10 કરોડની ભેંસ પછી 11 લાખનો કૂતરો આકર્ષણનું કેન્દ્ર બન્યો

Updated: Oct 20th, 2022


Google NewsGoogle News
10 કરોડની ભેંસ પછી 11 લાખનો કૂતરો આકર્ષણનું કેન્દ્ર બન્યો 1 - image


નવી દિલ્હી,તા. 20 ઓક્ટોબર 2022, ગુરુવાર

મેરઠના કૃષિ મેળામાં દસ કરોડની કિંમતની ભેંસ આજકાલ આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. તો એક કૂતરાએ પણ  બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દસ કરોડની કિંમતની ભેંસ અને અગિયાર લાખની કિંમતનો કૂતરો જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મેરઠના કૃષિ મેળામાં આજકાલ ડૉગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ડૉગ શોમાં એક કૂતરો પણ આવ્યો હતો જે માઈનસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસમાં રહેવા ટેવાયેલો છે.

કહેવાય છે કે કૂતરાને ગરમીથી એટલી બધી એલર્જી છે કે તેને એસીમાં રહેવું પડે છે. ચાઉ બ્રીડના આ કૂતરાની કિંમત અગિયાર લાખ થઈ ગઈ છે. મેરઠમાં કેટ વોકની જેમ ડૉગ વોક યોજાઈ હતી. આ ડૉગ વોકમાં જ્યારે એકથી એક ચઢિયાતા ડૉગ પોતાની ધૂન પર રેમ્પ પર વોક કરતા હતા ત્યારે લોકોની નજર તેમના પર ટકેલી હતી.

10 કરોડની ભેંસનાં સ્પર્મ વેચી લાખો રૂપિયા કમાય છે

આ ભેંસનું વજન 1500 કિલો હોવાનું કહેવાય છે. આ ભેંસ દરરોજ 25 લિટર દૂધ, 15 કિલો ફળ, 15 કિલો અનાજ અને 10 કિલો વટાણા ખાય છે. આ ઉપરાંત લીલો ચારો પણ આપવામાં આવે છે. તેને દરરોજ સાંજે છ કિમી ચાલવા માટે લઈ જવામાં આવે છે. ગોલુ નામની આ ભેંસના શરીર પર દરરોજ તેલથી માલિશ કરવામાં આવે છે. આ ભેંસનું સ્પર્મ વેચી ભેંસનો માલિક દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. ભેંસના સ્પર્મની માંગ હરિયાણા સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં છે. મેળામાં દસ કરોડની ભેંસની સાથે સેલ્ફી લેવા માટે લોકોની લાઈન લાગી હતી. આ અગાઉ કૃષિ મેળામાં હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના કરમવીર સિંહની ભેંસ 'યુવરાજ' પણ સાડા નવ કરોડની ભેંસ જોવા મળી હતી. તેને સવા નવ કરોડમાં ખરીદવાની ઓફર કરવામાં આવી હતી.

"કૃષિ કુંભ 2022" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, મેરઠ ખાતે અખિલ ભારતીય કિસાન મેળો અને કૃષિ ઉદ્યોગ "કૃષિ કુંભ 2022" 18 ઓક્ટોબરથી યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થયો છે. કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર કે.કે.સિંઘે આજે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કિસાન મેળાનું આયોજન ખેડૂતો, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાહસિકો અને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા તમામ લોકોના લાભાર્થે કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News