આંબાના પાંદડાના અઢળક લાભ : ડાયાબિટીસમાં ફાયદો, હેર ગ્રોથમાં મદદરૂપ, વજન પણ ઘટાડશે
Mango Leaves Benefits: ઉનાળામાં કેરી ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે, અલબત્ત તે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં પરફેક્ટ છે, પરંતુ શું તમને ખબર છે કે કેરી સાથે તેના પાન પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આંબાના પાનમાં વિટામીન A, C અને B ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઔષધીય ગુણો પણ જોવા મળે છે, જે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ચાલો જાણીએ તેના કેટલાક અદ્ભુત ફાયદાઓ.
ડાયાબિટીસમાં ફાયદાકારક
આંબાના પાનનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થાય છે. આ પાનમાં ટેનીન હોય છે જે પ્રારંભિક ડાયાબિટીસને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. એવામાં તમે આંબાના પાનને કાચા ચાવી શકો છો અને આ પાનને સૂકવીને પાવડર બનાવીને તેનું સેવન પણ કરી શકાય છે. તમે આ પાનને પાણીમાં ઉકાળી શકો છો અને પછી પાણીને ગાળીને પી શકો છો. પણ આ સાથે એલોપથી દવા પણ લેવાની રાખવી જરૂરી છે.
બ્લડ પ્રેશર ઓછું થાય છે
કેરીના પાન પણ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પાનના હાઈપોટેન્સિવ ગુણધર્મોને લીધે, તે બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે. પરંતુ આ સાથે બ્લડ પ્રેશરની એલોપથી દવાઓ પણ ચાલુ રાખવી હિતાવહ છે.
એન્ઝાઈટી ઘટાડવામાં અસરકારક
ઘણા લોકોને એન્ઝાઈટીની સમસ્યા હોય છે. એન્ઝાઈટી થવાથી વ્યક્તિને શરીરમાં અસ્વસ્થતાનો અનુભવ થાય છે અને શું કરવું અને શું નહીં તે સમજાતું નથી. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ આંબાના પાન મદદ કરે છે. ન્હાવાના પાણીમાં આંબાના પાન નાખો. આ પાણીથી સ્નાન કરવાથી શરીર તાજગી અને હળવાશ અનુભવે છે અને એન્ઝાઈટી ઓછી કરવામાં મદદ કરી શકે છે.
શરદી દૂર થઈ શકે છે
શરદીની સ્થિતિમાં પણ આંબાના પાનનો ઉપયોગ કરી શકાય છે. શરદી કે શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં આંબાના પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરદીની સમસ્યામાં રાહત મળે છે. તમે આંબાના પાનનું પાણી પણ ગરમ કરીને તેમાં એક ચમચી મધ ઉમેરીને ચાની જેમ પી શકો છો.
પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી
પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આંબાના પાનનું સેવન પણ કરી શકાય છે. આ માટે આંબાના પાનને આખી રાત નવશેકા પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે આ પાણીને ખાલી પેટ પીવો. આમ કરવાથી પેટમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જશે અને શરીરની સફાઈ પણ થશે. આનાથી ન માત્ર પેટ સ્વસ્થ રહે છે પણ સ્કિન પણ સુધરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે નિયમિત રીતે આંબાના પાંદડાની ચા પીતા હોવ તો તે તમારા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે કુદરતી ચયાપચય બૂસ્ટર છે. આ પાંદડા પાચન સુધારવામાં મદદ કરે છે, જેના કારણે શરીર ખોરાકને સારી રીતે પચાવવામાં સક્ષમ બને છે.
(Disclaimer: જો કે, કોઈપણ નવી સારવાર શરૂ કરતા પહેલા ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો. જો તમે કોઈપણ રોગની સારવાર માટે દવા લો છો, તો ડૉક્ટરની સલાહ લીધા વિના આંબાના પાનનું સેવન ન કરો.)