પ્રેમ, લગ્ન અને પછી અચાનક સંબંધોનો અંત... જાણો લવ મેરેજમાં કેમ વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ
બદલાતી લાઈફ સ્ટાઈલ સાથે સાથે હવે લવ મેરેજનું ચલણ વધ્યું છે
ફેમિલી કોર્ટમાં આવતાં છૂટાછેડાના કેસમાં મોટાભાગના કેસ લવ મેરેજ કર્યા હોય તે લોકોના હોય છે
Image Twitter |
ભારતીય સમાજમાં લગ્ન બે લોકોના જીવનનું અતૂટ બંધન છે. દરેકના વ્યક્તિના જીવનમાં પારિવારિક જીવનનું વિશેષ મહત્ત્વ હોય છે. અને પારિવારિક જીવન આગળ વધારવા માટે લગ્નના બંધનમાં બંધાય છે. લગ્ન પછી છોકરો- છોકરી એક પવિત્ર સંબંધમાં આવે છે અને પછી પરિવાર બને છે. પરંતુ આ લગ્ન માટે દરેક વ્યક્તિને આદર્શ પાત્રની શોધ રહેતી હોય છે અને તેમા ખૂબ વિચારી સમજીને લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવે છે. પહેલાના જમાનામાં પરિવારના લોકો તેમના દીકરા-દીકરી માટે આદર્શ જીવનસાથી શોધતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે દીકરા- દીકરીઓ જાતે પાત્ર શોધે છે પછી એરેન્જ મેરેજ થાય છે.
મોટાભાગના લોકો પ્રેમ લગ્નમાં સફળ થતાં નથી
આટલા સુધી તો બધુ બરોબર છે, પરંતુ બદલાતી લાઈફ સ્ટાઈલ સાથે સાથે હવે લવ મેરેજનું ચલણ વધ્યું છે. લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન. આ લગ્નમાં છોકરો- છોકરી પહેલેથી એકબીજાને પ્રેમ કરતાં હોય છે અને એકબીજાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી લેતા હોય છે. પ્રેમ લગ્નમાં વર-કન્યા એક બીજાને પહેલાથી જાણતાં હોય છે. તેથી પરિવારની સહમતિ અથવા વગર સહમતિથી એક બીજા સાથે લગ્ન કરી લેતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો પ્રેમ લગ્નમાં સફળ થતાં નથી અને પછી છૂટાછેડાની વાત આવી જાય છે. ફેમિલી કોર્ટમાં આવતાં છૂટાછેડાના કેસમાં મોટાભાગના કેસ લવ મેરેજ કર્યા હોય તે લોકોના હોય છે.
જવાબદારીઓ પૂરી ન થાય એટલે ખતમ થઈ જાય છે પ્રેમ
આ બાબતે એક ફેમિલી કોર્ટના કાઉન્સેલરે વાત કરતાં કહ્યું કે, પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ કરનારાઓના કેસ ફેમિલી કોર્ટમાં આવે છે. પહેલા પ્રેમલગ્ન કરે છે અને પછી પરસ્પર એકબીજાની સંમતિથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં આવે છે. આવા કિસ્સાઓમાં મોટાભાગે એવું જોવા મળે છે કે, યુવક -યુવતીઓ આવેશ, જોષ અને લાગણીમાં આવીને પરિવારની સહમતિ ન હોવા છતાં પણ લગ્ન કરી લેતા હોય છે, પરંતુ જ્યારે ગૃહસ્થ જીવનની શરુઆત થાય અને જવાબદારીઓ વધવા લાગે ત્યારે બંને પક્ષો તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકતા નથી, અને પછી એકબીજાની ખામીઓ શોધીને વાદ- વિવાદની સ્થિતિ ઊભી થાય છે. અંતે પરિણામ છૂટાછેડા પર આવી જાય છે. આ રીતે બંને પક્ષો ઉતાવળમાં પ્રેમલગ્ન કરે છે, અને પ્રેમ પૂરો થઈ જતાં લગ્નજીવનનો પણ અંત આવી જાય છે. તેમના કહેવા પ્રમાણે કોઈપણ છોકરા-છોકરીએ ભાવાવેશ અને લાગણીમાં આવીને પરિવારની સહમતિ વગર ક્યારેય આ રીતે લગ્ન ન કરવા જોઈએ.