fatigue: શરીરને સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો અને વિટામિન્સની જરૂર હોય છે. જો શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ હોય, તો સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે. અહીં કેટલાક એવા વિટામિન્સનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેની ઉણપથી થાક લાગે છે. જો તમને પણ સતત થાક લાગે છે, થોડું કામ કર્યા પછી પણ જો તમે થાકી જાઓ છો અને ફક્ત સૂવાનું જ મન થાય છે. તો બની શકે છે કે તમે આ 3 વિટામિન્સની ઉણપથી પીડાઈ રહ્યા છો. જાણીએ એ વિટામિન વિશે.
વિટામિન B12
વિટામિન B12 એ એક વિટામિન છે જે શરીરમાં રેડ બ્લડસેલ અને DNAના પ્રોડક્શન માટે જરૂરી છે. આ વિટામિનને કારણે જ શરીરની નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. પરંતુ, જ્યારે શરીર દ્વારા વિટામિન B12ની ઉણપ આવે છે ત્યારે ખૂબ જ થાક લાગે છે. શરીરમાં નબળાઈ લાગે છે. B12ની જરૂરિયાત પૂરી કરવા માટે, તમારા આહારમાં વિટામિન B12થી ભરપૂર ખોરાક, જેમ કે દૂધ, દહીંનો સમાવેશ કરો. જો જરૂર પડે તો, તમે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ પણ લઈ શકો છો.
વિટામિન C
વિટામિન સીની ઉણપ પણ થાકનું કારણ બને છે. જ્યારે શરીરમાં વિટામિન Cની ઉણપ હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે. વિટામિન Cની ઉણપને કારણે, વ્યક્તિને નબળાઈને કારણે ચક્કર આવવા લાગે છે. આ વિટામિનની ઉણપથી બચવા માટે નારંગી, જામફળ, અનાનસ, પપૈયા, સ્ટ્રોબેરી, તરબૂચ અને કેરીનો આહારમાં સમાવેશ કરી શકાય છે.
આ પણ વાંચો: ભારતીય પુરુષોમાં ઝડપથી 'ટાલિયા' થવાની સમસ્યા વધી! અપનાવો આ ઉપાય
વિટામિન D
વિટામિન Dને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે. આ વિટામિનની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે અને શરીર કેલ્શિયમને યોગ્ય રીતે શોષી શકતું નથી. વિટામિન D મુખ્યત્ત્વે સૂર્ય કિરણોમાંથી મળે છે, તેથી પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ લઈને વિટામિન D મેળવી શકાય છે. આ ઉપરાંત, આહારમાં મશરૂમ અને દૂધનો સમાવેશ કરીને વિટામિન D મેળવી શકાય છે.
Disclaimer: આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.