દુનિયાની આ જમીન પર કોઈ દેશનો કબજો નથી, ગમે તે વ્યક્તિ ત્યાં જઈને બની શકે વડાપ્રધાન
Bir Tawil Land History : વિશ્વભરના ઘણા દેશો વચ્ચે જમીનને લઈ અવારનવાર વિવાદ જોવા મળતા હોય છે. હાલના સમયમાં ભારત, પાકિસ્તાન, ચીન સહિત અનેક દેશો વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે પણ દાયકાઓથી સરહદ વિવાદના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બંને દેશો વચ્ચે હાલ ભારેલું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઈઝરાયલથી થોડાક જ કિલોમીટર દૂર એક એક એવો વિસ્તાર આવેલો છે, જેના પર કોઈપણ દેશ કબજો કરવા માંગતો નથી. આ વિસ્તારનું નામ છે તાવિલ... જે ઈજિપ્ત અને સૂડાનની સરહદ વચ્ચે રણ વિસ્તારમાં આવેલું ક્ષેત્ર છે. આમ તો તાવિલ ખૂબ જ નાનો વિસ્તાર છે, પણ તે આંતરરાષ્ટ્રીય નેતાઓ માટે પડકાર બની ગયો છે.
તાવિલ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓ માટે પડકાર
છેલ્લા 60 વર્ષોમાં આ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓ માટે પડકાર બની રહ્યું છે. સહારા રણના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં આવેલા આ 2060 ચોરસ કિલોમીટર વિસ્તારને વિચરતી લોકોએ બીર તાવિલ નામ આપ્યું છે, જેનો અર્થ અરબીમાં ઊંચા પાણી વાળો કૂવો છે. આ વિસ્તારની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વિસ્તાર પર અત્યાર સુધીમાં ઈઝરાયલ, સૂડાન અને ઈજિપ્ત સહિત કોઈપણ દેશો દાવો કર્યો નથી.
તાવિલ વિસ્તાર પર કબજો કેમ કરવા માંગતા નથી?
એક તરફ જમીનના નાના ભાગ માટે પડોશમાં ભારેલું યુદ્ધ ચાલી રહ્યું છે, તો પછી શા માટે ઇજિપ્ત, સુદાન કે અન્ય કોઈ દેશ આ ખાલી પડેલી જમીન પર કબજો કરવા માંગતા નથી. વાસ્તવમાં તેની પાછળનું કારણ પણ બ્રિટન અને તેના દ્વારા 20મી સદીમાં દોરવામાં આવેલી સીમાઓ છે. એક સમયે આ આખો વિસ્તાર બ્રિટિશ કબજા હેઠળ હતો.
તાબિલ વિસ્તાર પર કબજો કરનાર દેશને નુકસાન
1899માં બ્રિટન અને તત્કાલીન સુદાન સરકાર વચ્ચેના બાઉન્ડ્રી એગ્રીમેન્ટમાં એક સીમા રેખા દોરવામાં આવી હતી. થોડા સમય પછી બ્રિટનના ગયા બાદ તરત જ આ વિસ્તારમાં મુશ્કેલીઓ ઊભી થવા લાગી હતી. 1902માં ઈજિપ્ત અને સુદાન વચ્ચે અન્ય સરહદ કરાર પર હસ્તાક્ષર થયા હતા, ત્યારે આ વિસ્તારનો મુદ્દે ઉછળ્યો હતો અને ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ બંને દેશોએ તાબિલનો નિવેડો લાવવા માટે મહત્ત્વના સમજૂતી કરાર કર્યા હતા. કરાર મુજબ જો કોઈ દેશ તાબિલ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે તો તેણે મોટા ભાગ (હબાલ ત્રિકોણ) પર પોતાનો અંકુશ ગુમાવવો પડશે. બીર તાવીલ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે તેથી અહીં કોઈ ખનીજ પણ નથી અને તે ફળદ્રુપ જમીન પણ નથી. આ કારણે સુદાન કે ઈજિપ્ત આ વિસ્તારને પોતાના દેશમાં સામેલ કરવા ઈચ્છતા નથી.
ઘણા લોકોએ તાબિલને નવો દેશ બનાવવાનો પ્રયાસ કર્યો
ઈજિપ્ત અને સુદાને તાબિલ વિસ્તારના વિવાદને છોડી દેવા અને તેને ભુલી જવાનો નિર્ણય કર્યા બાદ ઘણા લોકોએ તાબિલ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
2014માં વર્જિનિયાના એક ખેડૂતે બીર તાવિલમાં ધ્વજ લગાવ્યો અને પોતાને ઉત્તરી સુદાન રાજ્યનો ગવર્નર જાહેર કર્યો હતો. તેની ઈચ્છા હતી કે, તેની દીકરી રાજકુમારી બને. આ માટે તેણે પોતાનો ધ્વજ બનાવ્યો અને તેને અહીં લગાવ્યો હતો. જોકે તેમનો દાવો ફગાવી દેવાયો હતો.
આ ઘટનાના ત્રણ વર્ષ પછી 2017માં ભારતના ઈન્દોરના રહેવાસીએ આ જગ્યાને પોતાનો દેશ જાહેર કર્યો અને આ જગ્યાનું નામ ‘કિંગડમ ઑફ દીક્ષિત’ રાખ્યું હતું. તેણે પોતાને આ વિસ્તારનો રાજા જાહેર કર્યો અને તેના પિતાને વડાપ્રધાન બનાવી દીધા હતા.