Constitution Day of India : 26 નવેમ્બરને શા માટે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે?
- જાણો, બંધારણ દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ વિશે...
નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2020, ગુરુવાર
26 નવેમ્બરના દિવસે દર વર્ષે ભારતમાં બંધારણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે નેશનલ લો દિવસ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વર્ષ 1949માં ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું જે 26 જાન્યુઆરી,1950ના દિવસે અમલી બનાવવામાં આવ્યું હતું.
બંધારણ દિવસનો ઇતિહાસ
26 નવેમ્બરના દિવસે ભારતની બંધારણ સભાએ બંધારણને સ્વીકાર્યુ જે વર્ષ 1950થી અમલી બનાવવામાં આવ્યું હતું. 19 નવેમ્બર, 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે નાગરિકો વચ્ચે બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન કરવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 નવેમ્બરના રોજ 'બંધારણ દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો.
બંધારણ દિવસનું મહત્ત્વ
ડૉ. બી આર આંબેડકર એક પ્રસિદ્ધ સમાજ સુધારક, રાજકારણી અને ન્યાયશાસ્ત્રી હતા અને તેમને ભારતીય બંધારણના જનક પણ કહેવામાં આવે છે. તેમને 29 ઑગષ્ટ, 1947 ના રોજ બંધારણ ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.
ડો. આંબેડકર ભારતીય બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ હતા અને વર્ષ 2015માં આંબેડકરની 125મી જ્યંતી હતી. ભારતના બંધારણ દિવસનો ઉદ્દેશ્ય ભારતીય બંધારણ અને તેના ઘડવૈયા ડૉ. બી આર આંબેડકરના મહત્ત્વ વિશે લોકોમાં જાગરૂકતા લાવવાનો છે. આ દિવસ મનાવવાની ઘોષણા 11 ઑક્ટોબર, 2015માં કરવામાં આવી હતી.
ભારતનું બંધારણ શું છે?
બંધારણ ભારત સરકારના લેખિત સિદ્ધાંતો અને ઉદાહરણોનો એક સમૂહ છે જે મૂળભૂત રાજનૈતિક સિદ્ધાંતો, પ્રક્રિયાઓ, અધિકારો, નિર્દેશ સિદ્ધાંતો, પ્રતિબંધો અને સરકાર અને દેશના નાગરિકોની ફરજને દર્શાવે છે.
આ ભારતને એક સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે અને પોતાના નાગરિકોની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાનની ખાતરી આપે છે.